• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Makar Sankranti Starts Today At 08.56 PM; By Chanting These 12 Names Of Sun God And Offering Arghya On Sunday, Luck Will Shine

દાન-પુણ્યનું વિશેષ પર્વ:આજે સાંજે 08.56 વાગ્યાથી મકરસંક્રાંતિ શરૂ; રવિવારે સૂર્યદેવના આ 12 નામનો જાપ કરીને અર્ઘ્ય આપવાથી ભાગ્ય ચમકશે

16 દિવસ પહેલા

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ ધરાવે છે. સૂર્યનું મકરથી મિથુન રાશિ સુધીના ભ્રમણ ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિનું ભ્રમણ એ દક્ષિણાયન કહેવાય છે. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકર સંક્રાંતિ સુખ, શાંતિ, વૈભવની કારક, પુત્રદાયક, સ્વાસ્થ્યવર્ધકને ઔષધો માટે ગુણકારી માનવામાં આવે છે. આ જ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂકી થવાની શરૂઆત થાય છે. આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ તા. 14-૦1-2023 શનિવારના દિવસે રાત્રે ૦8-56 કલાકે થતો હોવાથી સંક્રાંતિનો પુણ્યકાળ બીજા દિવસે એટલેકે રવિવારે તા. 15-૦1-2023ના રોજ સૂર્યોદયથી સાંજે ૦5-30 સુધી છે. સંક્રાંતિના દિવસે કરેલું દાન સહસ્ત્રગણું ફળ આપે છે. એવું શાસ્ત્ર વચન છે. આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ અને ઉપવાહન અશ્વ છે. જૂઈ પુષ્પ ધારણ કરેલ છે. પીળું વસ્ત્ર ધારણ કર્યું છે, ભક્ષણમાં ખીર ખાય છે. આયુધ તરીકે ગદા ધારણ કરેલ છે અને બેઠેલી સ્થિતિ છે. કુમારવયની અવસ્થા છે. ભોજન પાત્ર ચાંદીનું છે. રાક્ષસી નામની સંક્રાંતિ દક્ષિણ દિશા તરફથી આગમન થાય છે અને ઉત્તર દિશા તરફ ગમન કરે છે. તેનું મુખ પશ્ચિમ તરફ છે અને દ્રષ્ટિ ઇશાન ખૂણા તરફની છે.

શાસ્ત્રાનુસાર ॥ उतरे त्वयने विप्रे, वस्त्र दान महाफलम। तिल पूर्ण मनडवाह, दंत्वा रोगे प्रमुचयाते॥ ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભાઇનો નાશ થાય છે. આ વર્ષે સંક્રાંતિ ખીર ખાય છે. તેથી દૂધની બનાવટો તથા સફેદ ધાન (ચોખા, જુવાર, સફેદ તલ, રાજગરો, સાબુદાણા)નું દાન કરવું શ્રેષ્ઠ છે. દાન બ્રાહ્મણો, સાધુ, સંતો, અન્નક્ષેત્રમાં આપવું. સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવું. તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવું. આપની સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગીક જ છે. આ પવિત્ર દિને ગાયોને ઘાસ ચારો નિરવો, ગરીબોને અન્ન ગરમ વસ્ત્ર દાનમાં આપવું, તલનું દાતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળ આરોગવા. ઈષ્ટદેવોની સાધના, સ્મરણ અનેકગણું પુણ્ય ફળ આપે છે.

મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા ખાસ કરવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ ક્ષણેથી જ ધનારક કમુરતાં પૂર્ણ થઈ જાય છે. આ સમયગાળો દાન-જાપ અને ઉપાયો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

આ વખતે મકરસંક્રાંતિનું પર્વ 15 જાન્યુઆરી, રવિવારે ઊજવવામાં આવશે. આ દિવસે સૂર્યદેવની પૂજાનું ખાસ મહત્ત્વ છે. સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જે પંચદેવોમાં પણ સામેલ છે અને નવગ્રહોમાં પણ સામેલ છે. સૂર્યદેવને સાક્ષાત દેવતા કહેવામાં આવે છે એટલે કે આપણે તેમને નરી આંખે જોઈ શકીએ છીએ. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી અનેક પ્રકારની પરેશાનીઓ આપમેળે જ દૂર થઈ જાય છે. આ ઉપાય ખૂબ જ સરળ છે. આ પર્વમાં સૂર્યના 12 નામનો જાપ કરીને અર્ઘ્ય આપવામાં આવે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સૂર્યદેવના 12 નામનો જાપ મંત્ર
आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर, दिवाकर नमस्तुभ्यं, प्रभाकर नमोस्तुते।
सप्ताश्वरथमारूढ़ं प्रचंडं कश्यपात्मजम्, श्वेतपद्यधरं देव तं सूर्यप्रणाम्यहम्।।

