શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:નાગેશ્વર જ્યોતિર્લિંગ; આ શિવ મંદિરમાં ભગવાન શિવને નાગેશ્વર અને માતા પાર્વતીને નાગેશ્વરી કહેવામાં આવે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.
  • જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે, તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે

ગુજરાતમાં બે જ્યોતિર્લંગ છે. એક સોમનાથ અને બીજું દ્વારકા નજીક આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના દ્વારકા ધામથી લગભગ 18 કિમી દૂર સ્થાપિત છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. અહીં શ્રીદ્વારકાધીશ ભગવાન શિવજીનો રૂદ્રાભિષેક કરતાં હતાં. પુરાણો પ્રમાણે ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવે છે. ભગવાન શિવના સહસ્ત્ર નામમાંથી એક નામ નાગેશ્વર પણ છે, નાગના ઈશ્વર એટલે નાગેશ્વર. નાગ દેવતા હંમેશાં ભગવાન શિવજીના ગળામાં વિરાજિત રહે છે. જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે, તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે.

નાગેશ્વર મહાદેવના નામ પડવા પાછળની દંતકથાઃ-
દારુકા નામની રાક્ષસણીએ મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા હતા. તેણીએ માતાને કહ્યું હતું કે ‘વનમાં ઘણી ઔષધિઓ હોય. જ્યાં લોકોને તેની જરૂર હોય ત્યાં હું વનને લઇ જઈ શકું એવું વરદાન આપો.’ માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું. શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુકાએ દારુકવનમાં બંદી બનાવી રાખ્યા હતા. આ વન સર્પોનું હતું અને દારુકા તેમની સ્વામીની હતી. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યા. મરતાં પહેલા તે રાક્ષસ કન્યાની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું.

જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે, તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે
જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે, તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે

નાગેશ્વર મંદિરનો મહિમાઃ-
નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે. તે દ્વાદશ(12) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતા આવતાં અન્ય દેવસ્થાનો જગતેશ્વર(અલ્મોડા, ઉત્તરાખંડ) અને ઔંધ (મહારાષ્ટ્ર)માં છે. શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકવન (એક પૌરાણિક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે.

નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે
નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે

નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખુલવાનો સમયઃ-
નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સવારે પાંચ વાગે આરતી હોય છે. ભક્તોના દર્શન માટે મંદિર 6 વાગ્યાથી બપોરે 12-30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સાંજે ચાર વાગે જ્યોતિર્લિંગનો શ્રૃંગાર થાય છે, તે પછી ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થઈ જાય છે. સાંજે 5 વાગ્યાથી રાતે 9-30 વાગ્યા સુધી મંદિર શ્રૃંગાર દર્શન માટે ખુલે છે. આરતીનો સમય સાંજે 7 વાગ્યાનો છે. શિવરાત્રિ, શ્રાવણ સોમવાર તથા અન્ય વિશેષ તહેવારોના સમયે આ મંદિર વધારે સમય સુધી ખુલ્લું રહે છે.

નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રૂદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. શિવલિંગ ઉપર એક ચાંદીનું આવરણ ચઢેલું છે અને એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે
નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રૂદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. શિવલિંગ ઉપર એક ચાંદીનું આવરણ ચઢેલું છે અને એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે

નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનઃ-
તમને બે કિલોમીટર દૂરથી જ ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં એક મોટી મનમોહક અતિ વિશાળ પ્રતિમા જોવા મળશે. તે 125 ફૂટ ઊંચી તથા 25 ફૂટ પહોળી પ્રતિમા પદ્માસન મુદ્રામાં બનેલી છે અને નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં સ્થિત છે. મુખ્ય દ્વારથી અંદર જવાથી પૂજન સામગ્રીની નાની-નાની દુકાનો જોવા મળશે. જ્યાંથી તમે પ્રસાદ વગેરે લઈ શકો છો. નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રૂદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. શિવલિંગ ઉપર એક ચાંદીનું આવરણ ચઢેલું છે અને એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. નાગેશ્વર શિવલિંગ પાછળ માતા પાર્વતીની સુંદર મૂર્તિ સ્થાપિત છે. તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની અનુપમ છવિને પોતાના મન મંદિરમાં વસાવી લો. ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે પુરૂષ ભક્તે ધોતી પહેરીને આવવું જરૂરી છે.

શિવપુરાણઃ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનથી પાપ નષ્ટ થાય છેઃ-
ગર્ભગૃહ સભામંડપથી નીચે છે. જ્યોતિર્લિંગ સામાન્ય કરતાં મોટા આકારનું છે જેના ઉપર ચાંદીનું આવરણ ચઢેલું છે. જ્યોતિર્લિંગ ઉપર જ એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. ગર્ભગૃહમાં પુરૂષ ભક્ત જ્યારે અભિષેક કરવાનો હોય છે ત્યારે ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે. શિવપુરાણ પ્રમાણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેમની ઉત્પત્તિ અને માહાત્મ્ય સંબંધિત કથાને સાંભળવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઇ જાય છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું?
નાગેશ્વર જ્યોતિર્લિંગ જવા માટે પહેલાં તમારે દ્વારકા આવવું પડશે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા ધામથી લગભગ 18 કિમી દૂર છે. રિક્ષા દ્વારકાથી નાગેશ્વર માટે સૌથી ઉત્તમ સાધન છે.

વાયુ માર્ગઃ- નાગેશ્વરથી લગભગ 145 કિલોમીટર દૂર જામનગર એરપોર્ટ અને 125 કિલોમીટર દૂર પોરબંદર એરપોર્ટ આવેલું છે. અહીંથી તમે ટેક્સી કે કેબ દ્વારા દ્વારકા કે નાગેશ્વર મંદિર પહોંચી શકો છો.

રેલ માર્ગઃ- નાગેશ્વર જવા માટે દ્વારકા કે ઓખા રેલવે સ્ટેશન ઉપર ઉતરવું પડશે. અહીંથી તમે ટેક્સી, બસ કે કેબ દ્વારા નાગેશ્વર પહોંચી શકો છો.

સડક માર્ગઃ- તમે દ્વારકાથી નાગેશ્વર પહોંચી શકો છો. દ્વારકા અનેક રાજ્યથી સડક માર્ગે જોડાયેલું છે. દેશના અનેક મોટા શહેરોથી દ્વારકા માટે બસ સેવા મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...