મોટું લક્ષ્ય તે લોકોનું જ પૂર્ણ થાય છે જેઓ નાની-નાની સફળતાઓનો ઉત્સવ ઉજવતાં નથી. વ્યક્તિએ પોતાનું લક્ષ્ય નક્કી કરતી સમયે તે બાબતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે, તેમનું મૂળ ઉદેશ્ય શું છે અને તેમાં કેટલાં સ્તર આવશે. જો વ્યક્તિ નાની સફળતા અથવા અસફળતામાં ગુંચવાઇને રહી જશે તો મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલ થઇ જશે.
મહાભારતના યુદ્ધમાં કૌરવ અને પાંડવો બંને સેનાઓના વ્યવહારમાં અંતર જુઓ. કૌરવોના નાયક એટલે દુર્યોધન, દુશાસન, કર્ણ જેવા યોદ્ધા અને પાંડવ સેનાથી દોઢ ગણી મોટી સેના હોવા છતાં પણ તેઓ હારી ગયાં. ધર્મ-અધર્મ તો એક મોટું કારણ બંને સેનાઓ વચ્ચે હતું જ. પરંતુ તેનાથી પણ મોટું કારણ બંને સેના વચ્ચે લક્ષ્યને લઇને અંતર હતું. કૌરવો માત્ર પાંડવોને નુકસાન પહોંચાડવાના લક્ષ્યથી યુદ્ધ લડી રહ્યાં હતાં.
જ્યારે પાંડવ સેનામાંથી કોઇ યોદ્ધો મત્યુ પામતો, ત્યારે કૌરવ ઉત્સવનું વાતાવરણ બનાવી દેતાં. જેમાં તેઓથી અનેક ભૂલ થતી હતી. અભિમન્યુને માર્યો ત્યારે કૌરવ સેનાએ ત્યાં જ ઉત્સવ મનાવવાનું શરૂ કરી દીધું હતું. બીજી બાજુ પાંડવોએ કૌરવ સેનાના મોટા યોદ્ધાઓને મારીને પણ ઉત્સવ મનાવ્યો નહીં. તેઓ આ સ્થિતિને યુદ્ધ જીતનો માત્ર એક પડાવ માનતાં હતાં. ભીષ્મ, દ્રૌણ, કર્ણ, શાંલ્વ, દુશાસન અને શકુની જેવા યોદ્ધાઓને મારીને પણ પાંડવોએ ક્યારેય ઉત્સવ મનાવ્યો નથી. તેમનું લક્ષ્ય યુદ્ધ જીતવાનું હતું. તેમણે આ બાબત ઉપર જ પોતાનું ધ્યાન ટકાવીને રાખ્યું હતું. અંતે પાંડવોએ કૌરવોને પરાજિત કરી દીધાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.