16 ડિસેમ્બરે ધનુર્માસ શરૂ થવાનો છે. જેના લીધે એક મહિના સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં. 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પછી શુભ કાર્યો શરૂ થઈ શકશે. આ એક મહિના સુધી ધનુર્માસ એટલે કે ધનારક કમુરતાં રહેશે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 16 તારીખે સવારે લગભગ 10 વાગ્યે સૂર્ય વૃશ્ચિક રાશિ છોડીને ધન રાશિમાં આવી જશે. સાથે જ ધનુર્માસ શરૂ થઈ જશે. સૂર્ય એક મહિના સુધી ધન રાશિમાં જ રહેશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી ધન સંક્રાંતિ શરૂ થઈ જશે. જેને ધનારક કમુરતાં કે ધનુર્માસ પણ કહેવામાં આવે છે.
સૂર્ય જ્યારે ધન રાશિમાં રહેશે ત્યારે તેની ઉપર રાહુની દૃષ્ટિ પડશે. સાથે જ, સૂર્ય-શનિનો દ્વિર્દ્વાદશ અશુભ યોગ પણ બનશે. જેના કારણે અચાનક વાતાવરમાં ફેરફાર થવાની શક્યતા બનશે. થોડી જગ્યાઓએ બરફવર્ષા અને વરસાદ પણ થઈ શકે છે. હેમંત ઋતુ શરૂ થવાથી ઠંડીનું પ્રમાણ વધી જશે. નક્ષત્રોના અશુભ પ્રભાવથી અનેક લોકોના કામકાજમાં વિઘ્ન આવી શકે છે.
માંગલિક કાર્યો થઈ શકશે નહીં
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ધાર્મિક અને જ્યોતિષ માન્યતા પ્રમાણે ધનુર્માસને શુભ માનવામાં આવતો નથી. એટલે આ સમયગાળા દરમિયાન શુભ, માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. આ દરમિયાન હિંદુ ધર્મમાં જણાવેલ બધા માંગલિક સંસ્કાર વર્જિત રહે છે. જેમાં ખાસ કરીને મુંડન, લગ્ન, સગાઈ, જનોઈ, નામકરણ, ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ અને ગૃહ પ્રવેશ સહિત અન્ય શુભ કામ સામેલ હોય છે.
મકર સંક્રાંતિએ ધનુર્માસ પૂર્ણ થશે
16 ડિસેમ્બરથી શરૂ થતો ધનુર્માસ વર્ષ 2023ના પહેલાં મહિનામાં 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે પૂર્ણ થશે. પંચાંગ પ્રમાણે જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં આવી જશે તો મકર સંક્રાંતિ થશે. આ દિવસે ધનુર્માસ પૂર્ણ થઈ જશે. 14 જાન્યુઆરીએ રાતે 9 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.