લક્ષ્મીજીની મોટી બહેનની કથા:ઉદ્દાલક મુનિ સાથે અલક્ષ્મીના લગ્ન થયા હતા, આ દેવી કેવા ઘરમાં વાસ કરે છે એ જાણો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 4 નવેમ્બરના રોજ દિવાળી છે અને આ દિવસે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા છે કે જે લોકોને લક્ષ્મીકૃપા મળે છે તેમના ઘરમાં ધન-ધાન્યની ખોટ પડતી નથી. દેવી લક્ષ્મીની એક મોટી બહેનનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જેમનું નામ અલક્ષ્મી છે. અલક્ષ્મી એટલે દરિદ્રતા.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, સમુદ્ર મંથન દરમિયાન મહાલક્ષ્મી પહેલાં તેમની મોટી બહેન અલક્ષ્મી બહાર આવ્યાં હતાં. જોકે અલક્ષ્મીજીની 14 રત્નોમાં ગણતરી કરવામાં આવતી નથી. અલક્ષ્મીને અસુરોએ ગ્રહણ કર્યાં હતાં.

દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે 14 રત્ન બહાર આવ્યા અને તેમની વચ્ચે થોડા ઉપરત્નો પણ બહાર આવ્યા હતા. આ ઉપરત્નોમાંથી એક અલક્ષ્મી પણ હતી. થોડા લોકો જાણે છે કે વારુણી દેવી જ અલક્ષ્મી હતાં. વારુણી એટલે મદિરાને ભગવાન વિષ્ણુની મંજૂરીથી દૈત્યોને સોંપવામાં આવ્યાં હતાં. અલક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ હતી, આ કારણે તેમને લક્ષ્મીજીની મોટી બહેન કહેવામાં આવે છે.

પં. શર્માના જણાવ્યા પ્રમાણે, અલક્ષ્મીના લગ્ન ઉદ્દાલક મુનિ સાથે થયા હતા. જ્યારે મુનિ અલક્ષ્મીને લઈને પોતાના આશ્રમ પહોંચ્યા ત્યારે અલક્ષ્મીએ તે આશ્રમમાં પ્રવેશ કરવાની ના પાડી દીધી. મુનિએ પ્રવેશ ન કરવાનું કારણ પૂછ્યું ત્યારે અલક્ષ્મીએ કહ્યું, હું માત્ર એ જગ્યાએ જ નિવાસ કરું છું, જ્યાં ગંદકી રહે છે, જ્યાં લોકો દરેક સમયે ઝઘડો કરે છે, જ્યાં લોકો ગંદાં કપડાં પહેરતા હોય અને જ્યાં રહેનારા લોકો અધર્મ કે ખરાબ કામ કરતા હોય. આવી જગ્યાએ અલક્ષ્મી રહે છે.

અલક્ષ્મીએ આગળ જણાવ્યું, જે ઘરમાં હંમેશાં સાફ-સફાઈ રહે છે, જ્યાં લોકો સવારે જલદી જાગે છે, રોજ ભગવાનની પૂજા-અર્ચના કરે છે, સાફ કપડાં પહેરે છે, આવી જગ્યાએ હું એટલે અલક્ષ્મી પ્રવેશ કરતી નથી. આવી જગ્યાએ દેવી લક્ષ્મીનો વાસ હોય છે.