• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Janmashtami 2021 8 Names Of Lord Krishna On Ashtami Murari Made By Killing Mura Demon Lord Of Madhu Ritu And Madhav Being Descended From Madhu Monster

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી:ભગવાનના 8 નામ, મુરા રાક્ષસને મારીને મુરારી બન્યાં, મધુ ઋતુના સ્વામી અને મધુ દૈત્યના વંશજ હોવાથી માધવ કહેવાયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીમદ્ ભાગવત, પદ્મપુરાણ, કૂર્મ પુરાણ, ગર્ગ સંહિતા અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન કૃષ્ણના નામનો મહિમા
  • ભાગવતમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કાળા રંગ સાથે છે, સાથે જ, કૃષ્ણ શબ્દને મોક્ષ આપનાર માનવામાં આવે છે

30 ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. ભગવાન કૃષ્ણના અનેક નામ છે. પરંતુ થોડાં નામ એવા છે, જેની પાછળ થોડી વાર્તા, કિસ્સા અથવા કોઇ અલગ જ મહત્ત્વ છે. આવા નામના અલગથી જાપ કરવાનું વિધાન શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત, પદ્મપુરાણ, કૂર્મ પુરાણ, ગર્ગ સંહિતા અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન કૃષ્ણના નામનો મહિમા ઉલ્લેખવામાં આવ્યો છે.

વિવિધ ગ્રંથોમાં નામની અલગ વ્યાખ્યા પણ છે. જેમ કે, ભાગવતમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કાળા રંગથી થાય છે, પરંતુ સાથે જ કૃષ્ણ શબ્દને મોક્ષ આપનાર પણ કહેવામાં આવે છે. મહાભારતમાં બે કૃષ્ણ છે, એક ભગવાન કૃષ્ણ, બીજા મહાભારતના રચનાકાર દ્વૈપાયન વ્યાસ એટલે વેદ વ્યાસ. વેદ વ્યાસ કાળા હતાં અને ટાપુ ઉપર જન્મ્યાં હતાં. જેથી તેમનું નામ કૃષ્ણ દ્વૈપાયન પડ્યું. એક વેદને ચાર ભાગમાં વહેચવાના કારણે તેમનું નામ વેદ વ્યાસ પડ્યું.

આવી જ રીતે ભગવાન કૃષ્ણના અનેક નામ ઉપલબ્ધિઓ અને તેમના વ્યક્તિત્વની વિશેષતાઓના કારણે પડ્યાં.

મુરારીઃ-મહર્ષિ કશ્યપ અને દિતિનો એક રાક્ષસ પુત્ર હતો. તેનું નામ મુરા હતું. મુરાએ પોતાના બળથી સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. દેવતાઓને સ્વર્ગથી કાઢી મુક્યા હતાં. ત્યારે ઇન્દ્રએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી. ભગવાન કૃષ્ણ અને તેમની પત્ની સત્યભામાએ યુદ્ધમાં મુરાનો વધ કરી દીધો. મુરા દૈત્યના અરિ એટલે દુશ્મન હોવાના કારણે ભગવાનનું એક નામ મુરારી પડ્યું.

મધુસૂદનઃ-મધુ નામના દૈત્યનો વધ કરવાથી ભગવાનનું એક નામ મધુસૂદન પડ્યું. આ રાક્ષસના કારણે પણ દેવતા અને મનુષ્ય ખૂબ જ પરેશાન હતાં. ભાગવતમાં મધુ નામના બે થી ત્રણ રાક્ષસોનો ઉલ્લેખ મળી આવે છે, જે વિવિધ કાળમાં થયાં છે. તેમાંથી એકનો વધ કૃષ્ણએ કર્યો હતો.

કેશવઃ-આ નામ ભગવાનના સુંદર વાળના કારણે છે. ભાગવત અને ગર્ગ સંહિતામાં ભગવાનના સ્વરૂપનું વર્ણન મળે છે. ગોપીઓ, સખીઓ અને વ્રજવાસી અનેકવાર ભગવાન કૃષ્ણને કેશવના નામથી સંબોધિત કરે છે.

ગોવર્ધનધારી-ગિરધારીઃ-ઇન્દ્રની પૂજા રોકીને ગોવર્ધન પર્વતની પૂજા કરવી અને પછી ઇન્દ્રના વ્રજ મંડળ ઉપર ભારે વરસાદથી લોકોને બચાવવા માટે પોતાના જમણા હાથની સૌથી નાની આંગણી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડવાના લીધે તેમનું આ નામ પડ્યું. ભગવાનને આ બંને નામ પ્રિય છે. વૃંદાવનમાં ગિરધારી, ગિરિરાજધારી નામ ભગવાન માટે ખૂબ જ ઉપયોગમાં લેવાય છે.

માધવઃ-આ નામ પાછળ બે વાર્તા છે. એક તો વસંત ઋતુના દેવતા અથવા ઋતુઓમાં વસંત સમાન શ્રેષ્ઠ હોવાના કારણે કૃષ્ણનું નામ માધવ પડ્યું છે. કેમ કે, વસંતનું એક નામ મધુ પણ છે. બીજી વાર્તા પ્રમાણે ત્રેતાયુગના રાક્ષસ મધુ સાથે જોડાયેલી છે. જે મથુરાનો રાજા હતો. આ મધુનો મોટો પુત્ર યાદવરાજ હતો, જેના વંશમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો. મધુના વંશમાં જન્મ લેવાના કારણે તેમને માધવ કહેવામાં આવે છે.

મુરલીધર-બંશીધરઃ-વાંસળી ધારણ કરેલી હોવાના કારણે નંદબાબાએ કૃષ્ણને આ નામ આપ્યું હતું. નંદબાબાએ નાના કૃષ્ણને વાંસળી ભેટ આપી હતી. જે હંમેશાં તેમની ઓળખ રહી. કૃષ્ણના વ્યક્તિત્વ સાથે વાંસળી એ રીતે જોડાયેલી છે કે, તેના વિના કૃષ્ણની છવિની કલ્પના પણ કરી શકાતી નથી.

અચ્યુતઃ-
કૃષ્ણ પોતાના વ્યક્તિત્વમાં અટલ અને અડિગ છે. તેમની છવિ એક એવા દેવતાની છે જે અવિચલ ભક્તિ પ્રદાન કરે છે. તેઓ જ એકમાત્ર એવા દેવતા છે, જે અનેક રૂપમાં એક સાથે પૂજવામાં આવે છે. પુત્ર, મિત્ર, ભાઈ, ભગવાન, પતિ, પુરૂષ, યોદ્ધા, સલાહકાર અને ગુરુ સહિત અનેક પ્રકારથી લોકો કૃષ્ણની પૂજા કરે છે. પોતાના દરેક રૂપમાં તેઓ અટલ-અડિગ છે. એટલે તેમને અચ્યુત કહેવામાં આવે છે.