હિંદી પંચાંગ પ્રમાણે આજથી કારતક મહિનો શરૂ થઈ ગયો છે. જે 8 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. જ્યારે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 26 ઓક્ટોબરથી કારતક મહિનો શરૂ થશે અને 23 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. આ મહિનાને પવિત્ર મહિનો કહેવામાં આવે છે કેમ કે આ દિવસોમાં સૂર્યોદય પહેલાં જાગવું, સૂર્ય પૂજા કરવી, દીપદાન કરવું અને તીર્થ સ્નાન સાથે જ જરૂરિયાતમંદ લોકોને કપડાં અને ભોજનની વસ્તુઓનું દાન કરવાની પરંપરા છે. આ મહિનાનું નામ ભગવાન કાર્તિકેયના નામથી રાખવામાં આવ્યું છે. આ મહિનામાં જ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે. આ દિવસો દરમિયાન ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની ખાસ પૂજા કરવાનું પણ વિધાન છે.
સૂર્યોદય પહેલાં જાગી જવું
કારતક મહિનામાં ભક્તિ, પૂજા-પાઠથી ધર્મ લાભ અને ધ્યાન-યોગ કરવાથી સ્વાસ્થ્યને લાભ મળે છે. આ મહિનામાં રોજ સવારે સૂર્યોદય પહેલાં જાગી જવું. સ્નાન કરીને આરાધ્ય દેવના મંત્રનો જાપ કરો. સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. ધ્યાન-યોગ કરો. આ શુભ કામોથી ધર્મ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. દિવસભર મન શાંત રહે છે અને વિચારોમાં પવિત્રતા બની રહે છે.
કાર્તિકેય સ્વામીના કારણે આ મહિનાને કારતક મહિનો કહેવામાં આવે છે
માન્યતા છે કે, પ્રાચીન સમયમાં આ મહિનામાં શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામીએ તારકાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો. જેના દ્વારા પ્રસન્ન થઇને શિવજીએ આ મહિનાને કારતક નામ આપ્યું. આ મહિનામાં કરવામાં આવતા પૂજા-પાઠથી અક્ષય પુણ્ય મળે છે.
દાન-પુણ્યનું વિશેષ મહત્ત્વ
તીર્થ દર્શન, નદીમાં સ્નાન કરવાની સાથે જ આ મહિનામાં દાન-પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્ર, ખાનપાનની વસ્તુઓ અને ધનનું દાન કરવું જોઇએ. હવે ઠંડી શરૂ થઇ જશે, આવી સ્થિતિમાં ધાબળાનું દાન પણ કરી શકો છો. કોઇ ગૌશાળામાં ધન અને લીલું ઘાસ દાન કરો.
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
આ મહિનામાં પૂજા-પાઠ કરનાર ભક્તોએ ગુસ્સો અને લાલચથી બચવું જોઇએ. ઘરમાં વિવાદ ન કરો અને પ્રેમ જાળવી રાખો. પોતાનું કામ પ્રામાણિકતાથી કરશો તો દેવી લક્ષ્મીની પ્રસન્નતા મળી શકે છે. જે લોકો આ વાતનું ધ્યાન રાખી શકતાં નથી, તેમને પૂજા-પાઠ કરવાનું પુણ્ય ફળ મળી શકતું નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.