મંગળવાર, 1 માર્ચના રોજ મહાશિવરાત્રિ છે. ભગવાન વિષ્ણુની જેમ સમયે-સમયે શિવજીએ પણ અવતાર લીધો છે. શિવજીના અવતાર અંગે શિવપુરાણ અને લિંગપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે. જાણો શિવજીના ખાસ અવતાર અને તેની સાથે જોડાયેલી કથા...
શરભ અવતાર
શરભ અવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધાં મૃગ(હરણ) તથા શેષ શરભ પક્ષી (પુરાણોમાં વર્ણિત આઠ પગવાળું જંતુ જે સિંહ કરતાં વધુ શક્તિશાળી)નું હતું. આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહનાં ક્રોધાગ્નિને શાંત કર્યો હતો. લિંગ પુરાણમાં ભગવાન શિવજીનાં શરભાવતારની કથા છે. એ કથા અનુસાર હિરણ્યકશિપુનો વધ કરવાં માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહાવતાર લીધો હતો. હિરણ્યકશિપુનાં વધ પશ્ચાત જ્યારે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ના થયો તો દેવતાઓ ભગવાન શિવજી પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શંકરે શરભાવતાર લીધો અને તેઓ આજ રૂપમાં ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા અને એમની સ્તુતિ કરી. પરંતુ ભગવાન નરસિંહનો ક્રોધાગ્નિ શાંત ના થયો તે ના જ થયો આ બધું જોઇને શરભરૂપી ભગવાન શિવ પોતાની પૂંછડીથી ભગવાન નરસિંહને લપેટી લીધા અને ઉડી ગયાં. તે પછી નૃસિંહજી શાંત થયા અને શરભાવતારની ક્ષમા માગી.
પિપ્પલાદ મુનિ
પિપ્પલાદ મુનિને પણ શિવજીનો અવતાર માનવામાં આવે છે. તેઓ દધીચિ ઋષિના પુત્ર હતાં. દધીચી પોતાના પુત્રને બાળપણમાં જ છોડીને જતા રહ્યા હતાં. એક દિવસ પિપ્પલાદે દેવતાઓને તેનું કારણ પૂછ્યું ત્યારે દેવતાઓએ કહ્યું કે શનિના કારણે આવો કુયોગ બન્યો હતો, જેના કારણે પિતા-પુત્ર અલગ થઈ ગયાં. આ સાંભળીને પિપ્પલાદે શનિદેવને નક્ષત્ર મંડળમાંથી પડવાનો શ્રાપ આપી દીધો.
શ્રાપના પ્રભાવથી શનિદેવ એ જ સમયે આકાશમાંથી પડવાં લાગ્યાં. દેવતાઓની પ્રાર્થના કરવાં પર પિપ્પલાદે શનિદેવને એ વાતે માફ કર્યા કે શનિ જન્મથી લઈને ૧૬ વર્ષની આયુ સુધી કોઈને નષ્ટ અહીં આપે. બસ ત્યારથી જ પિપ્પલાદનાં સ્મરણ માત્રથી શનિદેવની પીડા દૂર થઇ જાય છે. શિવ મહાપુરાણ અનુસાર સ્વયં ભગવાન બ્રહ્માજીએ આ અવતારનું નામકરણ કર્યું હતું
નંદી અવતાર
શિલાદ મુનિ બ્રહ્મચારી હતાં. વંશ સમાપ્ત થતો જોઇને પિતાએ શીલાદને સંતાન પેદા કરવાનું કહ્યું. શિલાદે અયોનિજ અને મૃત્યુહીન સંતાનની કામનાથી ભગવાન શિવની તપસ્યા કરી ત્યારે ભગવાન શંકરજીએ સ્વયં શીલાદને ત્યાં પુત્રનાં રૂપમાં જન્મ લેવાનું વરદાન આપ્યું. થોડાં સમય પછી ધરતી ખેડતાં ખેડતાં શિલાદને ધરતીમાંથી જન્મેલું એક બાળક મળ્યું. શિલાદે એનું નામ નંદી રાખ્યું. ભગવાન શંકરે નંદીને પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યા. આ રીતે નંદી નંદીશ્વર બની ગયાં.
ભૈરવ દેવ
શિવપુરાણ પ્રમાણે ભૈરવ દેવ શિવજીનું જ સ્વરૂપ છે. એકવાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઈને ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ સ્વયંને શ્રેષ્ઠ માનવાં લાગ્યાં ત્યારે ત્યાં એ તેજપુંજની મધ્યમાં એક પુરૂષાકૃતિ દેખાઈ પડી એણે જોઇને ભગવાન બ્રહ્માજીએ કહ્યું કે ચન્દ્રશેખર તમે મારાં પુત્ર છો. અતઃ મારી શરણમાં આવો. ભગવાન બ્રહ્માજી આ વાત સંભાળીને ભગવાન શંકરને ગુસ્સો આવી ગયો એમણે એ પુરૂષાકૃતિને કહ્યું કે કાલની ભાંતિ શોભિત હોવાનાં કારણે તમે સાક્ષાત કાલરાજ છો, ભીષણ હોવાનાં કારણે તમે ભૈરવ છો, ભગવાન શંકર પાસે આ બધાં વરદાન પ્રાપ્ત કરીને કાળભૈરવે પોતાની આંગળીનાં નખ વડે ભગવાન બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાંખ્યું. ભગવાન બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાંખવાના કારણે ભૈરવ બ્રહ્મહત્યાના પાપથી દોષિત થઇ ગયાં. કાશીમાં ભૈરવને બ્રહ્મહત્યાનાં પાપમાંથી મુક્તિ મળી.
