અનંત ઊર્જા:સ્વીકાર કરતાં શીખો, બાળકો અને તેમનું મન શું ઇચ્છે છે?

2 મહિનો પહેલાલેખક: બી.કે. શિવાની, બ્રહ્માકુમારી
  • કૉપી લિંક

કોઇ સંતાન માતા-પિતા આગળ ખોટું બોલવા નથી ઇચ્છતું. સંતાનો માત્ર ઠપકાના, અસ્વીકાર્યતાના ડરથી ખોટું બોલે છે. તેણે જે કર્યું તેનો અસ્વીકાર કરો પણ જો અમે કહ્યું કે તમે ખોટા છો તો અમે તેનો જ અસ્વીકાર કરીએ છીએ. ત્યાર બાદ બાળકો આપણને તેમની વાત કહેવાનું બંધ કરી દે છે.

નાના બાળકો સ્કૂલથી આવતા ત્યારે દરેક વાત કહેતા. આપણે તેમની દરેક વાત હસતા મોઢે સાંભળતા, કેમ કે આપણને દરેક વાત સારી લાગતી. પછી તેઓ થોડા મોટા થયા તો એક દિવસ તેમણે આવીને કહ્યું, ‘આજે અમે સ્કૂલમાંથી ભાગીને ફિલ્મ જોઇ.’ તે દિવસે પહેલીવાર તમારા તરફથી જોરથી સજા મળી હતી. તેઓ તો સાચું બોલી રહ્યા હતા, રોજ સાચું બોલતા હતા. તે દિવસે પણ સાચું જ બોલ્યા હતા પણ તે દિવસે તેમને પ્રેમથી જવાબ ન મળ્યો. તેમને એવું સાંભળવા મળ્યું કે તમે ખોટા છો. થોડા મહિના બાદ તેમણે બીજી એક વાત જણાવી કે આજે અમે ફલાણી જગ્યાએ ગયા હતા અને આ કામ કર્યું. તે દિવસે તો તેમને વધુ જોરથી જવાબ આપ્યો હતો કે તમે ખોટા છો. તેમણે તમે ખોટા છો. તમે ખોટા છો. એવું બે-ત્રણ વખત સાંભળી લીધા પછી તો કંઇ કહેવાનું જ બંધ કરી દીધું.

