ભગવાન શિવનો શ્રૃંગાર ખૂબ જ રહસ્યમયી અને સૌથી અલગ છે. તેમાં નાગ, ભસ્મ, ઝેરી અને જંગલી ફૂલ અને પાન સામેલ છે. આવો શ્રૃંગાર જણાવે છે કે ભગવાન શિવ તે બધાને અપનાવે છે. જેને લોકો પોતાનાથી દૂર રાખે છે. એટલે જે વસ્તુઓ કોઈ કામની નથી તે પણ ભગવાન શિવ પોતાના ઉપર ધારણ કરે છે.
જેને લોકો ત્યાગે છે તેને શિવ અપનાવે છે
ભગવાન શિવ શ્રૃંગાર સ્વરૂપમાં ધતૂરો અને બીલીપાન સ્વીકારે છે. શિવજીનું આ ઉદાર સ્વરૂપ આ વાતનો સંકેત કરે છે કે સમાજ જેને તરછોડે છે, શિવ તેનો સ્વીકાર કરે છે. શિવ પૂજામાં ધતૂરા જેવાં ઝેરી ફળ ચઢાવવા પાછળ પણ ભાવ એ જ છે કે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જીવનમાં ખરાબ વ્યવહાર અને કડવી વાતો બોલવાથી બચવું. સ્વાર્થની ભાવના ન રાખીને અન્યના હિતનો ભાવ રાખો. ત્યારે જ આપણી સાથે અન્ય લોકોનું જીવન સુખી થઈ શકે છે.
મનની કડવાશનો ત્યાગ
ભગવાન શિવને ધતૂરો ખૂબ જ પ્રિય હોવાની વાતમાં એ પણ સંદેશ છે કે શિવાલયમાં જઈને શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવીને મન અને વિચારોની કડવાશ દૂર કરીને મીઠાશને અપનાવી લેવાનો સંકલ્પ લેવો જોઈએ. આવું કરવું જ ભગવાન શિવની પ્રસન્નતા માટે સાચી પૂજા રહેશે.
ધાર્મિક મહત્ત્વઃ દેવી ભાગવત પુરાણ પ્રમાણે
ધાર્મિક દૃષ્ટિએ તેનું કારણ દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથ પ્રમાણે શિવજીએ જ્યારે સમુદ્ર મંથનમાંથી બહાર આવેલ હળાહળ વિષ પીધું હતું ત્યારે તેઓ વ્યાકુળ થવા લાગ્યાં હતાં. ત્યારે અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો, બીલીપાન જેવી ઔષધિઓથી શિવજીની વ્યાકુળતા દૂર કરી. તે સમયથી જ શિવજીને ભાંગ ધતૂરો ખૂબ જ પ્રિય છે. જે પણ ભક્ત શિવજીને ભાંગ ધતૂરો અર્પણ કરે છે, શિવજી તેમના ઉપર પ્રસન્ન થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.