નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જે ત્રેતાયુગથી ચાલી રહી છે, જ્યારે શ્રીરામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી. તે પછી દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને શરદ ઋતુની આઠમ તિથિ (દુર્ગાષ્ટમી)એ દેવી પૂજનની વિધિ જણાવી હતી. દેવી મહાપુરાણ પ્રમાણે આઠમ તિથિએ દેવી પ્રગટ થયા હતાં અને આ તિથિએ ભૈરવ પણ પ્રગટ થયાં હતાં. માર્કંડેય પુરાણમાં પણ દુર્ગાષ્ટમી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે કે આ તિથિએ દેવી પૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે અને ક્યારેય દરિદ્રતા આવતી નથી.
સંધિકાળઃ દેવી ચામુંડાના પ્રાકટ્યનો સમય-
નવરાત્રિ દરમિયાન સંધિપૂજાનું ખાસ મહત્ત્વ છે. આ તે સમય હોય છે જ્યારે આઠમ તિથિ પૂર્ણ થઈ રહી હોય અને નોમ તિથિ શરૂ થઈ રહી હોય. તેમાં આઠમ તિથિની છેલ્લી 24 મિનિટ અને નોમ તિથિની શરૂઆતની 24 મિનિટ એટલે કુલ 48 મિનિટ હોય છે. આ સંધિકાળને દેવી પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ ખાસ સમય આ વખતે 13 ઓક્ટોબર, બુધવારે રાતે 10.56થી 11.44 સુધી રહેશે. માન્યતા છે કે આ સંધિકાળમાં દેવી ચામુંડા પ્રગટ થયા હતાં અને ચંડ-મુંડ નામના રાક્ષસોને માર્યા હતાં. આ ખાસ કાળમાં દેવીના ચામુંડા સ્વરૂપની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય અને બીમારીઓથી છુટકારો મળે છે.
કન્યા પૂજાથી નવરાત્રિની સંપૂર્ણ ફળ-
દેવી ભાગવત પુરાણ પ્રમાણે આઠમ તિથિએ કન્યા પૂજન અને તેમને ભોજન કરાવવાથી આખી નવરાત્રિનું ફળ મળે છે. આવું કરવાથી દેવી પ્રસન્ન થાય છે. રૂદ્રમાલય તંત્રમાં કહેવામાં આવ્યું છે કે કન્યા પૂજનથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કન્યાઓની પૂજા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને તેનાથી દસ મહાવિદ્યાઓ પ્રસન્ન થાય છે. આઠમ તિથિએ 2 થી 10 વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવી જોઈએ. આ કન્યાઓ સાથે એક બાળકને ભૈરવ સ્વરૂપ માનીને ભોજન કરાવવું જોઈએ.
શ્રીકૃષ્ણએ દેવી પૂજનની વિધિ જણાવી-
ભવિષ્ય પુરાણના ઉત્તરપર્વમાં શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિરનો સંવાદ છે. જેમાં દુર્ગાષ્ટમી પૂજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે આસો મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દેવીની મહાપૂજા કરવી જોઈએ. તે દિવસે કાળી, સર્વમંગલા, માયા, કાત્યાયની, દુર્ગા, ચામુંડા અને શંકરપ્રિયા વગેરે અનેક નામોથી પૂજા કરવી જોઈએ અને આ સ્વરૂપોથી દેવી દુર્ગાનું ધ્યાન કરવું જોઈએ. શ્રીકૃષ્ણ કહે છે કે આ પૂજા સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં થાય છે અને કળિયુગમાં પણ થશે. દેવ, દાનવ, રાક્ષસ, ગંધર્વ, નાગ, યક્ષ, કિન્નર અને મનુષ્ય આઠમ-નોમના દિવસે માતા દુર્ગાની પૂજા કરે છે.
જ્યોતિષઃ આઠમ તિથિ વિજય અપાવે છે-
જ્યોતિષમાં આઠમ તિથિને બળવતી અને વ્યાધિ નાશક તિથિ કહેવામાં આવે છે. તેના દેવતા શિવજી છે. તેને જયા તિથિ પણ કહેવામાં આવે છે. નામ પ્રમાણે આ તિથિએ કરવામાં આવતા કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે. આ તિથિમાં કરવામાં આવતા કામ હંમેશાં પૂર્ણ થાય છે. આઠમ તિથિએ તે કામ કરવા જોઈએ જેમાં વિજય પ્રાપ્ત કરવી હોય. મંગળવારે આઠમ તિથિનું હોવું શુભ માનવામાં આવે છે. ત્યાં જ શ્રીકૃષ્ણનો જન્મ પણ આઠમ તિથિએ થયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.