કારતક મહિનાનો છેલ્લો દિવસ 8 નવેમ્બરના રોજ છે. આ દિવસે પૂનમ તિથિ રહેશે. કારતક પૂર્ણિમાએ તીર્થ સ્નાન, વ્રત, ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા અને દીપદાન કરવાની પરંપરા છે. પરંતુ આ દિવસે ચંદ્રગ્રહણ રહેશે. એટલે દીપદાન 7 નવેમ્બરે સાંજે કરવામાં આવવું જોઈએ. મંગળવારે સવારે સાડા 8 વાગ્યા પહેલાં તીર્થ સ્નાન કરવું જોઈએ. ત્યાં જ, આખો દિવસ વ્રત રાખીને સાંજે ગ્રહણ પૂર્ણ થયા પછી પૂજા કરવી જોઈએ.
કારતક મહિનાની પૂનમ તિથિએ કરવામાં આવતા સ્નાન અને દાનથી અખૂટ પુણ્ય મળે છે. વ્રત, પૂજા-પાઠ અને દીપદાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થાય છે. પુરાણોમાં પણ આ દિવસને પુણ્ય આપનાર પર્વ કહેવામાં આવે છે.
7મીએ સાંજે અને 8મીએ ગ્રહણ પૂર્ણ થયા પછી દીપદાન કરવું
કારતક પૂનમ 7 નવેમ્બરે એટલે આજે સાંજે લગભગ સાડા 4 વાગ્યાથી શરૂ થઈ જશે. એટલે ગોધુલિ વેળામાં આ દિવસે દીપદાન કરવાથી પુણ્ય મળશે. ત્યાં જ, બીજા દિવસે ચંદ્રગ્રહણ સાંજે લગભગ સાડા 6 વાગે પૂર્ણ થશે. જેથી ગ્રહણ પૂર્ણ થયા પછી પણ દીપદાન કરી શકાય છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પુરાણોમાં કારતક મહિનાના છેલ્લાં દિવસે દીપદાનનું ખૂબ જ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. મહાપુણ્ય અને મોક્ષ આપનાર કારતક મહિનાના મુખ્ય નિયમોમાં સૌથી મુખ્ય દીપદાન જ છે.
આ મહિનામાં દીપદાન કરવાથી અનેક પર્વનું ફળ મળે છે. દીપદાનનો અર્થ હોય છે આસ્થા સાથે દીવો પ્રગટાવવો. કારતક મહિનાના છેલ્લાં દિવસે દીપદાન કરવું જોઈએ. અગ્નિપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે દીપદાનથી શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે પદ્મપુરાણમાં પણ ભગવાન શિવજીએ પણ પોતાના પુત્ર કાર્તિકેયજીને દીપદાનનું મહત્ત્વ જણાવ્યું છે.
ઘી કે તેલનો દીવો પ્રગટાવીને દીપદાન કરો
કારતક મહિનામાં પોતાના ઘરના ફળિયામાં તુલસીજી પાસે, પોતાના ઘરના પૂજા સ્થાને, મંદિરોમાં કે ગંગા ઘાટમાં ઘીનો તથા તેલનો દીવો પ્રગટાવીને દીપદાન કરી શકાય છે. આવું કરવાથી બધા વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકાય છે. પોતાના પિતૃઓને પ્રસન્ન પણ કરી શકાય છે.
કારતક પૂનમના દિવસે ગંગા સ્નાન કરવાથી પુણ્ય ફળ મળે છે
કારતક મહિનાની પૂનમ એટલે કાર્તિકેય પૂનમના દિવસે ગંગા સ્નાન કરવાથી વર્ષભર કરેલાં પાપ દૂર થઈ જાય છે. મનથી ખરાબ ભાવનાઓનો વિનાશ થાય છે અને સારા વિચારોનો વાસ થાય છે. માન્યતા છે કે કારતક પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવાથી વર્ષભરનું ગંગા સ્નાનનું ફળ મળે છે.
આ દિવસે માત્ર ગંગા જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં પવિત્ર માનવામાં આવતી અને પૂજવામાં આવતી નદી અને સરોવરમાં પણ શ્રદ્ધાળુ સ્નાન કરીને પુણ્ય એકઠું કરે છે. કારતક પૂર્ણિમાને દેવ-દિવાળીના નામે પણ ઓળખવામાં આવે છે કેમ કે આ દિવસે દેવતાઓ દીવા પ્રગટાવે છે. લોકો માટે દિવાળી આસો મહિનાની અમાસે હોય છે પરંતુ દેવતાઓ માટે આ પર્વ કારતક મહિનાની પૂનમના દિવસે આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.