રવિવાર, 4 ડિસેમ્બરે ગીતા જયંતી છે. આ વખતે પંચાંગ ભેદના કારણે માગશર મહિનાના સુદ પક્ષની એકાદશી શનિવાર અને રવિવારે રહેશે. દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધની શરૂઆત પહેલાં અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું હતું કે હું યુદ્ધ કરવા ઇચ્છતો નથી. આટલું જ કહીને અર્જુને ધનુષ-બાણ નીચે મુકી દીધા હતાં. આ ઘટના માગશર સુદ એકાદશીના દિવસે બની હતી.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલાં અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અર્જુને શ્રીકૃષ્ણ સામે યુદ્ધ ન કરવાની વાત કહી હતી. બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણએ અર્જુનને કર્મ કરતા રહો એવો ઉપદેશ આપ્યો હતો. શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે ફળની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. આ યુદ્ધ ધર્મ અને અધર્મની વચ્ચે છે. જે લોકો અધર્મી છે, તેમની સાથે સંપૂર્ણ શક્તિ લગાવીને યુદ્ધ કરવું જોઈએ, આ જ તમારું કર્તવ્ય છે.
શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપીને અર્જુનની શંકા દૂર કરી હતી. ગીતાના ત્રીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે કે કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા વિના પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે નહીં.
કર્મ ન કરવું પણ એક કર્મ જ છે
જો કોઈ વ્યક્તિ કર્મ કરશે નહીં તો તેના કામ પૂર્ણ થશે નહીં. કોઈપણ વ્યક્તિ કોઈપણ અવસ્થામાં એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકે નહીં. બધા લોકો પોત-પોતાની પ્રવૃત્તિ પ્રમાણે કર્મ કરતા રહે છે. કર્મ ન કરવું પણ એક કર્મ જ છે અને તેનું ફળ પણ આપણે ભોગવવું જ પડે છે.
માત્ર પોતાના કર્મ ઉપર જ ધ્યાન આપો
જે લોકો પોતાની ઇન્દ્રિઓ ઉપર, પોતાના ભાવ, પોતાના મોહ ઉપર કાબૂ રાખે છે અને વિના કોઈ સ્વાર્થ કામ કરતા રહે છે, તેમને સફળતા સાથે જ સુખ-શાંતિ પણ ચોક્કસ મળે છે. આપણે માત્ર આપણાં કર્મ ઉપર ધ્યાન આપવું જોઈએ. કર્મ ન કરવું તેના કરતા કર્મ કરવું સારું છે. કર્મ કર્યા વિના કોઈપણ વ્યક્તિના જન્મનો ઉદેશ્ય પૂર્ણ થઈ શકતો નથી.
શ્રીકૃષ્ણએ સૂર્યદેવને પણ ગીતાનું જ્ઞાન આપ્યું હતું
શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના પહેલાં શ્લોકમાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે તમારી પહેલાં હું કર્મ યોગનું આ જ્ઞાન સૂર્યદેવને આપી ચૂક્યો છું. સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વત મનુને અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તે પછી આ જ્ઞાન ઋષિઓ સુધી પહોંચ્યું, પરંતુ હવે આ વાતને પણ ઘણો સમય થઈ ગયો છે, એટલે આ જ્ઞાન લુપ્ત થઈ ગયું છે. આ કારણે હવે હું આ જ્ઞાન તમને આપી રહ્યો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.