મહાભારતમાં પરશુરામ અને કર્ણ સાથે જોડાયેલો એક પ્રસંગ છે. આ પ્રસંગથી આપણને શીખવા મળે છે કે, જીવનમાં ક્યારેય વ્યક્તિએ ખોટું બોલીને વિદ્યા પ્રાપ્ત કરવી જોઇએ નહીં. મહાભારત પ્રમાણે પરશુરામે આખી પૃથ્વી કશ્યપ ઋષિને દાન કરી દીધી હતી. તેઓ પોતાના બધા જ અસ્ત્ર-શસ્ત્ર પણ બ્રાહ્મણોને જ દાન કરી રહ્યાં હતાં. અનેક બ્રાહ્મણ તેમની પાસે શક્તિઓ માંગવા માટે પહોંચી રહ્યાં હતાં. દ્રૌણાચાર્યે પણ તેમની પાસેથી થોડાં શસ્ત્ર લીધાં. ત્યારે કર્ણને પણ આ બાબતની જાણ થઇ. કર્ણ બ્રાહ્મણ હતો નહીં, પરંતુ પરશુરામ જેવા યોદ્ધા પાસેથી શસ્ત્ર મેળવવાનો અવસર તે જવા દેવા માંગતો નહતો.
કર્ણને એક વિચાર આવ્યો, તે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને પરશુરામને મળ્યો. તે સમયે પરશુરામજી પોતાના બધા જ શસ્ત્ર દાન કરી ચૂક્યા હતાં. છતાંય કર્ણની શીખવાની ઇચ્છાને જોતાં, તેમણે કર્ણને પોતાનો શિષ્ય બનાવી લીધો. અનેક દિવ્યાસ્ત્રોનું જ્ઞાન પણ આપ્યું.
એક દિવસ બંને ગુરુ-શિષ્ય જંગલમાંથી પસાર થઇ રહ્યા હતાં. પરશુરામજી થાકી ગયાં હતાં. તેઓ આરામ કરવા ઇચ્છે છે, તેવું કર્ણને જણાવ્યું. કર્ણ એક વૃક્ષની નીચે બેસી ગયો અને પરશુરામજી તેના ખોળામાં માથું રાખીને સૂઇ ગયાં. ત્યારે જ એક મોટો કીડો આવ્યો અને તેણે કર્ણના સાથળમાં ડંખ મારવાનું શરૂ કરી દીધું.
કર્ણને દુખાવો થયો, પરંતુ ગુરુની ઊંઘ તૂટે નહીં, તે વિચારીને તે ડંખની મારને સહન કરતો રહ્યો. તે જીવ સતત ડંખ મારીને કર્ણના સાથળને લોહીલુહાણ કરી દીધો. લોહીનો સ્પર્શ જ્યારે પરશુરામજીને થયો ત્યારે તેઓ જાગી ગયાં. તેમણે તે જીવને દૂર કર્યું. પછી કર્ણને પૂછ્યું કે, તે આ જીવને દૂર કેમ ન કર્યો.
કર્ણે જવાબ આપતાં જણાવ્યું કે, જો તે થોડું પણ હલન-ચલન કરે તો ગુરુની ઊંઘ તૂટી જાય અને તેની સેવામાં વિઘ્ન આવે. પરશુરામજી તરત સમજી ગયાં. તેમણે કહ્યું આટલી સહનશક્તિ કોઇ બ્રાહ્મણમાં હોઇ શકે નહીં. તું જરૂર કોઇ ક્ષત્રિય છે. કર્ણે પોતાની ભૂલ સ્વીકાર કરી લીધી. આ સાંભળી પરશુરામે તેને શ્રાપ આપ્યો કે, જ્યારે તેને આ દિવ્યાસ્ત્રોની સૌથી વધારે જરૂરિયાત હશે, તે તેના ઉપયોગની વિધિ ભૂલી જશે. જ્યારે મહાભારત યુદ્ધમાં કર્ણ અને અર્જુન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે કર્ણ કોઇ દિવ્યાસ્ત્ર ચલાવી શક્યો નહીં. બધા દિવ્યાસ્ત્રની વિધિ તે ભૂલી ગયો.
આ પ્રસંગથી સ્પષ્ટ થાય છે કે, વ્યક્તિએ ક્યારેય ખોટું બોલવું જોઇએ નહીં. નહીંતર પરિણામ વિપરીત આવે છે. અસત્ય માત્ર થોડાં સમય માટે સુખ આપે છે, પરંતુ તે ભવિષ્યમાં મુશ્કેલીનું કારણ બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.