ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 9 ઓગસ્ટ, સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. શ્રાવણ મહિનામાં દરેક સપ્તાહની શરૂઆત ભગવાન શિવ અને દેવી પાર્વતી સાથે થાય છે. શ્રાવણનો સોમવાર જેટલો ખાસ હોય છે તેટલો જ મહત્ત્વપૂર્ણ મંગળવાર પણ છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનાના મંગળવારે દેવી પાર્વતીની પૂજા અને વ્રત કરવા જોઈએ. તેનાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. આ પ્રકારે શ્રાવણ મહિનાના દરેક સપ્તાહની શરૂઆત 2 દિવસ ભગવાન શિવ અને પાર્વતીને સમર્પિત હોય છે.
શક્તિ વિના શિવપૂજા અધૂરીઃ-
પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સોમવાર શિવપૂજાનો દિવસ માનવામાં આવે છે. એટલે લોક પરંપરામાં શ્રાવણના સોમવારને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પરંતુ મંગળવારનું પણ મહત્ત્વ એટલું જ છે જેટલું સોમવારનું છે. સોમવારે કરવામાં આવતી શિવપૂજા ત્યારે પૂર્ણ માનવામાં આવે છે જ્યારે મંગળવારે દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે. કેમ કે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં દેવી પાર્વતીના ગૌરી સ્વરૂપની પૂજા કરવી જોઈએ.
શ્રાવણ મંગળવારની પૂજા અને વ્રતઃ-
શ્રાવણ મહિનામાં સોમવારની જેમ મંગળવારના દિવસે ઉપવાસ રાખીને દેવી પાર્વતીની ગૌરી સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણ અને વિષ્ણુધર્મોત્તર પુરાણમાં કરવામાં આવ્યું છે. જેથી લગ્નજીવનમાં સુખ વધે છે અને પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે દેવી દુર્ગા અને હનુમાનજીના ઉપાસક પણ વ્રત અને વિશેષ પૂજા કરે છે. પુરાણો પ્રમાણે આવું કરવાથી દેવી દુર્ગા અને હનુમાનજીની વિશેષ કૃપા મળે છે. તેની પૂજા કરવાથી અટવાયેલાં કામ જલ્દી પૂર્ણ થાય છે.
શ્રાવણમાં મંગળા ગૌરી વ્રતઃ-
શ્રાવણ મહિના દરમિયાન દર મંગળવારે દેવી પાર્વતીની ગૌરી સ્વરૂપની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે. મંગળવાર અને ગૌરીને મળીને મંગળા ગૌરી વ્રત બન્યું છે. આ વ્રત દરેક પ્રકારે મંગળ કરે છે એટલે પણ તેનું નામ મંગળાગૌરી પડ્યું છે. મંગળા ગૌરી વ્રત કુંવારી કન્યાઓ સારો પતિ મેળવવા માટે કરે છે. પરણિત મહિલાઓ લગ્નસુખ અને સમૃદ્ધિની ઇચ્છાથી આ વ્રત કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.