આજે હનુમાન જયંતી છે. રામકથામાં હનુમાનજીનો પ્રવેશ કિષ્કિંધાકાંડથી થાય છે. તે પછી સુંદરકાંડ શરૂ થાય છે. સુંદરકાંડમાં હનુમાનજી અને દેવી સીતાની મુલાકાત થાય છે. જ્યારે સીતાજીએ અશોક વાટિકામાં પહેલીવાર હનુમાનજીને જોયા ત્યારે તેમને વિશ્વાસ થયો નહીં કે રામ વાનર સેના સાથે રાક્ષસો સાથે યુદ્ધ કરી શકશે?
સીતા માતા અને હનુમાનજીની પહેલી મુલાકાતનો પ્રસંગ હનુમાનજી જ્યારે લંકા પહોંચ્યા ત્યારે સીતા માતાની શોધ કરવા તેઓ અશોક વાટિકા પહોંચી ગયાં હતાં. અશોક વાટિકામાં દેવી સીતાજી તેમને મળી ગયાં. સીતાને મળીને હનુમાનજીએ જણાવ્યું કે શ્રીરામ જલ્દી જ વાનર સેના સાથે લંકા ઉપર આક્રમણ કરશે અને તમને રાવણની કેદમાંથી મુક્ત કરાવશે.
હનુમાનજી સીતા માતાને વિશ્વાસ અપાવી રહ્યા હતાં કે શ્રીરામ રાવણને પરાજિત કરશે, પરંતુ સીતા માતાને હનુમાનજીની વાત ઉપર વિશ્વાસ હતો નહીં.
હનુમાનજીએ દેવી સીતાને કહ્યું હતું કે તમે વિશ્વાસ કરો. શ્રીરામ તમને લેવા માટે ચોક્કસ આવશે. હું પણ તમને અહીંથી લઇ જઇ શકું છું, પરંતુ મને શ્રીરામજીએ મંજૂરી આપી નથી.
સીતાજીએ આ વાત સાંભળીને કહ્યું કે રાક્ષસ તો ખૂબ જ બળવાન છે અને વાનર તમારી જેમ નાના-નાના હશે, તમે આ શક્તિશાળી રાક્ષસો સાથે યુદ્ધમાં જીતી શકશો નહીં.
સીતાજીની આ વાત સાંભળીને હનુમાનજીએ તરત જ પોતાનો આકાર મોટો કરી લીધો. હનુમાનજીનું આવું સ્વરૂપ જોઈને સીતા માતાને વિશ્વાસ થઈ ગયો કે શ્રીરામ અને વાનર સેના લંકા ઉપર આક્રમણ કરીને રાવણને પરાજિત કરી દેશે.
હનુમાનજીએ કહ્યું હતું કે માતા, વાનરોમાં વધારે બળ અને બુદ્ધિ હોતી નથી, પરંતુ પ્રભુ શ્રીરામના પ્રતાપના કારણે નાનો સાપ પણ ગરૂડને ખાઈ શકે છે. એટલે તમે વાનર સેના ઉપર શંકા કરશો નહીં.
જ્યારે સીતાને હનુમાનજી ઉપર વિશ્વાસ થઈ ગયો ત્યારે તેમણે હનુમાનજીને અજર-અમર રહેવાનું વરદાન આપ્યું હતું.
બોધપાઠ- આ પ્રસંગમાં હનુમાનજીએ પોતાની શક્તિ બતાવી, પરંતુ તેને શ્રીરામ સાથે જોડી દીધી. અહીં હનુમાનજીએ બોધપાઠ આપ્યો કે જો આપણે આપણી શક્તિઓને પરમાત્માની કૃપા સાથે જોડી દઇશું તો આપણાં મનમાં અહંકાર રહેશે નહીં. આ વાત હનુમાનજી પાસેથી શીખવી જોઈએ કે આપણે ભલે ગમે તેટલાં શક્તિશાળી હોઇએ, પરંતુ ઘમંડ કરવો જોઈએ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.