અનંત ઊર્જા:બોજામુક્ત કેવી રીતે બનવું

5 મહિનો પહેલાલેખક: ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી
  • કૉપી લિંક
  • તમે પોતે જ વિચારો કે આપણે સાચ્ચે જ મુક્ત છીએ અથવા હજુ પણ કોઈના પ્રત્યે પૂર્વગ્રહ, વેરભાવ, બળતરા, ઈર્ષ્યા અને દ્વેષ સ્વરૂપી બેડીઓમાં ખુદને કેદ કરીને ફરી રહ્યા છીએ.
  • 2022માં તમારા વ્યક્તિત્વને ધારદાર બનાવો

સપ્ટેમ્બર 2002માં દક્ષિણ આફ્રિકામાં વિશ્વના બે મહાપુરુષોની મુલાકાત થઈ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ અને આફ્રિકાનાં મહાન રાજપુરુષ નેલ્સન મંડેલા. પ્રેરણાસભર વાર્તાલાપનાં અંતે જ્યારે કલામ જ્યારે વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેમણે નેલ્સન મંડેલાને એક પ્રશ્ન પૂછ્યો, ‘ડૉ. મંડેલા, સત્યાવીસ વર્ષ જેલની યાતનાઓ સહ્યા બાદ જ્યારે તમે જેલમાંથી બહાર પ્રથમ પગ મૂક્યો ત્યારે કેવી લાગણી થઈ હતી?’ એ વખતે મંડેલાએ કહ્યું, ‘જ્યારે હું જેલમાંથી મુક્ત થઈ દરવાજાની બહાર નીકળ્યો ત્યારે મને એક વાતની ખબર હતી કે જો હું તિરસ્કાર અને કટુતા મારી પાછળ નહીં છોડીને નહીં જાઉં તો હું હજુ પણ જેલમાં જ છું.’ કેટલી અદ્ભુત વાત! નેલ્સન મંડેલાનું આ વિધાન આપણને ખરેખર અંતર્દૃષ્ટિનો અવકાશ આપે છે કે શું ખરેખર આપણે મુક્ત છીએ કે હજી પણ કોઈના પ્રત્યેના પૂર્વગ્રહો, વેર, બદલો કે દ્વેષરૂપી બેડીઓએ આપણને કેદ કરી રાખ્યા છે? 2022ની આજે શરૂઆત છે, તો આ ટ્રેન ઉપડે તે પહેલાં ચાલો કેટલાય વર્ષોથી આપણે જે નકામા પૂર્વગ્રહોના અને નકારાત્મકતાના પોટલાં ભેગા લઈને ફરીએ છીએ, તેને 2021નાં સ્ટેશન પર છોડતા જઈએ. ભાર ઓછો હશે તો યાત્રાનો આનંદ પણ વધુ આવશે. ઉદાર મને થોડું જતું કરીશું તો આવનાર વર્ષે આપણા સંબંધોમાં મધુરતા આવશે જે જીવનને મીઠાશથી ભરી દેશે.2021નાં સ્ટેશન પર આપણે બીજી એક વસ્તુ મુકતા જવાની છે. એ છે આપણી ‘ચાલશે’ ની મનોવૃત્તિ. કોઈ પણ કાર્યક્ષેત્રમાં આપણી પ્રગતિને કે આપણી ગુણવત્તાને અવરોધતો એક ઘાતક શબ્દ છે – ‘ચાલશે’. આ નઠારો શબ્દ આપણી કિંમત પણ ચીલાચાલુ માણસ જેટલી બનાવી દે છે. પરંતુ જે લોકોએ પોતાના કાર્યક્ષેત્રમાં એક અલગ ભાત ઉપજાવી છે તે લોકોએ નાનામાં નાના કામમાં પોતાનું દિલ રેડ્યું છે. માર્ટિન લ્યુથર કિંગ કહેતા, ‘ભલે કોઈ વ્યક્તિનું કામ શેરીમાં કચરો વાળવાનું હોય પણ તે એવી રીતે કરવું જોઈએ કે જાણે માઇકલ એન્જેલોએ ચિત્ર દોર્યું હોય, કે બિથોવને સંગીતની નવી ધુન બનાવી હોય કે શેક્સપિયરે નવી કવિતા રચી હોય. તેને શેરી વાળતો જોઈને પૃથ્વી અને સ્વર્ગના દેવતાઓ થંભી જાય અને બોલી ઉઠે કે વાહ! અહીં એક શ્રેષ્ઠ કચરો વાળનારો વ્યક્તિ રહે છે જે પોતાનું કાર્ય સર્વોત્તમ રીતે કરી રહ્યો છે.’ આ પ્રકારનું મનોવલણ ત્યારે જ આવે કે જ્યારે આપણે પોતાના કાર્યને ‘બતાવી દેવા કે પતાવી દેવા’ નહીં પણ આત્મસંતોષની ખાતરી સાથે કરતાં હોઈએ. પછી વ્યક્તિએ પોતાની મહત્તા દર્શાવવા ભૂંગળા વગાડવા પડતાં નથી એનું કાર્ય જ એની મહાનતાને જગછત્રાયી કરી દે છે. પ્રમુખસ્વામી મહારાજે ભૂજ-ભૂકંપમાં કરેલ રાહતકાર્ય જોઈને 2002માં ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી બોલ્યા હતા, ‘પ્રમુખસ્વામી મહારાજને દીવાલમાં એક ઈંટ મૂકવાનું કામ સોંપ્યું હોય, તો પણ તેઓ એ રીતે મૂકે કે જાણે ભગવાનના મસ્તક પર મુગટ મુકતા હોય.’ તેમના આ વિધાનનો પડઘો પડે છે પ્રમુખસ્વામીએ રચેલાં ભારતીય-સંસ્કૃતિનો વિશ્વફલક પર જયઘોષ કરતાં ગગનચુંબી મંદિરોમાં, અક્ષરધામ જેવા કાળજયી સર્જનોમાં, તેઓએ આપેલ સંતસમુદાયમાં, તેઓએ કરેલ ભવ્ય ઉત્સવ- સમૈયાઓની ભાતમાં અને રાહતકાર્યોના ઊંડાણમાં. તો ચાલો મહાન પુરુષોમાંથી પ્રેરણઆ લઈ આપણે પણ 2022નાં વર્ષે આપણા કાર્યક્ષેત્રમાં નવો નિખાર લાવવા ‘ચાલશે’ની મનોવૃત્તિને 2021 નાં સ્ટેશન પર અલવિદા કહી દઈએ. નવા વર્ષે જે પણ કરીએ, એ પછી અભ્યાસ હોય કે નોકરી, રમત હોય કે વાર્તાલાપ, ઘરકામ હોય કે સેવા... દિલ દઈને કરીએ. બે વાત મૂકવાની થઈ અને અંતમાં એક વાત સાથે લઈ જવાની છે. ટ્રેનની મુસાફરીમાં જો કોઈ સારો સંગાથ મળી જાય તો પ્રવાસની મજા કંઈક જુદી જ હોય છે. ચાલો, આ વર્ષે એક નવતર પ્રયાસ કરીએ. 2022ની આ મુસાફરીમાં ભગવાનને સાથે રાખીએ. કારણ કે પરમાત્મા પરમ પ્રેરણાનો અને અનંત ઊર્જાનો સ્રોત છે. જો ભગવાન સાથે હશે તો આપણો વિજય નિશ્ચિત છે. મહાભારતમાં જયદ્રથનો વધ કરી જ્યારે અર્જુન છાવણીમાં પરત ફરે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેની પીઠ થાબડી શાબાશી આપે છે, ત્યારે અર્જુનનાં મુખેથી એક શાશ્વત સત્ય વહી પડે છે કે ‘अनाश्चर्यो जयस्तेषां येषां नाथोसि माधव।’ પ્રભુ જેની પડખે ઊભા હોય તેના વિજયમાં શું આશ્ચર્ય છે? પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતા કે ભગવાન આપણી સાથે છે તો આપણને કોણ હરાવી શકે? તેમનો આ બુલંદ રણકાર તેમના જીવન સામે જોતાં સત્ય પ્રતીત થાય છે. 2022ની આ ટ્રેન આપણને સૌને સુખ, શાંતિ અને સાર્થકતા તરફ વેગપૂર્વક ગતિ કરાવે તેવી શુભકામના.