ઉત્સવ:આજે ગોવર્ધન પૂજાના દિવસે ત્રણ શુભ યોગ બનશે, આ દિવસે ગોબરથી ગોવર્ધન પર્વત બનાવીને પૂજા કરવાની પરંપરા છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 5 નવેમ્બર એટલે આજે કારતક મહિનાના સુદ પક્ષની એકમ તિથિ છે. આ દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરવાની પરંપરા છે. આજનો દિવસ જૈન અને ગુજરાતી નવવર્ષ તરીકે પણ ઊજવવામાં આવે છે. ઇન્દોરના જ્યોતિષાચાર્ય પં. સોમેશ્વર જોશીના જણાવ્યા પ્રમાણે શુક્રવારે એકમ તિથિ આખો દિવસ રહેશે. આ દિવસે માતંગ, આયુષ્યમાન અને સૌભાગ્ય નામનો શુભ યોગ પણ બની રહ્યો છે.

પૂજા વિધિ-સૂર્યોદય પહેલાં જાગીને શરીર ઉપર તેલની માલિસ કરીને સ્નાન કરવું જોઇએ. ઘરના ફળિયામાં ગોબરથી ગોવર્ધન પર્વત બનાવો. આ પર્વતની વચ્ચે અથવા પાસે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ રાખો. હવે ગોવર્ધન પર્વત અને શ્રીકૃષ્ણની પૂજા કરો અને મીઠાઈનો ભોગ ધરાવો. દેવરાજ ઇન્દ્ર, વરૂણ, અગ્નિ અને રાજા બલિની પણ પૂજા કરો. પૂજા પછી કથા સાંભળો. બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દાન-દક્ષિણા આપો.

અન્નકૂટઃ નવા અનાજનો ભોગ ધરાવવામાં આવે છે
આ દિવસે ભગવાનના નિમિત્ત છપ્પન ભોગ બનાવવામાં આવે છે. કહેવાય છે કે, અન્નકૂટ મહોત્સવ ઊજવવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય તથા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. અન્નકૂટ મહોત્સવ એટલે ઊજવવામાં આવે છે, કેમ કે આ દિવસે નવા અનાજની શરૂઆત ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે ગાય-બળદ વગેરે પશુઓને સ્નાન કરાવીને ધૂપ-ચંદન તથા ફૂલમાળા પહેરાવીને તેમની પૂજા કરવામાં આવે છે અને ગૌમાતાને મીઠાઈ ખવડાવીને આરતી ઉતારવામાં આવે છે. ત્યાર બાદ પરિક્રમા પણ કરવામાં આવે છે.

શ્રીકૃષ્ણએ ઇન્દ્રનો ઘમંડ તોડ્યો હતો-
દ્વાપર યુગમાં વૃંદાવન, ગોકુળ અને આસપાસના ક્ષેત્રના લોકો દેવરાજ ઇન્દ્રની પૂજા કરતાં હતાં. બધાનું માનવું હતું કે, ઇન્દ્રની કૃપાથી જ સારો વરસાદ થાય છે અને અહીંના લોકોનું જીવન પસાર થાય છે. તે સમયે બાળ કૃષ્ણએ વૃંદાવન-ગોકુળના લોકોને ગોવર્ધન પર્વતની પૂજા કરવા માટે પ્રેરિત કર્યાં.

શ્રીકૃષ્ણએ અહીંના લોકોને સમજાવ્યાં કે, દેવરાજ ઇન્દ્ર સારો વરસાદ કરે છે તો તે તેમનું કર્તવ્ય છે, તેના માટે તેમની પૂજાની જરૂરિયાત નથી. આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઇએ. કેમ કે, આ પર્વતમાંથી મળતી વનસ્પતિઓથી આપણી ગાયનું પાલન થાય છે. ગાયથી આપણને દૂધ મળે છે, જેનું માખણ બને છે અને આપણું ભરણપોષણ થાય છે. એટલે ઇન્દ્રની નહીં, ગોવર્ધન પર્વતની પૂજા કરવી શ્રેષ્ઠ છે.

શ્રીકૃષ્ણના સમજાવ્યાં પછી બધાએ ઇન્દ્રની પૂજા બંધ કરી દીધી અને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું શરૂ કરી દીધું. આ વાતથી ઇન્દ્ર ગુસ્સે થઇ ગયાં, તેમણે વરૂણ દેવને આદેશ આપ્યો કે, વૃંદાવન ક્ષેત્રમાં ભયંકર વર્ષા કરો. વૃંદાવન અને ગોકુળમાં વરસાદના કારણે બધું જ બરબાદ થવા લાગ્યું, ત્યારે બધા લોકો શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યાં.

પરેશાન લોકોનું દુઃખ દૂર કરવા માટે શ્રીકૃષ્ણએ પોતાના હાથની સૌથી નાની આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડી લીધો અનો લોકોનું વરસાદ સામે રક્ષણ કર્યું. આ પ્રકારે શ્રીકૃષ્ણએ ઇન્દ્રનો ઘમંડ તોડ્યો હતો.

ગોવર્ધન પર્વતની પૂજા દ્વારા લાઇફ મેનેજમેન્ટ-
આ પર્વ આપણને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો સંદેશ આપે છે. પ્રકૃતિ આપણને જીવન ઉપયોગી વસ્તુઓ મફતમાં આપે છે. પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે શુદ્ધ હવા, ભોજન માટે વનસ્પતિઓ અને અનાજ, આ બધી વસ્તુઓ પ્રકૃતિ દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. તેના બદલામાં પ્રકૃતિ આપણી પાસેથી કશું જ લેતી નથી. એટલે આપણે એવા કામ કરવાથી બચવું જોઇએ, જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે તો વ્યક્તિ પણ સુરક્ષિત રહેશે.

ક્યારેક પોતાના કર્તવ્ય કર્મના કારણે ઘમંડ કરશો નહીં-
દેવરાજ ઇન્દ્ર પોતાના કર્તવ્યને પૂર્ણ કરતાં હતા અને તેમને આ વાતનું જ ઘમંડ થઇ ગયું હતું. ત્યારે શ્રીકૃષ્ણએ તેમનો અહંકાર તોડ્યો. આ કથા દ્વારા બોધપાઠ મળે છે કે, કર્તવ્ય સાથે જોડાયેલાં કામને લઇને ક્યારેય ઘમંડ કરવો જોઇએ નહીં. નહીંતર આપણી સમસ્યાઓ વધી શકે છે. સમાજમાં અપમાનિત થવું પડી શકે છે.