કન્ફ્યૂઝન કેવી રીતે દૂર કરશો?:જે પણ કામ કરો, સંપૂર્ણ મને કરો; જો કોઈ શંકામાં મુકાશો તો સફળતા મળી શકશે નહીં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઈપણ કામની શરૂઆતમાં જો આપણે કન્ફ્યૂઝ છીએ, ભ્રમિત છીએ તો તે કામમાં સફળ થવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. કામની શરૂઆતમાં જ આપણે આપણી બધી શંકાને દૂર કરી લેવી જોઈએ. જો શંકામાં રહેશો તો સફળતા મળશે નહીં અને મન પણ શાંત રહેશે નહીં.

મહાભારતમાં પાંડવો અને કૌરવોની વચ્ચે યુદ્ધ થવાનું હતું. કુરૂક્ષેત્રમાં બંને પક્ષની સેનાઓ સામસામે ઊભી હતી. કૌરવની સેના પાંડવો કરતા વધારે હતી. શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતાં.

યુદ્ધ શરૂ થતા પહેલાં અર્જુને શ્રીકૃષ્ણને રથ કૌરવ સેના પાસે લઇ જવા માટે કહ્યું. અર્જુને કહ્યું, યુદ્ધ શરૂ થાય તેના પહેલાં હું ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય અને અન્ય લોકોને જોવા ઇચ્છું છું.

અર્જુનની વાત માનીને શ્રીકૃષ્ણ રથને કૌરવ સેના તરફ લઇ ગયાં. અર્જુને જ્યારે કૌરવ પક્ષમાં પોતાના કુટુંબના લોકોને જોયા ત્યારે તેઓ નિરાશ થઈ ગયાં. અર્જુને પોતાના ધનુષ-બાણ રથમાં નીચે રાખી દીધા અને તેઓએ શ્રીકૃષ્ણને કહ્યું, હું આ યુદ્ધ કરવા ઇચ્છતો નથી. હું મારા કુટુંબના લોકો ઉપર કેવી રીતે પ્રહાર કરી શકું. મારી અંદર શક્તિ જ નથી કે હું યુદ્ધ કરી શકું. મને સમજાતું નથી કે હું આ યુદ્ધ કરી શકીશ કે નહીં.

આ વાત સાંભળતા જ શ્રીકૃષ્ણ સમજી ગયા કે અર્જુન શંકામાં ફસાઇ ગયા છે. ભગવાને અર્જુનને કહ્યું, જીવનમાં અનેક નબળાઈઓ અને મુશ્કેલીઓ ચાલતી રહેશે, પરંતુ શંકા હોવી જોઈએ નહીં. શંકાના કારણે સફળતા મળતી નથી અને શાંતિ પણ મળતી નથી. તમારે આ યુદ્ધ ધર્મની રક્ષા માટે કરવાનું છે. તમારે માત્ર પોતાના કર્મ ઉપર ધ્યાન આપવું જોઈએ.

તે પછી શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું અને બધી શંકા દૂર કરી. ત્યારે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયાં.

જ્યારે અર્જુનની શંકા દૂર થઇ ત્યારે તેમણે સંપૂર્ણ શક્તિ સાથે યુદ્ધ કર્યું અને પાંડવોને વિજય પ્રાપ્ત થયો. ઠીક તેવી જ રીતે આપણે પણ શંકાથી બચવું જોઈએ. કામ જે પણ થાય, આપણે શંકામાં ફસાવવું જોઈએ નહીં. શંકા દૂર કરો અને પછી કામની શરૂઆત કરશો તો સફળતા મળવાની શક્યતાઓ વધી જશે.

કન્ફ્યૂઝન દૂર કરવા માટે આપણે અનુભવી લોકો પાસેથી, ગુરુ પાસેથી, ઘરના વડીલો સાથે વાત કરવી જોઈએ. વિદ્વાન લોકોનું માર્ગદર્શન લઇને કામ કરીશું તો બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.