થોડાં શિષ્ય ગુરુ કરતાં સારું કામ કરવા લાગે છે તો તેમને આ વાતનો ઘમંડ થઇ જાય છે અને તેઓ ગુરુની સલાહની કદર કરવાનું બંધ કરી દે છે. જ્યારે એવું કરવું જોઇએ નહીં. આ અંગે એક લોક કથા પ્રચલિત છે.
કથા- પ્રાચીન સમયમાં ગુરુ અને શિષ્ય બંને રમકડાં બનાવીને વેંચતા હતાં અને જે ધન મળતું હતું, તેનાથી બંનેનું જીવન ચાલતું હતું. ગુરુના માર્ગદર્શનમાં શિષ્ય ખૂબ જ સારા રમકડાં બનાવવા લાગ્યો હતો અને તેના રમકડાંથી વધારે રૂપિયા મળતાં હતાં.
ગુરુના રમકડાં ઓછી કિંમતે વેચાઇ રહ્યા હતાં. પરંતુ ગુરુ રોજ શિષ્યને કહેતાં હતાં કે, તારા રમકડાંમાં સફાઈની જરૂરિયાત છે. રોજ-રોજ ગુરુ આ જ સલાહ આપતાં હતાં. થોડાં દિવસ પછી શિષ્યને ગુરુની આ વાત ખરાબ લાગવા લાગી.
શિષ્ય વિચારવા લાગ્યો કે, મારા રમકડાં તો ગુરુજીના રમકડાંથી સારી કિંમતે વેચાઇ રહ્યા છે, લગભગ આ કારણે ગુરુજીને ઇર્ષ્યા થવા લાગી છે. એટલે તેઓ રોજ મને સલાહ આપી રહ્યા છે.
એક દિવસ ગુરુની સલાહથી કંટાળીને શિષ્યને ગુસ્સો આવી ગયો. શિષ્યએ ગુરુને કહ્યું, ગુરુજી હું તો તમારી કરતાં સારા રમકડાં બનાવી રહ્યો છું, મારા રમકડાંથી વધારે રૂપિયા મળી રહ્યા છે, છતાંય તમે મને સારા રમકડાં બનાવવા માટે કહો છો. જ્યારે મારા કરતાં તો તમારે તમારા કામમાં વધારે સુધાર લાવવાની જરૂરિયાત છે.
ગુરુ સમજી ગયા કે શિષ્યમાં ઘમંડ આવી ગયો છે. તેમણે શિષ્યને ધીમી વાણીમાં કહ્યું, દીકરા જ્યારે હું તારી ઉંમરનો હતો, ત્યારે મારા રમકડાં પણ ગુરુજીના રમકડાં કરતાં વધારે રૂપિયામાં વેચાતાં હતાં. એક દિવસ મેં પણ તારી જેમ જ મારા ગુરુને આ વાત કહી હતી. તે દિવસ પછી ગુરુજીએ મને સલાહ આપવાનું બંધ કરી દીધું અને મારી કળામાં વધારે નિખાર આવ્યો નહીં. હું નથી ઇચ્છતો કે તારી સાથે પણ આવું જ થાય.
ગુરુએ શિષ્ય ઉપર ગુસ્સો કર્યો નહીં અને ધીમા અવાજે જે વાત કહી, તે શિષ્યને ખૂબ જ યોગ્ય રીતે સમજાઇ ગઇ. તેણે ગુરુ પાસે માફી માંગી અને તેની કળાને નિખારવા લાગ્યો.
કથાનો બોધપાઠઃ-
જો કોઇ કામમાં પરફેક્ટ થવા માંગો છો તો ગુરુની સલાહનું પાલન હંમેશાં કરો. જો કામ થોડું સારું કરવા લાગો તો પોતાની કળા ઉપર ઘમંડ ન કરો, નહીંતર કળાનો વિકાસ થઇ શકશે નહીં અને વ્યક્તિ મહાન કલાકાર બની શકશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.