શનિવાર, 16 એપ્રિલે હનુમાન જયંતી એટલે હનુમાનજીનો પ્રાકટ્યોત્સવ છે. આ દિવસે હનુમાનજીના વિવિધ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. હનુમાનજીનું એક સ્વરૂપ પંચમુખી પણ છે. આ સ્વરૂપની પૂજા કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને અજાણ્યા ભયથી મુક્તિ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શ્રીરામ કથાકાર પં. મનીષ શર્મા પ્રમાણે ત્રેતાયુગમાં શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. શ્રીરામના પ્રહારોથી રાવણની સેના નષ્ટ થઇ રહી હતી. તે સમયે રાવણે તેના માયાવી ભાઈ અહિરાવણને બોલાવ્યો. અહિરાવણ દેવી ભવાનીનો સાધક હતો અને તંત્ર-મંત્ર જાણતો હતો. તેણે પોતાની સાધના વડે શ્રીરામની સેનાને સૂવડાવી દીધા. ત્યાર બાદ તે શ્રીરામ અને લક્ષ્મણને પોતાની સાથે પાતાળ લોક લઇ ગયો.
થોડાં સમય બાદ જ્યારે અહિરાવણની માયાની જાણ વિભીષણને સમજાઇ ગઇ. ત્યારે વિભીષણે હનુમાનજીને સંપૂર્ણ વાત જણાવી અને શ્રીરામ-લક્ષ્મણની મદદ માટે પાતાળ લોક મોકલી દીધા. હનુમાનજી તરત પાતાળ લોક પહોંચી ગયાં. ત્યાં જઇને જોયું તો, અહિરાવણે દેવી ભવાનીને પ્રસન્ન કરવા માટે પાંચેય દિશામાં દીવા પ્રગટાવી રાખ્યા હતાં. વિભીષણે હનુમાનજીને જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ પાંચ દીવા ઓલવાશે નહીં, ત્યાં સુધી અહિરાવણને પરાજિત કરવો મુશ્કેલ રહેશે. હનુમાનજીએ પાંચેય દીવા ઓલવવા માટે પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું અને પાંચેય દીવા એકસાથે ઓલવી નાખ્યાં.
ત્યાર બાદ અહિરાવણની શક્તિઓ ઓછી થવા લાગી અને હનુમાનજીએ તેનો વધ કરી દીધો. અહિરાવણના વધ બાદ તેમણે શ્રીરામ અને લક્ષ્મણને સ્વતંત્ર કરાવ્યાં અને ફરી તેમને લઇને લંકાના યુદ્ધ મેદાનમાં પહોંચી ગયાં. આ કથાના કારણે હનુમાનજીના પંચમુખી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
હનુમાનજી પંચમુખી સ્વરૂપે ઉત્તર દિશામાં વરાહ મુખ, દક્ષિણ દિશામાં નરસિંહ મુખ, પશ્ચિમ દિશામાં ગરૂડ મુખ, આકાશ તરફ હયગ્રીવ મુખ અને પૂર્વ દિશામાં હનુમાન મુખ છે. જે ભક્ત હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરે છે, તેમને અજાણ્યા ભયથી મુક્તિ મળે છે. આત્મવિશ્વાસ વધે છે અને માનસિક તણાવ દૂર થાય છે. આ સ્વરૂપની તસવીર અથવા પ્રતિમા સામે બેસીને દીવો પ્રગટાવી હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.