અનંત ઊર્જા:જીવન જે છે, તે આજે જ છે

10 દિવસ પહેલાલેખક: ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી
  • કૉપી લિંક
  • જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ
  • જીવનમાં મોટું પરિવર્તન લાવવા માટે માત્ર શાણપણનો ઉપયોગ કરવાની જરૂર છે અને બીજાના અનુભવોમાંથી શીખવાની જરૂર છે. દરેક દિવસને એવી રીતે જીવો કે જાણે તે જીવનનો અંતિમ દિવસ છે
  • રોજ તમારી જાતને પૂછો કે, શું તમે જે કરવા ઈચ્છો છો તે જ કરો છો. જો થોડા દિવસ જવાબ ‘ના’માં મળે તો પરિવર્તન જરૂરી છે

વિશ્વવિખ્યાત એપલ કંપનીના સર્જક એવા ઇનોવેટિવ જીનીયસ સ્ટીવ જોબ્સના જીવનમાં 2003માં એક અણધાર્યો વળાંક આવ્યો. તેમને કેન્સર હોવાનું નિદાન થયું. દરેક સાધારણ માનવીની જેમ તેમણે પણ ક્યારેય નહોતું વિચાર્યું કે મૃત્યુ આટલું જલ્દી આવશે. પરંતુ જ્યારે તેઓએ આ વાસ્તવિક્તાને સ્વીકારી લીધી ત્યારે એમાંથી ઘણું શીખ્યા અને પછી જીવનનો જે થોડો ઘણો સમય વધ્યો હતો તે સમય એમણે ઘણી બધી અદભૂત વસ્તૂઓને પૂર્ણ કરવામાં ઉપયોગ કર્યો.

2005માં સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સ્ટીવ જોબ્સે ખૂબજ પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે આ સંદર્ભમાં ખૂબ સુંદર વાત કરી હતી. ‘હું જ્યારે 17 વરસનો હતો ત્યારે મેં કંઇક આ પ્રકારનું અવતરણ વાંચેલું: દરેક દિવસ તમારો છેલ્લો દિવસ છે એવું માનીને જીવશો તો એક દિવસ ચોક્કસ સાચા પડશો. આની ખૂબ ઊંડી અસર મારા મન ઉપર થઈ હતી અને ત્યારથી એટલે કે 33 વરસથી મેં દરરોજ સવારે અરીસામાં જોઈને મારી જાતને પૂછ્યું છે, ‘જો આજનો દિવસ મારા જીવનનો છેલ્લો દિવસ હોય તો આજે હું જે કરવા જઈ રહ્યો છું એ જ કરવાનું ચાલુ રાખીશ? દિવસોના દિવસો સુધી વારંવાર ‘ના’ જવાબ મળતો રહે, એટલે મને ખ્યાલ આવી જાય, કે એવું કશુંક છે, જેમાં મારે પરિવર્તન લાવવાની જરૂર છે.’ ટૂંક સમયમાં જ થવાના મારા મૃત્યુ વિશેની સભાનતાએ મારા જીવનના અગત્યના નિર્ણયો લેવામાં મહત્ત્વપૂર્ણ મદદ કરી છે. તમારો સમય મર્યાદિત છે, તો બીજા કોઈના જીવન પ્રમાણે જીવવામાં એનો વ્યય ન કરો.’ કદાચ આ જ સમજણના પરિપાકરૂપે આઈફોન, આઈપેડ, મેક મીની, આઈમેક, મેક બુક, એપલ ટીવી અને એપ સ્ટોર જેવા 21મી સદીના વિશિષ્ટ આવિષ્કારોનો જન્મ થયો હશે.

