આજે કારતક મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ છે. સાથે જ હિંદુ કેલેન્ડરના મોટા અને ખાસ તિથિ-તહેવારોના દિવસો પૂર્ણ થઈ ગયા છે. કારતક મહિનાની પૂનમને પુરાણોમાં ખૂબ જ ખાસ દિવસ જણાવવામાં આવ્યો છે. આ પર્વમાં કઈ વસ્તુનું દાન કરવું, દીપદાન ક્યાં કરવું અને કયા દેવતાઓની પૂજા કરવાથી શું ફળ મળશે. આ તમામ બાબતો પદ્મ, સ્કંદ, બ્રહ્મ અને મત્સ્ય પુરાણોમાં ઉલ્લેખવામાં આવી છે. આ વખતે કારતક પૂર્ણિમાએ સૂર્ય-ચંદ્ર અને કૃત્તિકા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. નક્ષત્રોના આ શુભયોગથી આ પર્વ વધારે ખાસ બની ગયું છે.
આજે પૂનમ શા માટે?
આ વર્ષે પૂનમ તિથિ 18 નવેમ્બરે સવારે લગભગ 11.34 થી શરૂ થઈ રહી છે. 19 તારીખે દિવસમાં લગભગ 1.20 વાગ્યા સુધી રહેશે. વ્રત-તહેવારનો નિર્ણય કરનાર નિર્ણય સિંધુમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક મહિનાની પૂર્ણિમા તિથિ જો બે દિવસ સુધી હોય તો બીજા દિવસે આ પર્વ ઊજવવું. એટલે શાસ્ત્રો પ્રમાણે આજે આ પર્વ ઊજવવું જોઈએ.
કૃત્તિકા નક્ષત્ર અને પદ્મક યોગ
કારતક મહિનાની પૂર્ણિમાએ ચંદ્ર કૃત્તિકા અને સૂર્યના વિશાખા નક્ષત્રમાં હોવાથી પદ્મક યોગ બની રહ્યો છે. આ વખતે આખો દિવસ કૃત્તિકા નક્ષત્રનો સંયોગ પણ હોવાથી આ પર્વનું શુભફળ અનેકગણું વધી જશે. આ અવસરે કરવામાં આવતું સ્નાન, વ્રત, દાન અને જાપ અનંત પુણ્ય ફળ આપનાર રહેશે.
ભવિષ્યવાણી
કારતક પૂર્ણિમાએ ગ્રહોની સ્થિતિ જણાવી રહી છે કે શનિના પ્રભાવથી અનેક રાષ્ટ્રીય પરિયોજનાઓ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. લોકોન વિદેશ યાત્રાઓ વધશે. દેશનો આર્થિક વિકાસ વધશે અને રાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં રહેશે. દેશમાં અનેક શુભ કામ પણ થશે. ત્યાં જ, ગ્રહોના અશુભ પ્રભાવથી અગ્નિકાંડ થવાની શક્યતાઓ બની રહી છે. દેશમાં અનેક જગ્યાએ અચાનક વરસાદ અને ઠંડક વધવાના યોગ છે.- પ્રો. વિનય કુમાર પાંડેય (પૂર્વ અધ્યક્ષ, જ્યોતિષ વિભાગ બીએચયૂ)
પદ્મ પુરાણઃ દાન કરવાથી દસ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે
આ દિવસને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અંગિરા અને આદિત્યએ મહાપર્વ જણાવ્યું છે. એટલે આ દિવસે કરવામાં આવતા સ્નાન-દાન, યજ્ઞ અને ઉપાસનાનું અનંત ગણુ શુભફળ મળે છે. આ શુભ તિથિએ સાંજે ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતારમાં પ્રગટ થયા હતાં. આ કારણે આ દિવસે કરવામાં આવતા દાન અને અન્ય શુભ કાર્યોનું પુણ્ય દસ યજ્ઞના ફળ જેટલું મળે છે.
દીપદાન અને ભગવાન કાર્તિકેયની પૂજા
ભગવાન કાર્તિકેયના કારણે જ આ મહિનાનું નામ કારતક પડ્યું છે. સ્કંદ પુરાણના કાશીખંડમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે એટલે પૂનમના દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા અને દર્શન કરવાથી સાત જન્મો સુધી ધન અને મહાપુણ્ય લાભ મળે છે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ પૂર્ણિમાએ સાંજના સમયે દીપદાન કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થઈ શકે છે. દીપદાન કરવાથી પુનર્જન્મ થતો નથી એટલે મોક્ષ મળી જાય છે.
દીપદાન ક્યા કરવું- મંદિર, ચાર રસ્તા, ગલીઓ, તળાવ, કુવા, પીપળાનું ઝાડ અને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. સાથે જ, ગંગા અને અન્ય નદીઓમાં લોટનો દીવો બનાવીને દીપદાન કરવામાં આવે છે.
બ્રહ્મ પુરાણઃ ભગવાન કાર્તિકેયની માતાની પૂજા
બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક મહિનાની પૂર્ણિમા તિથિએ સાંજે જ્યારે ચંદ્ર ઉદય થાય છે. ત્યારે ભગવાન કાર્તિકેયનો ઉછેર કરનારી 6 માતાઓની પૂજા કરવી જોઈએ. જેમના નામ- શિવા, સંભૂતિ, પ્રીતિ, સંતતિ, અનસૂયા અને ક્ષમા છે.આવું કરવાથી શૌર્ય અને વીરતા વધે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે. એવું પણ ઉલ્લેખવામાં આવ્યું કે આ પર્વમાં ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરશો તો અગ્નિષ્ટોમ એટલે મહાયજ્ઞ કરવાનું ફળ મળે છે.
મત્સ્ય પુરાણઃ કઈ સામગ્રીના દાનનું મહત્ત્વ
મત્સ્ય પુરાણમાં જણાવ્યા પ્રમાણે આજે વ્રત કરવાથી વૃષ એટલે બળદનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. પરંતુ જો તે શક્ય ન હોય તો આ દિવસે ચાંદીનું બળદ બનાવીને દાન કરી શકો છો. આ પર્વમાં ગાય, હાથી, રથ, ઘોડો અને ઘીનું દાન કરવામાં આવે તો સંપત્તિ વધે છે. આ દિવસે સોનાથી બનેલાં ઘેટાંનું દાન કરવાથી ગ્રહ-નક્ષત્રોના અશુભ ફળ દૂર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.