ઉત્પત્તિ એકાદશીનું વ્રત દર વર્ષે કારતક મહિનાના વદ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે. આ વખતે આ શુભ તિથિ 20 નવેમ્બર, રવિવારના રોજ ઊજવાશે. આ વખતે ઉત્પત્તિ એકાદશીએ સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ, દ્વિપુષ્કર યોગ, આયુષ્યમાન યોગ અને પ્રીતિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ શુભ યોગ એકાદશીના દિવસે વ્રત રાખીને શ્રીહરિની પૂજા-ઉપાસના અને દાન કરવાથી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે અને જાપ-તપ સમાન જ ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ, આ શુભ યોગની વચ્ચે જો થોડા ઉપાય કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ, જીવનના બધા જ કષ્ટ દૂર થઈને ધન-સમૃદ્ધિ વધે છે. એકાદશીના આ દિવસે પાંચ મહાયોગ હોવાથી ઉત્પત્તિ એકાદશીનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. આ લેખમાં જાણો ઉત્પત્તિ એકાદશીના દિવસે કેવા-કેવા શુભ કામ કરવા જોઈએ.
આ ઉપાયથી ભગવાન વિષ્ણુની કૃપા મળશે
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, ઉત્પત્તિ એકાદશીના દિવસે પીળા વસ્ત્ર પહેરીને ચાર ભુજાધારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને પીળા ફૂલ, કેળા, ચણાની દાણ, તુવેરની દાળ, હળદર વગેરે પીળા રંગની સામગ્રી ભગવાન વિષ્ણુને અર્પણ કરો. પૂજા કર્યા પછી આ દરેક સામગ્રી ગરીબોમાં વહેંચો. આવું કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને દેવામાંથી ધીમે-ધીમે મુક્તિ મળી જાય છે.
આ ઉપાયથી સુખ-સમૃદ્ધિ વધશે
ઉત્પત્તિ એકાદશી રવિવારે છે એટલે આ દિવસે તુલસીના પાન તોડવા નહીં પરંતુ સાંજના સમયે તુલસી સામે ઘીનો દીવો પ્રગટાવવો અને ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને 11 પરિક્રમા કરો. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સૌભાગ્યમાં વધારો થાય છે. સાથે જ, આ દિવસે કથા સાંભળવા અને વાંચવાથી દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળી જાય છે.
આ ઉપાયથી લક્ષ્મી પ્રાપ્તિ થશે
ઉત્પત્તિ એકાદશીના દિવસે સવારે વિધિવત પૂજા-અર્ચના કરો અને રાતના સમયે મૂર્તિ કે ફોટાની સામે 9 દિવેટવાળો દીવો પ્રગટાવવો. આ સિવાય એક અખંડ દીવો પ્રગટાવવો, જે આખી રાત પ્રગટેલો રહે. તે પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના 108 નામનો જાપ કરો. માન્યતા છે કે આવું કરવાથી માતા લક્ષ્મીની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે.
આ ઉપાયથી આર્થિક સ્થિતિ મજબૂત થશે
ઉત્પત્તિ એકાદશીના દિવસે એક લોટા પાણીમાં થોડી ખાંડ મિક્સ કરી લો અને તેને પીપળાના ઝાડ ઉપર અર્પણ કરો અને પછી સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. તે પછી સાંજના સમયે પીપળા પાસે ઘીનો દીવો પ્રગટાવવો. માન્યતા છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને ધનને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે.
આ ઉપાયથી દરેક ઇચ્છાઓ પૂર્ણ થશે
ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો દક્ષિણાવર્તી શંખમાં કાચા દૂધ અને કેસરથી અભિષેક કરો. તે પછી નારિયેળ અને બદામનો ભોગ ધરાવવો અને પછી સતત 27 એકાદશી સુધી કરતાં રહો. આવું કરવાથી ખાસ શુભફળની પ્રાપ્તિ થાય છે અને ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. ભોગ ધરાવ્યા પછી નારિયેળ અને બદામને નાના બાળકોમાં વહેંચો.
10 હજાર વર્ષ સુધી મુર-હરિ વચ્ચે યુદ્ધ ચાલ્યું
માયાવી મુરે સ્વર્ગલોક ઉપર પોતાનો અધિકાર જમાવી લીધો હતો, બધા દેવતા તેમનાથી બચવા માટે ભાગતાં ફરી રહ્યા હતાં, ભોળાનાથની આજ્ઞાનું પાલન કરીને દેવતાગણ શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચ્યા અને વિસ્તાર સાથે ઇન્દ્રને પોતાની પીડા જણાવી. દેવતાઓને મુરથી બચાવવાનું વચન આપીને ભગવાન વિષ્ણુ રણભૂમિમાં પહોંચી ગયાં. અહીં મુર સેના સહિત દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યા હતાં. વિષ્ણુજીને જોતાં જ તેણે પ્રહાર કર્યો. એવું કહેવાય છે કે મુર-શ્રીહરિનું યુદ્ધ 10 હજાર વર્ષ સુધી ચાલ્યું હતું, વિષ્ણુજીના બાણથી મુરનું શરીર છિન્ન-ભિન્ન થઈ ગયું પરંતુ તે હાર માન્યો નહીં.
વિષ્ણુજીના અંશ છે ઉત્પત્તિ એકાદશી
યુદ્ધ કરીને ભગવાન વિષ્ણુ થાકી ગયા અને બદ્રીકાશ્રમ ગુફામાં જઈને આરામ કરવા લાગ્યાં. દૈત્ય મુર પણ વિષ્ણુજીનો પીછો કરીને ત્યાં પહોંચી ગયો. તે શ્રીહરિ ઉપર વાર કરવાનો જ હતો કે ત્યારે ભગવાન વિષ્ણુના શરીરમાંથી કાંતિમય સ્વરૂપ ધરાવતી દેવીનો જન્મ થયો. તે દેવીએ રાક્ષસનો વધ કર્યો. ભગવાન વિષ્ણુએ દેવીને કહ્યું કે તમારો જન્મ કારતક મહિનાના વદ પક્ષની એકાદશીએ થયો છે એટલે આજથી તમારું નામ એકાદશી હશે. આ દિવસે દેવી એકાદશી ઉત્પન્ન થયા હતાં એટલે આ દિવસને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે. જે એકાદશીનું વ્રત કરે છે તેમને વૈકુંઠલોકની પ્રાપ્તિ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.