ગુરુવાર, 13 ઓક્ટોબરે પતિ-પત્નીનું મહાપર્વ કરવા ચોથ છે. આ વ્રત જીવનસાથી માટે સમર્પણ, પ્રેમ અને ત્યાગનો ભાવ દર્શાવે છે. મહિલાઓ પતિના સુખી જીવન, સૌભાગ્ય, સારું સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે આખો દિવસ નિરાહાર અને નિર્જળ રહે છે. આ અંગે જ્યાં સુધી એકબીજાની વચ્ચે વિશ્વાસ છે, ત્યાં સુધી પ્રેમ જળવાયેલો રહે છે. જો જીવનસાથી ઉપર અવિશ્વાસનો ભાવ જાગી જાય છે ત્યારે આ સંબંધ ટકી શકતો નથી. આ વાત આપણે શિવજી અને દેવી સતીની વાર્તાથી સમજી શકીએ છીએ.
શિવજી અને સતીની વાર્તા રામાયણનો પ્રસંગ છે. એક દિવસ શિવજીએ સતીને કહ્યું કે હું રામકથા સાંભળવા ઇચ્છું છું. તમે પણ મારી સાથે અગસ્ત્ય મુનિના આશ્રમમાં આવશો તો સારું રહેશે.
દક્ષ પ્રજાપતિની દીકરી દેવી સતી ખૂબ જ વિદ્વાન હતી, પરંતુ તેમને કથા સાંભળવાનું ગમતું હતું નહીં. દેવી વિદ્વાન હતી જેથી દરેક કામ તર્ક સાથે કરતી હતી. જ્યારે શિવજીએ રામકથા સાંભળવાની વાત કહી ત્યારે દેવી સતી પણ પતિની ઇચ્છાનું માન રાખીને તેમની સાથે ગયાં.
તે સમયે દેવી સીતાનું હરણ થઈ ગયું હતું અને શ્રીરામ લક્ષ્મણ સાથે સીતાની શોધ કરી રહ્યા હતાં. બીજી બાજુ, શિવજી અને દેવી સતી રામજીની કથા સાંભળીને પાછા ફરી રહ્યા હતાં. ત્યારે રસ્તામાં તેમને શ્રીરામ દુઃખી અવસ્થામાં જોવા મળ્યાં.
શિવજીએ જેવા રામને જોયા ત્યારે દૂરથી પ્રણામ કર્યા અને દેવી સતીને પણ પ્રણામ કરવા માટે કહ્યું. દેવી સતીને આ વાત સમજાઇ નહીં. શિવજી જે રામને ભગવાન માનતા હતાં, તેઓ દુઃખી હતા અને ભટકી રહ્યા હતાં.
સતીએ શિવજીને કહ્યું કે આ ભગવાન કઈ રીતે હોઈ શકે છે, આ તો દુઃખી છે, પત્નીના દુઃખમાં રડી રહ્યા છે.
શિવજીએ સમજાવ્યું કે આ બધી જ રામજીની લીલા છે. તેના ઉપર શંકા ન કરો.
સતી તર્કને મહત્ત્વ આપતાં હતાં જેથી તેમને આ વાત યોગ્ય લાગી નહીં. દેવી સતીએ શ્રીરામની પરીક્ષા લેવાનું નક્કી કરી લીધું. શિવજી તો કૈલાશ પર્વત પાછા ફર્યા, પરંતુ સતી માતાએ સીતાનું સ્વરૂપ ધારણ કરીને શ્રીરામ સામે પહોંચી ગયાં.
શ્રીરામજીએ દેવી સતીને જોયા ત્યારે પ્રણામ કર્યા અને કહ્યું કે દેવી તમે એકલાં અહીં કેમ આવ્યાં છો, મહાદેવ ક્યાં છે? આ વાત સાંભળીને સતી માતા સમજી ગયા કે શ્રીરામ ભગવાન જ છે.
ત્યાંથી સતી ચૂપચાપ કૈલાશ પાછા ફર્યાં. શિવજીએ સતીને જોયા ત્યારે પૂછ્યું કે શું તમે રામની પરીક્ષા લીધી?
તે સમયે સતીએ શિવજીને ખોટું કહ્યું કે મેં પરીક્ષા લીધી નથી, હું તો તેમને પ્રણામ કરીને પાછી ફરી છું.
શિવજી દેવી સતીનો સ્વભાવ જાણતા હતાં કે તેઓ સરળતાથી હાર માનશે નહીં. શિવજીએ ધ્યાન કર્યું અને આખો પ્રસંગ જાણી લીધો. તે પછી શિવજીએ કહ્યું કે દેવી તમે મારાથી ખોટું બોલ્યાં છો, મારા ભગવાન રામની પરીક્ષા સીતા માતાનું સ્વરૂપ ધારણ કરીને લીધી છે, મારી વાત ઉપર અવિશ્વાસ પ્રગટ કર્યો. આ તમે સારું કર્યું નથી. હું તમારો માનસિક ત્યાગ કરું છું.
આ ઘટના પછી શિવજી અને સતી માતાનું લગ્ન જીવન ખરાબ થઈ ગયું હતું.
બોધપાઠ- આ પ્રસંગનો બોધપાઠ એ છે કે પતિ-પત્ની માટે સૌથી વધારે જરૂરી છે એકબીજાનો વિશ્વાસ. જો આપણે આપણાં જીવનસાથી ઉપર વિશ્વાસ કરતા નથી તો આ સંબંધ વધારે દિવસ સુધી ટકી શકતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.