આજનો જીવનમંત્ર:કોઈ આપણી મદદ કરે છે તો આપણે તેને વધુ મદદ કરવી જોઈએ

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા

મહાભારતમાં કુંતીની સાથે પાંચ પાંડવો વનવાસ વીતાવી રહ્યા હતા. વનવાસ દરમિયાન તેઓ ગામમાં પહોંચ્યા. ત્યાં એક રાક્ષસ દરરોજ ગામના લોકોને ખાઈ જતો હતો. તે દિવસે એક બ્રાહ્મણ પરિવાર રાક્ષસનો ખોરાક બનવાનો હતો. કુંતીને આ વાતની ખબર પડી.

ગામના લોકો પાંચ પાંડવો અને કુંતીને જાણતા ન હતા. જ્યારે લોકો રડતા હતા ત્યારે કુંતીએ પેલા બ્રાહ્મણને કહ્યું, 'તારે એક નાનો દીકરો, દીકરી, પત્ની છે અને આજે તેઓ એ રાક્ષસનો ખોરાક બનવાના છે, તો તમે ચિંતા કરશો નહીં. આપણે ફેરફાર કરી લઈએ છીએ, મારા પાંચ પુત્ર છે. તેમાંથી કોઈ એકને હું મોકલી દઉ છું.

બ્રાહ્મણે કહ્યું, 'આ નિંદનીય કૃત્ય છે. હું બ્રાહ્મણ હોવાના કારણે આવું નથી કરી શકતો કે મારા બાળકોને બચાવવા માટે તમારા બાળકોની બલિ ચઢાવી દઉં.

કુંતી કહે છે, 'બ્રાહ્મણોની રક્ષા કરવી એ પણ અમારું કર્તવ્ય છે. મારા પાંચ પુત્રોમાંથી એક એવો છે, જે આ રાક્ષસનો સામનો કરી શકે છે. તમે ચિંતા ન કરો, નુકસાન અમારું નહીં, તે રાક્ષસનું થશે.

કુંતીએ ભીમને કહ્યું, તું જા, આજે તે રાક્ષસનું ભોજન તુ બનીશ અને તું જાણે છે કે તારે શું કરવાનું છે.

યુધિષ્ઠિરે માતા કુંતીને પૂછ્યું, 'તમે ભીમને ક્યાં મોકલો છો?'

કુંતીએ આખી વાત યુધિષ્ઠિરને કહી ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, માતા આ યોગ્ય નથી. જાણીને તમે તમારા પુત્રને મોતના મોંમાં મોકલી રહ્યા છો.

કુંતીએ કહ્યું, તારી વાત સાચી છે, ભીમ મારો પુત્ર છે અને હું એ જાણું છું કે તે શક્તિશાળી છે. મને વિશ્વાસ છે કે તે સફળ થઈને પાછો આવશે. તે પોતાની રક્ષા કરશે અને રાક્ષસને મારીને ગામને સુરક્ષિત કરશે. યુધિષ્ઠિર તું ચિંતા ન કર. મેં જે નિર્ણય લીધો છે, તે સમજી વિચારીને લીધો છે. હંમેશાં ધ્યાન રાખવું કે કોઈ આપણો ઉપકાર કરે તો આપણે તેના કરતા વધુ ઉપકાર કરવો જોઈએ. આપણે આ ગામના મહેમાન છીએ, આપણે આ ગામને સુરક્ષિત રાખવું જોઈએ. આ કામ ભીમ કરશે. બાદમાં ભીમે તે રાક્ષસનો વધ કર્યો.

બોધપાઠ
આ કહાનીમાં કુંતીએ આપણને સંદેશ આપ્યો છે કે જો કોઈ આપણને મદદ કરે તો સમય આવવા પર આપણે તેની વધારે મદદ કરવી જોઈએ. જો આપણે કોઈની પાસેથી કંઈક લીધું હોય, તો તેણે તેના કરતાં વધુ પાછું આપવું જોઈએ. આવું કરવાથી ભગવાન આપણા પર વધુ કૃપા કરે છે.