સુખ-શાંતિ કેવી રીતે મળે છે?:અન્ય લોકોની નકારાત્મક વાતો ઉપર ધ્યાન આપશો તો યોગ્ય રીતે કામ કરી શકશો નહીં અને ચિંતાઓ વધશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંતે શિષ્યને સમજાવ્યું કે જો લોકો આલોચના કરી રહ્યા છે તો તેના ઉપર ધ્યાન આપશો નહીં, તમારું કામ પ્રામાણિકતાથી કરો

જો આપણે ઇચ્છિએ કે કોઇ આપણી આલોચના ન કરે તો તે શક્ય નથી. આપણે કોઇપણ કામ કરીશું તો કોઇને કોઇ તો તેમાં ખોટ કાઢશે જ. જો આપણે આવી નકારાત્મક વાતો ઉપર ધ્યાન આપીશું તો આપણે આપણું કામ યોગ્ય રીતે કરી શકીશું નહીં. આ અંગે એક લોક કથા પ્રચલિત છે.

કથા- પ્રાચીન સમયમાં એક સંત પોતાના શિષ્ય સાથે કોઇ ગામની બહાર ઝૂંપડી બનાવીને રહેતાં હતાં. જ્યારે આસપાસના લોકોને આ વાતની જાણ થઇ તો લોકો સંત પાસે પહોચી ગયાં. સંત ખૂબ જ વિદ્વાન હતાં. લોકો તેમને પોતાની સમસ્યાઓ જણાવતાં અને સંત તેનો ઉકેલ લાવતાં હતાં. સંતે પોતાના ઉપદેશોના કારણે ખૂબ જ પ્રસિદ્ધ થઇ ગયાં હતાં. જેથી તેમનો શિષ્ય પણ ખૂબ જ ખુશ હતો.

ગામમાં જ એક પંડિત રહેતો હતો. તેને તેના ભવિષ્યની ચિંતા થવા લાગી હતી. તેને થયું કે, સંત ગામના લોકોનો વિશ્વાસ જીતી રહ્યો છે, જેથી તેના યજમાન ઘટી જશે. લોકો પૂજા-પાઠ કરાવશે નહીં. પંડિત તેનો પ્રભાવ ઘટવાનો ખતરો અનુભવ કરી રહ્યો હતો. તેણે ગામના લોકો સામે સંત વિશે ખરાબ બોલવાનું શરૂ કરી દીધું.

થોડાં જ દિવસોમાં ગામના અનેક લોકો પંડિત સાથે થઇ ગયા અને સંતને ઢોંગી કહેવા લાગ્યાં. એક દિવસ સંતના શિષ્યએ આ વાત સાંભળી લીધી. તે તરત તેના ગુરુ પાસે પહોંચ્યો અને સંપૂર્ણ વાત જણાવી.

સંતે શિષ્યને સમજાવ્યો કે જ્યારે હાથી કોઇ ગામમાં આવે છે ત્યારે કૂતરા ભસે જ છે, પરંતુ હાથીને કોઇ ફરક પડતો નથી. ઠીક તેવી જ રીતે આપણે પણ આવી નકારાત્મક વાતો ઉપર ધ્યાન આપવું જોઇએ નહીં. આપણે માત્ર આપણું કામ પ્રામાણિકતાથી કરવું જોઇએ.

કથાનો બોધપાઠઃ-
આ કથાનો બોધપાઠ એ છે કે, આપણે માત્ર આપણાં કર્મ યોગ્ય રીતે કરી શકીએ છીએ, સમાજમાં થઇ રહેલી આલોચનાઓને રોકી શકીએ નહીં. આપણે કંઇપણ કરીશું તો લોકો તો આલોચના કરશે જ. એટલે માત્ર પોતાના કામ ઉપર ધ્યાન આપવું જોઇએ. પ્રામાણિકતાથી કામ કરતાં રહો. અન્યની વાતો ઉપર ધ્યાન આપશો તો જીવનમાં સુખ-શાંતિ મળી શકશે નહીં.