મહાકાળેશ્વર બાર જ્યોતિર્લિંગમાંથી એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે. તે બાર જ્યોતિર્લિંગમાં ત્રીજા સ્થાને આવે છે. માન્યતા છે કે, દક્ષિણામુખી હોવાના કારણે મહાકાળના દર્શનથી અસમયે મૃત્યુના ભય અને બધા જ કષ્ટોથી મુક્તિ મળી શકે છે. માત્ર આ જ મંદિરમાં રોજ સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે. ભસ્મ આરતી પહેલાં બાબાને હરિઓમ જળ ચઢાવવામાં આવે છે. બાબાના દર્શનથી યમરાજ દ્વારા આપવામાં આવતી યાતનાઓથી પણ મુક્તિ મળી જાય છે.
મહાકાળેશ્વરની એક અન્ય ખાસ વાત એ પણ છે કે બધા મુખ્ય 12 જ્યોતિર્લિંગમાંથી એક માત્ર મહાકાળેશ્વર જ દક્ષિણામુખી છે એટલે કે તેમનું મુખ દક્ષિણ દિશા તરફ છે. ધર્મ શાસ્ત્રો પ્રમાણે દક્ષિણ દિશાના સ્વામી સ્વંય યમરાજ છે. એટલે એવી પણ માન્યતા છે કે જે પણ સાચા મનથી ભગવાન મહાકાળેશ્વરના દર્શન અને પૂજન કરે છે તેને મૃત્યુ એટલે યમરાજ દ્વારા આપવામાં આવતી યાતનાઓથી મુક્તિ મળી જાય છે।
હરિઓમ જળઃ-
સવારે કપાટ ખુલ્યા પછી સૌથી પહેલાં ગર્ભગૃહની સફાઈ કરવામાં આવે છે. તે પછી ભગવાન મહાકાળને સ્નાન કરાવવામાં આવે છે. સ્નાન કર્યા પછી ભગવાનનો પંચામૃત અભિષેક કરવામાં આવે છે. અભિષેક કર્યા પછી શ્રદ્ઘાળુઓને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે. આ દરમિયાન કોટિતીર્થ કુંડથી લાવવામાં આવેલ જળ પૂજારી અને શ્રદ્ધાળુઓ શિવલિંગ ઉપર અર્પણ કરે છે, તેને હરિઓમ જળ કહેવામાં આવે છે. તે પછી બાબા મહાકાળની ભસ્મઆરતી થાય છે.
મહાકાળ અકાળ મૃત્યુથી બચાવે છેઃ-
ભગવાન મહાકાળેશ્વર અંગે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે કે મહાકાળેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી અકાળ મૃત્યુથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાળનો અર્થ છે મૃત્યુ અને જે મહાકાળ એટલે મૃત્યુના સ્વામીના ભક્ત હોય તેને અકાળ મૃત્યુથી કેવો ભય. એટલે ભગવાન મહાકાળેશ્વર અંગે આ વાક્ય પણ પ્રચલિત છે-
अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल काकाल उसका क्या करे जो भक्त हो महाकाल का
ભસ્મારતીનું વિશેષ મહત્ત્વઃ-
સંપૂર્ણ વિશ્વમાં મહાકાળેશ્વર જ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે, જ્યાં ભગવાન શિવની ભસ્મારતી કરવામાં આવે છે. ભસ્મારતીને જોવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. વર્તમાનમાં ગાયના ગોબરથી બનેલાં છાણાની ભસ્મથી મહાકાળની ભસ્મારતી કરવામાં આવેછે. આ આરતી સૂર્યોદય પહેલાં સવારે 4 વાગે કરવામાં આવે છે. જેમાં ભગવાનને સ્નાન પછી ભસ્મ ચઢાવવામાં આવે છે.
ભસ્મ કેવી રીતે તૈયાર થાય છેઃ-
શિવપુરાણ પ્રમાણે ભસ્મને તૈયાર કરવા માટે કપિલા ગાયના છાણા, પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીઓને એકસાથે અગ્નિ આપવામાં આવે છે. મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વસ્તુઓથી જે ભસ્મ તૈયાર થાય છે તેને કપડાંથી ચાળવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલી ભસ્મ શિવલિંગ પર અર્પિત કરવામાં આવે છે. શિવજી ભસ્મ ધારણ કરીને સંદેશ આપે છે કે જ્યારે આ સૃષ્ટિનો નાશ થશે, ત્યારે બધા જીવોની આત્માઓ પણ શિવજીમાં જ સમાહિત થઈ જશે.