સૂર્યને અર્ઘ્ય આપતી સમયે આ બાબતોનું ધ્યાન રાખો
- સૂર્યદેવને અર્ઘ્ય આપતી સમયે મન શાંત રાખો, કોઈપણ પ્રકારના વિચાર મનમાં લાવશો નહીં અને સૂર્યદેવનું સ્મરણ કરો.
- સૂર્યને અર્ઘ્ય આપતી સમયે પાણીની જે ધારા જમીન ઉપર પડે છે, તે ધારામાંથી સૂર્યદેવના દર્શન કરવા જોઈએ.
- સૂર્યને નરી આંખે જોવો નહીં. આવું કરવાથી આંખ ઉપર ખરાબ અસર થઈ શકે છે.
- અર્ઘ્ય આપતી સમયે જળ કોઈ તાંબાના વાસણમાં પડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
- તાંબાના વાસણમાં રહેલાં અર્ઘ્યના જળને માથા ઉપર લગાવવું. પછી તે પાણી કોઈ ઝાડ કે છોડને અર્પણ કરવું.
- આ પ્રકારે જે વ્યક્તિ મકર સંક્રાંતિએ 12 નામનો જાપ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપે છે, તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ઉત્તરાયણના દિવસે દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ છે. સંક્રાંતિએ તલ, ધાબળો, મચ્છરદાની વગેરેનું દાન કરો
ઉત્તરાયણના દિવસે દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ છે. સંક્રાંતિએ તલ, ધાબળો, મચ્છરદાની વગેરેનું દાન કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ પ્રમાણે દાન કરવું વિશેષ ફળદાયી બનશે.
મિથુન- તુલા-કુંભ:
કાળી વસ્તુ, કાળા વસ્ત્ર, કાળા અડદ, કળા તલ, કાળા શિંગોડા, કાળી દ્રાક્ષ તથા સ્ટીલ- કાંસાના વાસણનું દાન આપવું.
મેષ- કન્યા- વૃશ્વિક: પીળા વસ્ત્રો, પીળી ચણાની દાળ, પીળો ગોળ, પિત્તળ કે સોનાના વાસણ, પીળું ચંદનનું દાન આપવું.
કર્ક- ધનુ- મીન: લાલ વસ્ત્રો, ઘઉં, લાલ સીંગ, સીંગતેલ, લાલ તલ, ગોળ અને તાંબાના વાસણનું દાન આપવું.
વૃષભ- સિંહ- મકર: સફેદ વસ્ત્રો, ચોખા, સાકર, દૂધ, સફેદ તલ, સફેદ જુવાર, દહીં, ગાયનું ઘી તથા ચાંદી કે સ્ટીલના વાસણનું દાન આપવું.

ધર્મગ્રંથોમા માતા ગાયત્રીની ઉપાસના માટે સૌથી સારો સમય ઉત્તરાયણ મનાય છે
ધર્મગ્રંથોમા માતા ગાયત્રીની ઉપાસના માટે સૌથી સારો સમય ઉત્તરાયણ મનાય છે

માતા ગાયત્રીની આરાધના માટે સૌથી સારો સમય
મકર સંક્રાંતિને તિલ સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે અને દેવતાઓનો પ્રાતઃકાળ પણ શરૂ થઈ જાય છે. સત્યવ્રત ભીષ્મએ પણ બાણની શય્યા ઉપર રહીને મૃત્યુ માટે મકર સંક્રાંતિની રાહ જોઈ હતી.

માન્યતા છે કે ઉત્તરાયણમાં મૃત્યુ થયા પછી મોક્ષ મળવાની શક્યતાઓ વધી જાય છે. આ દિવસથી પ્રયાગમાં કલ્પવાસ પણ શરૂ થઈ જાય છે. ધર્મગ્રંથોમા માતા ગાયત્રીની ઉપાસના માટે સૌથી સારો કોઈ અન્ય સમય જણાવ્યો નથી.

(આ લેખની સંપૂર્ણ માહિતી ભાવનગરના શ્રીધર પંચાંગવાળા જ્યોતિષી કિશન ગિરીશભાઈ જોશી દ્વારા આપવામાં આવી છે)

અન્ય સમાચારો પણ છે...