આજનો જીવનમંત્ર:ધન કમાવવું જરૂરી, પરંતુ તેનો ઉપયોગ માત્ર પોતાના માટે ન કરો, જરૂરિયાતમંદોની મદદ કરનાર લોકોના રૂપિયા ચોક્કસ વધે છે

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

મહાભારતમાં અર્જુનને સમજાવવા માટે ભગવાન કૃષ્ણ અનેક પ્રકારના પ્રયોગ કરતા હતાં. અર્જુન એક પ્રકારે તેમની પ્રયોગશાળા જ હતો. એકવાર ભગવાન કૃષ્ણ અને અર્જુન કોઇ સ્થાને જઇ રહ્યા હતાં. તેમને રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણ મળ્યો. અર્જુનને તેના ઉપર દયા આવી અને તેણે તે બ્રાહ્મણને અઢળક ધન આપ્યું.

બ્રાહ્મણ ખુશ થઈ ગયો. અનેક પ્રકારના વિચાર મનમાં લઈને તે તેના ઘરે જવા લાગ્યો. ધનનો ઉપયોગ કેવી-કેવી રીતે અને કયા કાર્યોમાં કરવાનો છે તે વિચારવા લાગ્યો. પરંતુ રસ્તામાં તેને એક લુટેરો મળ્યો. તેણે બ્રાહ્મણ પાસેથી બધું જ ધન લૂટી લીધું. બ્રાહ્મણ ગરીબ જ રહી ગયો. થોડા દિવસે પછી કૃષ્ણ અને અર્જુન ફરીથી ત્યાંથી પસાર થયાં. તેમણે જોયું કે બ્રાહ્મણ તો તેવો જ ગરીબ છે. જ્યારે તેમણે પૂછ્યું તો તેણે સંપૂર્ણ કિસ્સો જણાવ્યો.

અર્જુન પાસે એક ખૂબ જ કિંમતી રત્ન હતો. તેણે બ્રાહ્મણને તે રત્ન આપી દીધો. બ્રાહ્મણ ખુશ થઈને ઘરે જતો રહ્યો. ઘરે જઇને તેણે તે રત્નને એક ઘડામા રાખી દીધો. તેણે વિચાર્યું કે સવારે પત્નીને જણાવીશ તો તે ખુશ થઈ જશે, પરંતુ તેના જાગ્યા પહેલાં પત્ની ઘડો લઇને નદીએ પાણી ભરવા જતી રહી અને નદીમાં પાણી ભરતા તે રત્ન વહી ગયો. બ્રાહ્મણ ફરીથી ગરીબ થઈ ગયો.

એક દિવસ ફરીથી તે રસ્તામા કૃષ્ણ અને અર્જુન મળ્યાં. તેણે ફરીથી બંનેને પોતાની સાથે બનેલી વાતો જણાવી. આ વખતે ભગવાન કૃષ્ણએ કહ્યું, હું આમની મદદ કરું છું. ભગવાને પોતાની પાસે રહેલાં બે સિક્કા કાઢ્યા અને બ્રાહ્મણને આપી દીધા. બ્રાહ્મણે કમને તે દાન લીધું અને પોતાના ઘર તરફ જતો રહ્યો. અર્જુન પણ તેની પાછળ ગયો. બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે આ રૂપિયાનું હું શું કરીશ? આમાંથી તો એક સમયનું ભોજન પણ આવશે નહીં.

રસ્તામાં તેને એક માછીમાર જોવા મળ્યો જેના જાળમાં માછલી ફસાયેલી હતી અને તડપી રહી હતી. બ્રાહ્મણે વિચાર્યું કે આ રૂપિયા તો મારે કોઇ કામ આવશે નહીં, પરંતુ આ માછલીનો જીવ તો હું બચાવી શકીશ. તેણે માછીમાર પાસેથી આ બે સિક્કામાં માછલી ખરીદી લીધી. તેણે નદીમાં ફરી છોડવા ગયો. બ્રાહ્મણ જેવો તે માછલીને છોડવા ગયો, માછલીના મુખમાંથી તે રત્ન બહાર આવ્યો જે અર્જુને તેમને આપ્યો હતો. રત્ન જોઈને તે બૂમો પાડવા લાગ્યો, મળી ગયો, મળી ગયો.

ત્યાંરે ત્યાંથી જ તે લુટેરો પસાર થયો જેણે પહેલાં બ્રાહ્મણને લૂટ્યો હતો. બ્રાહ્મણનો અવાજ સાંભળીને તેને લાગ્યું કે બ્રાહ્મણ તેને પકડાવવા આવ્યો છે. તે બ્રાહ્મણ પાસેથી લૂટેલું બધું જ ધન ફરી તેને આપીને ચાલ્યો ગયો. અર્જુન દૂરથી સંતાઈને આ બધું જોઈ રહ્યો હતો. તેણે જઇને કૃષ્ણને આ સંપૂર્ણ કિસ્સો જણાવ્યો. કૃષ્ણએ કહ્યું, જ્યારે તેને ધન મળ્યું ત્યારે તે માત્ર પોતાના અંગે વિચારી રહ્યો હતો, આ કારણે તેને ધન ગુમાવ્યું, પરંતુ જ્યારે તેણે મૃત્યુ પામતી માછલીની મદદ કરવાનું વિચાર્યું ત્યારે તેને ગુમાવેલું ધન પણ મળી ગયું.

બોધપાઠઃ આપણે જ્યારે આપણા સંસાધનોથી અન્ય લોકોની મદદ કરવા અને ભલું કરવા માટે આગળ આવીએ છીએ, ત્યારે ધનમા હંમેશાં વધારો થાય છે.

અન્ય સમાચારો પણ છે...