• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Lunar Eclipse On November 19, Solar Eclipse On December 4, Will Be The Last Eclipse Of The Year And Will Not Be Visible In India.

ભાસ્કર વિશેષ:19 નવેમ્બરે ચંદ્રગ્રહણ, 4 ડિસેમ્બરે સૂર્યગ્રહણ, વર્ષના બંને છેલ્લાં ગ્રહણ રહેશે અને ભારતમાં દેખાશે પણ નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃષભ રાશિ-કૃત્તિકા નક્ષત્રમાં થનારું ચંદ્રગ્રહણ આસામ, અરુણાચલના કેટલાક જ ભાગમાં દેખાશે
  • 14 નવેમ્બરે દેવઉઠી એકાદશી, તમામ માંગલિક કાર્યો થઈ શકશે

19 નવેમ્બરે કારતકી પૂનમના દિવસે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. જ્યારે 4 ડિસેમ્બરે સૂર્યગ્રહણ પણ થશે. આમ 15 દિવસના ગાળામાં બે ગ્રહણ થશે. 19 નવેમ્બરે થનારું ચંદ્રગ્રહણ વૃષભ રાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં થશે. ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને આસામના કેટલાક ભાગોમાં અંશત: દેખાશે. પરંતુ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એટલાન્ટિક અને પેસેફિક પ્રદેશમાં ચંદ્રગ્રહણ સ્પષ્ટ જોઈ શકાશે. જ્યાં આ ગ્રહણ દેખાશે નહીં ત્યાં સૂતક પણ ગણાશે નહીં.

દરમિયાન ચંદ્રગ્રહણના 15 દિવસ પછી 4 ડિસેમ્બરે કારતકી અમાસે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ પણ વર્ષનું છેલ્લું ગ્રહણ હશે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં. 2022માં 16 મેએ ફરી ચંદ્રગ્રહણ થશે અને આ ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. જ્યોતિષીઓના મતે સૂર્યગ્રહણની અસર વાતાવરણ પર થઈ શકે છે. બંને ગ્રહણ ભારતમાં પૂરેપૂરા દેખાવાના ન હોવાથી વિવિધ રાશિના જાતકો પર તેની કોઈ ખાસ અસર નહીં પડવાનો જ્યોતિષશાસ્ત્રીઓનો મત છે.

વૃષભ રાશિ-કૃત્તિકા નક્ષત્રમાં થનારું ચંદ્રગ્રહણ આસામ, અરુણાચલના કેટલાક જ ભાગમાં દેખાશે
વૃષભ રાશિ-કૃત્તિકા નક્ષત્રમાં થનારું ચંદ્રગ્રહણ આસામ, અરુણાચલના કેટલાક જ ભાગમાં દેખાશે

ચંદ્રગ્રહણ સવારે 11.30થી સાંજે 5.35 સુધી રહેશે
શુક્રવારે કારતક પૂર્ણિમાએ ભારતીય સમય પ્રમાણે ગ્રહણ સવારે 11.30થી સાંજે 5.35 સુધી રહેશે. લગભગ આખા દેશમાં આ ગ્રહણ જોવા નહીં મળે. પૂનમના દિવસે ગ્રહણનો પ્રભાવ ન રહેવાથી દાન-પુણ્ય માટે આ દિવસ શ્રેષ્ઠ રહેશે. ગ્રહણ પછી બે-ત્રણ દિવસમાં વાતાવરણમાં ફેરફાર થવા સાથે ઉત્તર ભારતમાં હિમવર્ષા કે વરસાદ થઈ શકે છે.

14 અને 15 નવેમ્બરે દેવઉઠી એકાદશી, તમામ માંગલિક કાર્યો થઈ શકશે
14 નવેમ્બરે દેવઉઠી એકાદશી, કારતક માસના સુદ પક્ષની દેવપ્રબોધિની એકાદશી દેવઉઠી એકાદશીના નામે ઓળખાય છે. અમુક જગ્યાએ તિથિ ભેદના કારણે 15 નવેમ્બરના રોજ પણ એકાદશી ઊજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અષાઢ માસના સુદ પક્ષની એકાદશી એટલે દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ સૂઇ જાય છે. તે પછી દેવ પ્રબોધિની એટલે કારતક માસની સુદ પક્ષની એકાદશીએ ક્ષીરસાગરમાં ચાર માસની યોગનિદ્રા પછી ભગવાન વિષ્ણુ જાગે છે. ભગવાનના જાગવાથી સૃષ્ટિની તમામ શક્તિઓમાં સંચાર થવા લાગે છે. દેવઉઠી એકાદશીએ શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરાશે. એકાદશીએ લગ્ન સહિત બધા માંગલિક કાર્યોની પણ શરૂઆત થઇ જશે.

દેવઉઠી એકાદશીના દિવસે પુષ્ટિ મંદિરોમાં શેરડીનો મંડપ બાંધવામાં આવે છે
દેવઉઠી એકાદશીના દિવસે પુષ્ટિ મંદિરોમાં શેરડીનો મંડપ બાંધવામાં આવે છે

દેવપ્રબોધિની એકાદશી
અગામી તા.15 ને સોમવારે કારતક સુદ 11 વિ.સં 2078ની પ્રથમ પ્રબોધીની એકાદશી (ભાગવત)તરીકે શ્રદ્ધા-ભક્તિ પૂર્વક મનાવવામાં આવશે. જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com)ના જણાવ્યા અનુસાર આવા દિવસથી ચાતુર્માસની સમાપ્તિ થશે અને તુલસીવિવાહ થશે અને સમાજમાં લગ્નસરા પણ પ્રારંભ થશે. જે આગામી તા.16 ડિસેમ્બર સુધી રહેશે ત્યારબાદ એક માસ ધનારક (કમૂરતા)તરીકે ગણાશે જેમાં માંગલિક કાર્યો અશુભ માનવામાં આવે છે.

વર્ષની પ્રથમ એકાદશીના શુભ દિવસે ભગવાન વિષ્ણુના તુલસીમાતા સાથે લગ્ન થયેલ હોવાથી માટે દેવઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પુષ્ટિ મંદિરોમાં શેરડીનો મંડપ બાંધવામાં આવે છે. ભગવાન વિષ્ણુના તુલસી માતા સાથે વિવાહ સંપન્ન થયેલ હોવાથી આવા દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરતા નથી. આવા દિવસે સૌરાષ્ટ્રમાં જુનાગઢની લીલી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. આ એકાદશી પ્રથમ આવતી હોવાથી ભકતોએ અવશ્ય ઉપવાસ કરવો જોઈએ અને શકય હોય તો મૌન રહેવાનો પ્રયાસ કરવો જોઈએ તેમજ ગૌ સેવા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. વામકુક્ષી ન કરવી તેમજ સત્યવચન જ બોલવું.