પહેલાં તેઓ આપણી આસપાસ ફરતા અને કહેતા કે આજે તેમણે શું-શું કર્યું? આજે આપણે તેમની આસપાસ ફરતા પૂછીએ છીએ કે ક્યાં ગયા હતા, કોને મળ્યા હતા, કોની સાથે વાત કરી? શું જમ્યા? પહેલાં આપણે નહોતા પૂછતા તો પણ તેઓ કહેતા હતા. આજે આપણે પૂછીએ છીએ તો પણ તેઓ બધું નથી કહેતા. એવું કહી દે છે કે બહાર જાવ, દરવાજો બંધ કરી દો, મને થોડી વાર એકલો (કે એકલી) રહેવા દો. સંબંધ એ જ છે, બંને વ્યક્તિ પણ એ જ છે. પહેલાં દરેક વાત એકબીજાને કહેતા હતા. હવે કેમ છુપાવવા લાગ્યા? ફોનમાં પાસવર્ડ આવી ગયા, લેપટોપમાં પાસવર્ડ આવી ગયા. આ પાસવર્ડ વચ્ચે કેમ આવી ગયા? આપણે તો એકબીજા સાથે દરેક વાત શૅર કરતા હતા પણ સામેની વ્યક્તિ તરફથી સ્વીકાર્યતા મળતી રહી ત્યાં સુધી શૅર કરતા રહ્યા. દરેક આત્માને સંબંધમાં સ્વીકાર્યતા જોઇએ પણ જે દિવસે આપણે તેમને કહ્યું કે તમે ખોટા છો ત્યારે પહેલીવાર રિજેક્શન. બીજીવાર કહ્યું ત્યારે બીજીવાર રિજેક્શન. પછી તેમણે કહેવાનું જ બંધ કરી દીધું. આપણે માની લીધું કે આપણે ઠપકો આપ્યો એટલે તેમણે કરવાનું બંધ કરી દીધું હશે. તેમણે કરવાનું બંધ નથી કર્યું, કહેવાનું બંધ કરી દીધું. બંનેમાં બહુ મોટો તફાવત છે. આજે તમારા સંતાનોને કહેજો કે તુ તારા જીવનની દરેક વાત મને કહી શકે છે અને હું ગેરંટી આપું છું કે તુ તારી વાત જણાવીશ ત્યારે મારા તરફથી તને સ્વીકાર્યતા અને સહકાર મળશે, રિજેક્શન અને ગુસ્સો નહીં. કોઇ પણ સંતાન તેના માતા-પિતા આગળ ખોટું બોલવા નથી ઇચ્છતું, મનમાં ઘણી તકલીફ થાય છે. બાળકો માત્ર ઠપકાના, રિજેક્શનના ડરથી ખોટું બોલે છે. આજનો સમય એવો નથી કે તેઓ આપણાથી પોતાની વાત છુપાવે. એ સમય ગયો કે જ્યારે પડોશી આવીને કહેતા કે અમે તમારા છોકરાને ત્યાં જોયો, ધ્યાન રાખજો તે ફલાણું ખાતો હતો, તે ફલાણા સાથે હતો. હવે પડોશી તમને કંઇ જ કહેવા નહીં આવે. તેમનું માનવું છે કે કોઇની પર્સનલ લાઇફમાં માથું મારનારા આપણે કોણ? આપણે શું? તેઓ જાતે તેમના સંતાનોને સંભાળે. એ સમય ગયો કે ઘરનો ફોન રણકે એટલે તમે સતર્ક થઇ જતા. જઇને ફોન ઉપાડતા કે મારા છોકરા માટે કોણે ફોન કર્યો છે? હવે તો તેમના ફોનમાં પણ પાસવર્ડ છે એટલે તમને ખબર જ ન પડે કે કોનો શું ફોન આવ્યો? હવે આપણે પોતાના સંતાનોને સંભાળવા કે બચાવવા કઇ રીત અજમાવીશું?

તેની માત્ર એક જ રીત છે. તેઓ જાતે તેમની દરેક વાત તમને જણાવે. બીજી કોઇ રીત નથી. તમે તમારા સંતાનોની સુરક્ષા કરી શકો તો તેઓ જાતે પોતાની દરેક વાત જણાવશે. તમે ઇચ્છતા હો કે તેઓ તેમની દરેક વાત તમને જણાવે તો માત્ર એવો નિર્ધાર કરી લો કે તમે તેમને સાંભળવા માટે તૈયાર છો. સ્કૂલ બંક કરીને ફિલ્મ જોવા જવું ખોટું છે પણ જ્યારે બધા સ્ટુડન્ટ્સ બંક કરી રહ્યા હતા ત્યારે મારી પણ ઇચ્છા નહોતી કે હું ક્લાસમાં એકલો બેસીને ભણું અને જો હું એકલો બેસીને ભણી પણ લેત તો બધા મારી કેટલી મજાક ઊડાવત? પછી ગ્રુપમાંથી મારો બોયકોટ કરી દેત. તેથી મારી પણ ઇચ્છા થઇ ગઇ અને હું પણ ફિલ્મ જોવા જતો રહ્યો. મને ઇચ્છા થાય તે સાચું કે ખોટું? સ્કૂલ બંક કરવી ખોટું છે પણ મારા બધા ફ્રેન્ડ્સ તેવું કરી રહ્યા હતા ત્યારે મને પણ તેવી ઇચ્છા થઇ તે સાચું છે કે ખોટું? સાચું છે. તેને બસ એટલું જ કહેવાનું છે કે તુ સાચો છે પણ તમે બધાએ જે કર્યું તે ખોટું છે. તે બાળકનો સ્વીકાર કરો. તેણે જે કર્યું તેનો અસ્વીકાર કરો પણ જો અાપણે એમ કહીએ કે તુ ખોટો છે તો આપણે તેનો અસ્વીકાર કરીએ છીએ. પછી તે આપણને પોતાની દરેક વાત કહેવાનું બંધ કરી દે છે. તેમની લાઇફમાં કોઇ પ્રોબ્લેમ આવે તો તેઓ આપણને કહેવાને બદલે બીજાને કહેતા થઇ જાય છે.