આંધ્રપ્રદેશના શ્રીસૈલમમાં મલ્લિકાર્જુન મંદિર છે. ભગવાન શિવનું આ મંદિર દેશનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. એને દક્ષિણનું કૈલાસ પણ કહેવામાં આવે છે. શ્રીસૈલમ મલ્લિકાર્જુન મંદિરની અંદર અનેક મંદિર બનેલાં છે, જેમાં મલ્લિકાર્જુન અને ભ્રામરામ્બા સૌથી મુખ્ય મંદિર છે.
મલ્લિકાર્જુનનો અર્થઃ-
અહીં મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન ભગવાન શિવ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં ભોળાનાથ અને માતા પાર્વતી બંનેની જ્યોતિ સમાયેલી છે.
મંદિરમાં દર્શન અને આરતીનો સમયઃ-
મંદિરના કપાટ સવારે 4.30 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. એ પછી સાંજે 4.30 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા રહે છે.
આરતી સમયઃ- સવારે 6 વાગે અને સાંજે 5.30 વાગે
દર્શન સમયઃ- સવારે 6.30 વાગ્યાથી બપોરે 3.30 સુધી અને સાંજે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી
પૌરાણિક કથાઃ પુત્રને મળવા માટે જ્યોતિ સ્વરૂપ ધારણ કર્યુંઃ-
એક પૌરાણિક કથા પ્રમાણે, જ્યારે ગણેશજી અને કાર્તિકેય પહેલાં લગ્ન કોણ કરશે એના માટે ઝઘડો થવા લાગ્યો, ત્યારે ભગવાન શિવજીએ કહ્યું, જે પહેલા પૃથ્વીનું ચક્કર લગાવશે તેના જ લગ્ન પહેલા થશે. ગણેશજીએ તેમનાં માતા-પિતાના જ ચક્કર લગાવી લીધા, પરંતુ જ્યારે કાર્તિકેય સંપૂર્ણ પૃથ્વીનું ચક્કર લગાવીને પાછા ફર્યા ત્યારે ગણેશજીને પહેલા લગ્ન કરતા જોઈને તેઓ ભગવાન શિવ અને પાર્વતીથી નિરાશ થઈ ગયા.
નિરાશ થયા પછી કાર્તિકેય ક્રોંચ પર્વત ઉપર આવી ગયા. બધા દેવતાઓએ કાર્તિકેયને પાછા ફરવા માટે આગ્રહ કર્યો, પરંતુ તેઓ માન્યા નહીં. કાર્તિકેય પાછા ફર્યા નહીં, તેથી માતા પાર્વતી અને ભગવાન શિવને પુત્રનો વિયોગ થવા લાગ્યો, તેઓ દુઃખી થઈ ગયાં. એકવાર જ્યારે શિવજી અને માતા પાર્વતીજી કાર્તિકેયને યાદ કરીને ક્રોંચ પર્વત ઉપર તેમને મળવા આવ્યાં ત્યારે કાર્તિકેય માતા-પિતાને જોઈને દૂર જતા રહ્યા.
છેલ્લે, પુત્રનાં દર્શનની લાલચથી ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપ ધારણ કરીને તેઓ પર્વત ઉપર વિરાજમાન થઈ ગયા. કહેવાય છે કે એ દિવસથી જ આ શિવલિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના નામથી પ્રખ્યાત થયું. માન્યતા છે કે ભગવાન શિવ અને પાર્વતી દરેક ઉત્સવમાં કાર્તિકેયને જોવા માટે અહીં આવે છે. એવી પણ માન્યતા છે કે અમાસના દિવસે સ્વયં શિવજી અને પૂનમના દિવસે માતા પાર્વતી આવે છે.
અહીં દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છેઃ-
શિવભક્તોમાં આ જ્યોતિર્લિંગને લઇને ખૂબ જ આસ્થા છે. શ્રાવણ મહિનામાં આ જ્યોતિર્લિંગનાં દર્શન કરવાથી કષ્ટ દૂર થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનાં દર્શન કરવાથી ખાસ પ્રકારના સુખની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. આ એક સિદ્ધ સ્થાન છે, જ્યાં દર્શન કરવાથી જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પૂર્ણ થઈ જાય છે.
કેવી રીત પહોંચવુંઃ-
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના શ્રીસૈલમમાં આવેલું છે. અહીં દર્શન કરવા માટે સડક, રેલ અને હવાઈ માર્ગ દ્વારા પહોંચી શકાય છે
સડક માર્ગઃ- શ્રીસૈલમ જવા માટે વિજયવાડા, તિરૂપતિ, અનંતપુર, હૈદરાબાદ અને મહબૂબનગરથી નિયમિત રીતે સરકારી અને અંગત બસ મળી શકે છે.
હવાઈ માર્ગઃ- શ્રીસૈલમથી 137 કિલોમીટર દૂર હૈદરાબાદનું રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. અહીંથી બસ કે ટેક્સી દ્વારા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પહોંચી શકાય છે.
રેલ માર્ગઃ- અહીંનું નજીકનું રેલવે સ્ટેશન મર્કાપુર રોડ છે, જે શ્રીસૈલમથી 62 કિલોમીટર દૂર છે, જ્યાં પહોંચવા માટે ટેક્સી સરળતાથી મળી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.