અનંત ઊર્જા:જીવનનાં લક્ષ્યો નક્કી હશે તો ભટકવું નહીં પડે

2 મહિનો પહેલાલેખક: ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી
  • કૉપી લિંક
  • લક્ષ્ય કેટલા ઉમદા અને મહાન છે તેના આધારે આપની મહાનતાનું પરિમાણ નક્કી થાય છે. જીવનનું લક્ષ્ય નક્કી કરતી વખતે એક પરિકલ્પના ખૂબ મદદરૂપ થાય તેવી છે. ‘સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ’માં સ્ટીફન કવિએ તેને આલેખી છે.

લક્ષ્ય મહાન હશે તો જીવન પણ મહાનતા ભણી ગતિ કરશે. પરંતુ લક્ષ્ય સ્વકેન્દ્રી, માત્ર સુખ-સાહ્યબી અને પ્રતિષ્ઠા પૂરતું મર્યાદિત હશે, તો આપણી દુનિયા કૂવાના દેડકા જેટલી જ રહેશે. અને લક્ષ્ય નિ:સ્વાર્થ અને પરોપકારી હશે તો આપણી દુનિયા વૈશ્વિક થઈ જશે. આવા મહાન અંતિમોને નજર સમક્ષ રાખીને જીવન યાત્રાને આગળ ધપાશો તો સંતોષ હશે કે આપણું જીવન સાર્થક થયું.

એક મુસાફરે ચાર રસ્તા પર આવીને પૂછ્યું, હું ક્યાં રસ્તે જાઉં? તેને સામો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે,‘તમારે ક્યાં જવું છે?’ મુસાફરે જવાબ વાળ્યો,‘એ તો મને ખબર નથી’ તો સામેથી માર્મિક પ્રત્યુત્તર મળ્યો, ‘તો ગમે તે રસ્તે જાઓ કોઈ ફરક નથી પડતો.’ દુનિયામાં બે પ્રકારના માણસો જોવા મળે છે. એક કે જેને સમય, સંગ અને સંજોગો તેની નિયતિ સુધી ઢસડી જાય છે. બસ જ્યાં ઢાળ મળ્યો ત્યાં ઢળી પડવાનું. ત્યાં કોઈ નિશાન નથી એટલે નિશ્ચિત દિશા પણ નથી. જાણે કે એક એવી હોડી કે જેને ખબર જ નથી કે મારે કયા કિનારા પર જવું છે. ‘બસ! પ્રવાહ અને પવન જ્યાં લઈ જાય, તે કિનારે જિંદગી પૂરી કરી નાંખીશું’ તેવી માનસિકતા!! જ્યારે બીજો વર્ગ એવો છે કે જેને યાત્રાના પ્રારંભમાં જ નક્કી કરી લીધું છે મારે કયા કિનારે પહોંચવું છે અને તે પ્રમાણે પવન અને પ્રવાહ સામે ઝીંક ઝીલતા તે આગળ વધી અને મંજિલ સુધી પહોંચે છે. આ વર્ગમાં એવા લોકોનો સમાવેશ થાય છે જે , નકશામાંથી નકશાઓ રચી દે છે. અને પછી તેમણે કંડારેલી કેડી માનવજાત માટે એક વરદાન બની રહે છે. જેના પર ચાલીને અનેક પોતાના લક્ષ્યને હાંસલ કરે છે.એક પ્રખ્યાત નેતાને પ્રવચન પછી એક શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો ‘આપ ખરેખર મહાન છો. મારે એ જાણવું છે કે અમારા જેવા સામાન્ય માણસો અને આપના જેવા મહાન માણસો વચ્ચે શું ફરક છે?’ તે નેતાએ સુંદર જવાબ આપ્યો,‘જુઓ ભાઈ અમે પણ તમારા જેવા સામાન્ય માણસો છીએ. આપણી વચ્ચે આમ જુઓ તો કાંઇ ભેદ નથી. પણ કદાચ એક બાબત અમને અને તમને અલગ કરે છે. અમારા જેવા કેટલાક લોકો ખૂબ ઊંચા ધ્યેયને વરેલા છે. અને ગમે તેવી સમસ્યાઓમાં પણ તે ધ્યેયને છોડતા નથી. જેથી એવું બને છે કે ધ્યેયની જે મહાનતા છે તેનો અંશ અમારી અંદર પણ ઉતરી આવતો હશે અને તેથી અમે મહાન લાગતાં હોઈશું.’આપણા લક્ષ્ય કેટલા ઉમદા અને મહાન છે તેના આધારે આપની મહાનતાનું પરિમાણ નક્કી થાય છે. જીવનનું લક્ષ્ય નક્કી કરતી વખતે એક પરિકલ્પના ખૂબ મદદરૂપ થાય તેવી છે. ‘સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ’માં સ્ટીફન કવિએ તેને આલેખી છે. કલ્પના એ કરવાની છે કે તમારા મૃત્યુ પછીની શ્રદ્ધાંજલિ સભા છે. તેમાં દિવ્ય દેહે તમે હાજર છો. અહીં બેઠેલા તમારા પરિવારજનો, મિત્રો, સહકર્મચારીઓ તમારા વિષે શું બોલે એવું તમે ઈચ્છો છો? શું અહીં તમારી સત્તા અને સંપત્તિની મોટી મોટી વાતો થાય તો તમને ગમશે કે પછી જીવન દરમિયાન તમે દર્શાવેલી કાર્યપ્રતિબદ્ધતા, માનવતા, વિનમ્રતા, સેવા, સમર્પણ જેવા મૂલ્યોની વાતો થાય તે તમને ગમશે. આપણું જીવન વધારે સાર્થક શેમાં બનશે તે બાબતને નજર સામે રાખીને લક્ષ્ય નક્કી કરીએ.૧૩ ઓગસ્ટ, ૨૦૧૬ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું ધામગમન થયું. માનવ ઇતિહાસની એ પ્રથમ ઘટના હતી કે કોઈના અંતિમ દર્શન માટે ૨૧ લાખ લોકો ઉમટી પડ્યા હોય, તે પણ સારંગપુર જેવા એક ખૂણાના ગામડામાં! આ ખેંચાણનું કારણ શું? પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર જીવન એક મહાન લક્ષ્ય સાથે જીવ્યા હતા. બીજાને સુખી કરવાનું લક્ષ્ય, બીજાનો ઉત્કર્ષ કરવાનું લક્ષ્ય. તેમનો જીવનમંત્ર જ હતો કે ‘બીજાના સુખમાં આપણું સુખ છે’. લાખોએ તેમના પ્રેમ, પ્રેરણા, હૂંફ, આશ્વાસન કે મદદનો અનુભવ કર્યો હતો. જે તેમને ખેંચી લાવ્યા.આપણું લક્ષ્ય મહાન હશે તો જીવન પણ મહાનતા ભણી ગતિ કરશે. લક્ષ્ય સ્વકેન્દ્રી હશે તો દુનિયા કૂવાના દેડકા જેટલી જ રહેશે. જો લક્ષ્ય નક્કી કર્યા વગર આંધળી દોટ ભરી તો અંતે અંતરાત્મા પસ્તાવા સાથે પૂછશે કે ‘એક અદ્ભુત જિંદગી સાથે તે આ શું કર્યું?’ પસંદગી આપના હાથમાં છે.

અન્ય સમાચારો પણ છે...