25 સપ્ટેમ્બર સુધી પિતૃપક્ષ:જો તમે કોઈ કારણોસર શ્રાદ્ધ ન કરી શકો, તો સર્વ પિતૃ અમાસના દિવસે એક સાથે કરી શકો છો શ્રાદ્ધ કર્મ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષને પિતૃપક્ષ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે 25 સપ્ટેમ્બર સુધી પિતૃપક્ષ રહેશે. આ દિવસોમાં કરેલાં શ્રાદ્ધ અને તર્પણથી પિતૃ દેવતાઓને તૃપ્તિ મળે છે. પિતૃપક્ષ દરમિયાન ઘર-પરિવારમાં પિતૃઓ માટે પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. ઘર-પરિવારના મૃત સભ્યોને જ પિતૃ દેવતા સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ પક્ષમાં પુણ્ય કર્મ કરવામાં આવે છે. આ બધા કામ પરિવારના મૃત સભ્યોની મૃત્યુ તિથિના આધાર પર કરવામાં આવે છે, પરંતુ જો કોઇ વ્યક્તિ સમયના અભાવે કે જાણકારીના અભાવે શ્રાદ્ધ ન કરી શકે તો શું કરવું જોઇએ.

ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પૂર્વજોની સંતુષ્ટિ માટે કરેલું દાન અને પૂજા-પાઠ જ શ્રાદ્ધ કહેવાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, શ્રાદ્ધપક્ષમાં કઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ.

સવાલ : જો ધૂપ-ધ્યાન કરવાની વિધિ ખબર ન હોય તો શું કરવું જોઇએ?
જવાબ : ધૂપ-ધ્યાન માટે ગાયનાં છાણાંને સળગાવો. જ્યારે તેમાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય તો પિતૃઓનું ધ્યાન કરતી વખતે અંગારામાં ગોળ અને ઘી નાખો. હથેળીમાં પાણી લઈને અંગૂઠાની બાજુથી પિતૃઓને અર્પણ કરો. ધૂપ-ધ્યાનની આ એક સરળ પદ્ધતિ છે.

સવાલ : ઘર પરિવારના મૃત લોકોની મૃત્યુની તિથિ ખબર ન હોય ત્યારે શું કરવું જોઈએ?
જવાબ : જે લોકોની મૃત્યુની તિથિ ખબર ન હોય, તેમને સર્વપિતૃ અમાસના દિવસે ઘર-પરિવાર, કુટુંબના બધા જ પિતૃઓનું ધ્યાન કરીને શ્રાદ્ધ કરી લેવું જોઈએ. આ વર્ષે 25 સપ્ટેમ્બરે અમાસ છે.

સવાલ : શ્રાદ્ધ કર્મ માટે બેસ્ટ સમય શું છે?
જવાબ : પિતૃઓનાં કામ માટે બપોરનો સમય બેસ્ટ છે. સવારે અને સાંજે દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરવી જોઈએ.

સવાલ : પિતૃનાં કામ કરવા માટે કોઈ કારણોસર અડચણ થાય, તો શું કરવું જોઈએ?
જવાબ : પિતૃ પક્ષ સાથે જોડાયેલી તમામ પરંપરાનું પાલન કરવા ઈચ્છો છો, પરંતુ સમયને અભાવે અથવા અન્ય કોઈ કારણોસર નથી કરી શકતા તો તમારી ઈચ્છા અનુસાર ભોજનનું દાન કરો. આ સાથે જ પૈસા, કપડાં, અનાજ, જૂતાં-ચંપલનું પણ દાન કરવું જોઈએ. ગૌશાળામાં દાન કરવું જોઈએ. કૂતરાં અને કાગડા માટે ઘરની બહાર જમવાનું રાખવું જોઈએ.

સવાલ : પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ અને દાન-પુણ્ય સિવાય બીજા ક્યાં-ક્યાં શુભ કામ કરી શકાય છે?
જવાબ : આ દિવસોમાં ગરુડ પુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન અચૂક કરવું જોઈએ. આ ગ્રંથોથી મન શાંત રહે છે અને પોઝિટિવ વિચારો આવે છે.