પુરાણોમાં મહાકાળેશ્વરનો ઉલ્લેખઃ-
પ્રાચીન સમયમાં મહાકાળેશ્વર મંદિર ક્ષેત્રને મહાકાળ વનના નામે ઓળખવામાં આવતું હતું. સ્કંદ પુરાણના અવંતી ખંડ, શિવમહાપુરાણ, મત્સ્ય પુરાણ વગેરે ગ્રંથોમાં મહાકાળ વનનો ઉલ્લેખ મળી આવે છે. અહીં શિવજી એટલે મહાકાળ જ્યોતિ સ્વરૂપમાં વિરાજમાન છે. એટલે તેને મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે.
મહાકાળ પૃથ્વીનું કેન્દ્ર છેઃ-
થોડા વિદ્વાનો પ્રમાણે મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ જ સંપૂર્ણ પૃથ્વીનું કેન્દ્ર બિંદુ છે અને સંપૂર્ણ પૃથ્વીના રાજા ભગવાન મહાકાળ અહીંથી જ પૃથ્વીનું ભરણપોષણ કરે છે.
આ માટે જ શિવને મહાકાળ કહેવામાં આવે છેઃ-
આજે જ્યાં મહાકાળ મંદિર છે, ત્યાં પ્રાચીન સમયમાં વન હતું, જેના અધિપતિ મહાકાળ હતાં. એટલે તેને મહાકાળ વન પણ કહેવામાં આવતું હતું. સ્કંદ પુરાણના અવંતી ખંડ, શિવ મહાપુરાણ, મત્સ્ય પુરાણ વગેરેમાં મહાકાળ વનનું વર્ણન મળી આવે છે. શિવ મહાપુરાણની ઉત્તરાદ્ધના 22માં અધ્યાય પ્રમાણે દૂષણ નામક એક દૈત્યથી ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપમાં અહીં પ્રકટ થયાં. દૂષણનો નાશ કર્યા પછી તેઓ મહાકાળના નામથી પૂજ્ય થયાં. તે સમયના રાજા ચંદ્રસેનના યુગમાં અહીં એક મંદિર પણ બનાવવામાં આવ્યું, જે મહાકાળનું પહેલું મંદિર હતું. મહાકાળનો વાસ હોવાથી પુરાતન સાહિત્યમાં ઉજ્જૈનને મહાકાળપુરમ પણ કહેવામાં આવે છે.
દરેક ઇચ્છા પૂર્ણ થાય છેઃ-
ધર્મ ગ્રંથો પ્રમાણે ભગવાન શિવ એકમાત્ર એવા દેવતા છે જેઓ થોડા જળથી પણ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે. તે પ્રકારે જે પણ ભક્ત મહાકાળેશ્વરના દર્શન કરી પોતાની મનોકામના કરે છે, તેમની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. એવી લોકવાયકા છે કે મહાકાળેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી જ ધન, ધાન્ય, નિરોગી શરીર, લાંબુ આયુષ્ય, સંતાન વગેરે આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે.
નાગપાંચમે નાગદેવતાની પ્રતિમાની પૂજા કરવામાં આવે છેઃ-
નાગપાંચમે જીવિત સાપની પૂજા કરવી અને દૂધ પીવડાવવું જોઇએ નહીં. સાપ માસાહારી જીવ છે, એટલે દૂધ તેમના માટે ઝેર સમાન હોય છે. નાગપાંચમે નાગદેવતાની પ્રતિમા કે તસવીરની પૂજા કરવી જોઇએ.
કઈ રીતે ઉજ્જૈન પહોંચવું?
ઉજ્જૈન મધ્ય પ્રદેશની રાજધાની ભોપાળથી લગભગ 200 કિમી અને ઇન્દોરથી લગભગ 55 કિમી દૂર છે. ઉજ્જૈન શિપ્રા નદીના કિનારે આવેલું છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે અહીં કાવડ યાત્રા બંધ રાખવામાં આવી છે. દર્શન માટે દેશભથી ભક્તો અહીં આવી રહ્યા છે. ભક્તોએ મહામારીને લગતા નિયમોનું પાલન કરવાનું રહે છે. ઉજ્જૈનનું નજીકનું એરપોર્ટ ઇન્દોરમાં છે. દેશભરથી ઉજ્જૈન પહોંચવા માટે અનેક રેલગાડી પણ છે. રસ્તાના માર્ગથી પણ ઉજ્જૈન બધા જ મોટા શહેરો સાથે જોડાયેલું છે. ઉજ્જૈનમાં મહાકાળ મંદિરની આસપાસ અને અન્ય ક્ષેત્રોમાં યાત્રીઓના રહેવા અને ખાનપાનની સારી વ્યવસ્થા મળી જાય છે. યાત્રી પોતાની સુવિધા પ્રમાણે હોટલ, લોજ કે ધર્મશાળામાં રોકાઈ શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.