21 ડિસેમ્બરે ગ્રેટ કંજક્શન:લગભગ 400 વર્ષ પછી આકાશમાં ગુરુ-શનિ 0.1 ડિગ્રી દૂર રહેશે, 2020 પછી 2080માં આવું દૃશ્ય જોવા મળશે

એક વર્ષ પહેલા
  • પશ્ચિમ દિશામાં ગુરુ-શનિ ધીમે-ધીમે એકબીજાની નજીક આવશે, રોજ આ બંને ગ્રહોને જોઇ શકાશે

સોમવાર, 21 ડિસેમ્બરના રોજ અદભૂત ખગોળિય ઘટના બનવા જઇ રહી છે. આ દિવસે ગુરુ અને શનિ ગ્રહ એકદમ નજીક આવી જશે. આ બંને ગ્રહો માત્ર 0.1 ડિગ્રીના અંતરે રહેશે. આ ઘટના ગ્રેટ કંજક્શન કહેવાય છે. 21 તારીખના રોજ વર્ષની સૌથી લાંબી રાત પણ રહેશે.

ભોપાલની વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારૂએ જણાવ્યું કે, જોકે, દર 20 વર્ષમા ગુરુ અને શનિ નજીક આવે છે, પરંતુ આ વર્ષે આ બંને ગ્રહો વચ્ચેનું અંતર માત્ર 0.1 ડિગ્રી જ રહેશે. આવું લગભગ 400 વર્ષ પછી બની રહ્યું છે. આ પહેલાં 1623માં આ બંને ગ્રહો આટલાં નજીક આવ્યાં હતાં. આ વર્ષ પછી 15 માર્ચ 2080માં રાતે ગુરુ-શનિ આટલા નજીક જોવા મળશે.

ગ્રેટ કંજક્શન કેવી રીતે થાય છે?
સૌર મંડળનો પાંચમો ગ્રહ ગુરુ અને શનિ છઠ્ઠો ગ્રહ છે. જૂપિટર એટલે ગુરુ ગ્રહ 11.86 વર્ષમાં સૂર્યની પરિક્રમા કરે છે. શનિને લગભગ 29.5 વર્ષ સૂર્યની પરિક્રમા કરવામાં લાગે છે. દર વર્ષે 19.6 વર્ષમાં આ બંને ગ્રહો નજીક આવે છે, જેને આકાશમાં સરળતાથી જોઇ શકાય છે. આ સ્થિતિને ગ્રેટ કંજક્શન કહેવામાં આવે છે.

આ પહેલાં 2000માં કંજક્શન થયું હતું. પરંતુ, તે સમયે આ બંને ગ્રહ સૂર્ય તરફ હતાં, જેના કારણે જોઇ શકાયા નહીં. હવે પછીનું કંજક્શન 5 નવેમ્બર 2040ના રોજ, 10 એેપ્રિલ 2060ના રોજ થશે. તે પછી ગ્રેટ કંજક્શન 15 માર્ચ 2080ના રોજ જોવા મળશે.

આ બંને ગ્રહોને કેવી રીતે ઓળખી શકાશે?
હાલ ગુરુ અને શનિ પશ્ચિમ દિશામાં જોવા મળી રહ્યા છે. સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં બે ગ્રહોની જોડ જોવા મળી રહી છે. તેમાંથી સૌથી વધારે ચમકતો ગ્રહ જૂપિટર છે અને ઓછો ચમકતો ગ્રહ સેટર્ન છે. આ બંને ગ્રહ લગભગ 8 વાગે અસ્ત થઇ જાય છે એટલે 8 વાગ્યા પછી જોવા મળતાં નથી. એટલે તેમને 8 વાગ્યા પહેલાં જ જોઇ શકાય છે. હવેથી 21 ડિસેમ્બર સુધી આ બંને ગ્રહો રોજ જોવા મળી શકશે અને 21 તારીખે ગુરુ-શનિ એકસાથે જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...