મોટા ભાગના લોકોનો સામાન્ય અનુભવ એવો રહે છે કે ડેડલાઈન નજીક આવે ત્યારે કામની ગંભીરતા, એકાગ્રતા અને કાર્યક્ષમતામાં વધે અને જે નથી કરવાનું તેમાં સમય વેડફાતો અટકે. રોજબરોજની વ્યસ્તતામાં ક્યારેક જિંદગી એવો ઝટકો આપે છે કે આ રહસ્ય હૈયાંસોંસરું ઉતરી જાય છે. 15 જાન્યુઆરી, 2009ના યુએસ એરવેઝ ફ્લાઇટ 1549 ન્યૂયોર્ક સિટીના લગવાર્ડિયા એરપોર્ટથી રવાના થયું. ટેક ઓફ થયા પછી તરત જ પક્ષીઓના એક ઝૂંડ સાથે અથડાયું. કેપ્ટન સલનબર્ગ અને ફર્સ્ટ ઓફિસરને હડસન નદી પર પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે એમ હતું. પ્લેન પાણીની સપાટી સુધી પહોંચ્યું ત્યારે પ્લેનમાં રહેલી દરેક વ્યક્તિને એવું લાગતું હતું કે હવે મૃત્યુ હાથવેંત જ છેટું હતું. આ છેલ્લી ક્ષણમાં ઘણા મુસાફરોને ક્યારેય વિચારન નહીં હોય એવી જીવનની સ્પષ્ટતા મળી હતી. જ્યારે પાયલેટે પ્લેનનું હડસન નદી પર ચમત્કારીક રીતે લેન્ડિંગ કર્યું ત્યારે મુસાફરોએ જીવતા હોવાના આનંદની સાથે જીવનના હેતુ વિશેની એક નવી સમજ મળી.

1-D સીટ પર બેઠેલા બિઝનેસમેન રિક એલાયસ પ્લેનના એક મુસાફર હતા. એમણે જ્યારે પ્લેનને નદીની નજીક આવતું જોયું ત્યારે તેઓ પોતાના જીવન વિશેના ત્રણ મહત્ત્વના પાઠ શીખ્યા. તેમણે કહ્યું - 1. હવે હું જીવનમાં કંઈ પણ ભવિષ્ય પર મુલતવી રાખવા માંગતો નથી. અને એ હેતુએ ખરેખર મારા જીવનને બદલી નાખુંય છે. 2. હું મારી પત્ની, મારા મિત્રો અને લોકો સાથેના મારા સંબંધ વિષે વિચારતો રહ્યો. એ સંબંધો વિષે વિચાર્યા પછી મેં મારા જીવનમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો નિર્ણય કર્યો, એમાં હું સંપૂર્ણપણે સફળ થયો નથી, પણ પહેલા કરતાં એમા ઘણા અંશે સુઘારો થયો છે. છેલ્લાં બે વરસમાં મારી પત્ની મારે એકવાર પણ ઝઘડો થયો નથી એને લીધે હું સારું અનુભવું છું. હું સાચો છું એવું દેખાડવાનો પ્રયત્ન કરતા હવે હું ખુશ રહેવાનું પસંદ કરું છું. 3. મારા જીવનમાં હું એક સારો પિતા બની શકું આ જ વાતની અગત્યતા છે. એલાયસને નવજીવન મળેલું અને પોતાની જાત સાથે થયેલા સંવાદમાંથી જે સ્પષ્ટતા મળી એનાથી વધુ અર્થસભર જીવન જીવવા લાગ્યા. આપણે પણ જીવનમાં મોટું પરિવર્તન લાવવા માત્ર શાણપણનો ઉપયોગ કરવાની જરૂર છે, બીજાના અનુભવોમાંથી શીખવાની જરૂર છે. આ જ વાત ભગવાન સ્વામિનારાયણ પોતાના ઉપદેશ ગ્રંથ વચનામૃતમાં કહે છે કે ખરેખર જીવનનો પ્રત્યેક દિવસ એ અનુસંધાન સાથે જીવીએ કે આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે, તો જીવનની તાસીર ફરી જાય. આપણો સ્વભાવ, પ્રાથમિકતા, દ્રષ્ટિકોણ, કારકિર્દી અને વ્યવહારમાં આમૂલ પરિવર્તન આવશે અને જીવન અર્થસભર બનશે.