કારતકને સૌથી સારો મહિનો માનવામાં આવે છે. 26 ઓક્ટોબરથી આ મહિનો શરૂ થઈ જશે. સ્કંદ પુરાણ પ્રમાણે કારતક મહિના સાથે જોડાયેલી ભગવાન કાર્તિકેયની કથા જણાવવામાં આવી છે. અન્ય પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક જેવો કોઈ મહિનો નથી, સતયુગ સામે કોઈ યુગ નથી, વેદ સામે કોઈ શાસ્ત્ર નથી કે ગંગા સમાન કોઈ તીર્થ નથી. આ માસને રોગનાસક મહિનો હોવાની સાથે-સાથે સુબુદ્ધિ, લક્ષ્મી અને મુક્તિ પ્રદાન કરનાર મહિનો પણ કહેવામાં આવે છે.
આ વસ્તુઓના દાનનું મહત્ત્વ
આ મહિને તુલસી, અન્ન, ગાય અને આંબળાના છોડનું દાન કરવાનું ખાસ મહત્ત્વ હોય છે. જે લોકો દેવાલયમાં, નદી કિનારે, રસ્તા ઉપર દીપદાન કરે છે તો તેને સર્વતોમુખી(વ્યાપક) લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એટલે દરેક પ્રકારે લક્ષ્મીની કૃપા મળે છે.
જે લોકો મંદિરમાં દીપ પ્રગટાવે છે તેને વિષ્ણુ લોકમાં જગ્યા મળે છે. માન્યતા છે કે, જેઓ દુર્ગમ જગ્યાએ દીપદાન કરે છે તેઓ ક્યારેય નરકમાં જતાં નથી. આ મહિનામાં કેળાના ફળનું તથા ધાબળાનું દાન ખૂબ જ શ્રેષ્ઠ છે. સવારે જલ્દી ભગવાન વિષ્ણુની પૂજા અને રાતે આકાશ દીપનું દાન કરવું જોઈએ.
પૂજા-વિધાનનું મહત્ત્વ
આ મહિનામાં કરવામાં આવતા પૂજા-પાઠ સાધકોને પાપથી મુક્તિ પ્રદાન કરે છે. કારતક મહિનામાં કોઈ પવિત્ર નદીમાં બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવું શુભફળદાયક હોય છે. આ સ્નાન કુંવારા કે પરિણીતા મહિલાઓ એકસમાન રીતે કરી શકે છે. જો તમે પવિત્ર નદી સુધી જવામાં અસમર્થ છો તો ઘરે જ સ્નાનના જળમાં ગંગાજળ મિક્સ કરીને પણ સ્નાન કરી શકો છો.
કારતક મહિનામાં તારકાસુરનો વધ થયો હતો
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ મહિનામાં શિવપુત્ર કાર્તિકેયે દૈત્ય તારકાસુરનો વધ કર્યો હતો. કથા પ્રમાણે તારકાસુર, વજ્રાંગ દૈત્યનો પુત્ર અને અસુરોનો રાજા હતો. દેવતાઓને જીતવા માટે તેણે શિવજીની તપસ્યા કરી. તેણે અસુરો ઉપર આધિપત્ય અને શિવપુત્ર સિવાય અન્ય કોઈ તેને મારી શકે નહીં તેવું વરદાન મહાદેવ પાસે માગ્યું.
દેવતાઓએ બ્રહ્માજીને જણાવ્યું કે તારકાસુરનો અંત શિવપુત્ર દ્વારા જ થશે. દેવતાઓએ શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા અને તેના દ્વારા કાર્તિકેય(સ્કંદ)ની ઉત્પત્તિ થઈ. સ્કંદને દેવતાઓએ પોતાના સેનાપતિ બનાવ્યા અને યુદ્ધમાં તારકાસુર માર્યો ગયો. સ્કંદ પુરાણ પ્રમાણે શિવ પુત્ર કાર્તિકેયનો ઉછેર કૃતિકાઓએ કર્યો એટલે તેમનું નામ કાર્તિકેય પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.