અશ્વત્થામા
મહાભારત અનુસાર પાંડવોનાં ગુરુ દ્રોણાચાર્યનાં પુત્ર અશ્વત્થામા કાલ, ક્રોધ, યમ અને ભગવાન શંકરનાં અંશાવતાર હતાં. આચાર્ય દ્રોણે ભગવાન શંકરને પુત્ર રૂપમાં પામવાં માટે ઘોર તપસ્યા કરી હતી. આનાથી ભગવાન શંકરે એમણે વરદાન આપ્યું હતું કે એમનાં પુત્રનાં રૂપમાં તેઓ અવતીર્ણ થશે.
વીરભદ્ર અવતાર
ભગવાન શિવજીનો આ અવતાર ત્યારે થયો હતો જ્યારે દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં માતા સતી એ પોતાનો દેહ ત્યાગી દીધો હતો જ્યારે ભગવાન શિવજીને આ વાતની જાણ થઇ ત્યારે તેમણે ગુસ્સામાં પોતાના માથાં પરથી જટા ઉખાડી અને તેને એક પર્વત પર પટકી દીધી. એ જટાનાં પુર્વભાગમાંથી મહા ભયંકર વીરભદ્ર પ્રગટ થયાં.
ઋષિ દુર્વાસા
ભગવાન શંકરનાં વિભિન્ન અવતારોમાં ઋષિ દુર્વાસા અવતાર પણ પ્રમુખ છે. ધર્મ ગ્રંથો અનુસાર સતી અનુસુયાનાં પતિ મહર્ષિ અત્રિએ ભગવાન બ્રહ્માજીનાં જણાવ્યા પ્રમાણે પત્ની સહિત રુક્ષકુલ પર્વત પર પુત્રકામનાથી ઘોર તપ કર્યું. એમનાં તપથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશ એ ત્રણે એમનાં આશ્રમમાં આવ્યાં. એમણે કહ્યું, અમારાં અંશથી તમને ત્રણ પુત્રો થશે જેઓ ત્રિલોકમાં વિખ્યાત થશે તથા માતા -પિતાનાં યશ કીર્તિ વધારનારાં થશે. સમય આવ્યે ભગવાન બ્રહ્માજીનાં અંશથી ચંદ્રમા પેદા થયાં. ભગવાન વિષ્ણુનાં અંશથી શ્રેષ્ઠ સન્યાસ પદ્ધતિને પ્રચલિત કરનાર ભગવાન દત્તાત્રેય જન્મ્યાં અને રુદ્રનાં અંશથી મુનિવર દુર્વાસાએ જન્મ લીધો.
હનુમાનજી અવતાર
શ્રીરામના સેવક હનુમાનજીને શિવજીનો જ અવતાર માનવામાં આવે છે. હનુમાનજી દેવી સીતાના વરદાનના કારણે અજર-અમર છે એટલે હનુમાનજી ક્યારેય વૃદ્ધ થશે નહીં અને અમર રહેશે.
કિરાત અવતાર
કિરાત અવતારમાં ભગવાન શંકરે પાંડુપુત્ર અર્જુનની વીરતાની પરીક્ષા લીધી હતી. મહાભારત અનુસાર કૌરવોએ છળકપટથી પાંડવોનું રાજ્ય હડપી લીધું હતું અને પાંડવોને વનવાસમાં જવું પડયું હતું. વનવાસમાં જયારે અર્જુન ભગવાન શંકરજીને પ્રસન્ન કરવાં માટે તપસ્યા કરી હતો ત્યારે દુર્યોધન દ્વારા મોકલેલો મૂડ નામનો દૈત્ય અર્જુનને મારવાં માટે સુઅરનું રૂપ ધારણ કરીને ત્યાં પહોંચ્યો. અર્જુને એ સુઅર પર પોતાનાં બાણનો પ્રહાર કર્યો બરાબર એ જ સમયે ભગવાન શંકરે પણ કિરાત વેશ ધારણ કરીને એ સુઅર પર પોતાનું બાણ ચલાવ્યું. ભગવાન શિવજીની માયાને કારણે અર્જુન એમણે ઓળખી જ ના શક્યો અને એ સુઅરનો વધ એનાં જ બાણથી થયો છે એવું કહેવાં લાગ્યો. આ માટે ઉગ્ર વાદવિવાદ થયો વાત યુદ્ધ સુધી પહોંચી ગઈ. અર્જુને કિરાત વેશધારી ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યું. અર્જુનની વીરતા જોઇને ભગવાન શિવજી પ્રસન્ન થયાં અને પોતાનાં વાસ્તવિક સ્વરૂપમાં આવી જઈને અર્જુનને કૌરવો પર વિજય પ્રાપ્ત કરવાં માટે આશીર્વાદ આપ્યાં. અર્જુનની આવી વીરતા જોઇને ભગવાન શિવજીએ અર્જુનને એક દિવ્યાસ્ત્ર પાશુપશાસ્ત્ર આપ્યું. ભગવાન શંકરે કહ્યું કે, આ પાશુપશાસ્ત્રનો ઉપયોગ એક જ વખત થઇ શકશે એટલે તું યોગ્ય સમયે જ એનો ઉપયોગ કરજે!
અર્ધનારીશ્વર
શિવપુરાણ પ્રમાણે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરી દીધી હતી, પરંતુ સૃષ્ટિ આગળ વધતી નહોતી. ત્યારે બ્રહ્માજી સામે આકાશવાણી થઈ કે તેમણે મૈથુની સૃષ્ટિની રચના કરવી જોઈએ। તે પછી બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું. શિવજી અર્ધનારીશ્વર સ્વરૂપમાં પ્રકટ થયાં. તે પછી શિવજીએ પોતાના શરીરથી શક્તિ એટલે દેવીને અલગ કર્યા અને તે પછી સૃષ્ટિ આગળ વધવા લાગી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.