પ્રેરક કથા:કોઈને કશુંક બોલતા પહેલાં યોગ્ય રીતે વિચાર કરી લેવો જોઈએ, નહીંતર પસ્તાવું પડે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાચીન સમયમાં એક વૈદ્યજી પાસે દૂર-દૂરથી લોકો પોતાનો ઈલાજ કરાવવા આવતાં હતાં. વૈદ્યજી ખૂબ જ યોગ્ય, વિનમ્ર અને બુદ્ધિમાન હતાં. એક દિવસ તેમને ત્યાં નગરનો મોટો શેઠ પોતાના બાળકને લઈને ત્યાં પહોંચ્યો.

શેઠનો દીકરો ખૂબ જ બીમાર હતો. વૈદ્યજીએ તે બાળકને જોયો અને તેની બીમારીને દૂર કરવા માટે યોગ્ય દવાઓ આપી. શેઠે દવાઓની કિંમત પૂછી ત્યારે વૈદ્યજીએ 10 સોનાની મુદ્રાઓ માગી લીધી. ત્યાં જ એક ગરીબ વ્યક્તિ પણ પોતાનો ઇલાજ કરાવવા માટે આવ્યો હતો. જ્યારે તેણે આ બધું જોયું ત્યારે વિચાર્યું કે આટલું ધન તો મારી પાસે નથી, આ વિચારીને તે ત્યાંથી જવા લાગ્યો.

બીમાર વ્યક્તિને જતો જોઈને વૈદ્યજીએ તેને રોક્યો અને જવાનું કારણ પૂછ્યું. બીમાર ગરીબે કહ્યું કે મારી પાસે તમને આપવા માટે 10 સોનાની મુદ્રાઓ નથી, એટલે હું અહીંથી જઈ રહ્યો છું. વૈદ્યજીએ કહ્યું, કોઈ વાંધો નહીં, તમે જ્યારે ઠીક થઈ જાવ ત્યારે અહીં થોડા દિવસ દર્દીઓની સેવા કરી દેજો.

આ સાંભળીને શેઠને ગુસ્સો આવ્યો અને કહ્યું તમે મારું ધન જોઈને મારી પાસેથી 10 મુદ્રાઓ માગી લીધી અને તેનો ઈલાજ મફતમાં કરી રહ્યા છો, આ ખોટી વાત છે. વૈદ્યજીએ કહ્યું કે શેઠજી એવું નથી, મારે મારું આશ્રમ ચલાવવા માટે બે વસ્તુઓની જરૂરિયાત છે ધન અને સેવા. જે દર્દી પાસે આપવા માટે જે હોય છે, હું દવાની જગ્યાએ તેમની પાસેથી તે માગી લઉ છું. તમારી પાસે મને આપવા માટે ધન છે તો તમારી પાસેથી ધન લઉ છું. આ ગરીબ પાસે ધન નથી તો તેને હું સેવા આપવા માટે કહી રહ્યો છું.

આ વાત સાંભળીને શેઠને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તેને પોતાની વાતનો પસ્તાવો થયો અને તેને માફી માગી.

બોધપાઠ- આ પ્રસંગનો બોધપાઠ એ છે કે આપણે કોઈ વ્યક્તિને કશું પણ કહેતા પહેલાં યોગ્ય રીતે વિચાર કરી લેવો જોઈએ, નહીંતર પસ્તાવું પડે છે.