• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ghat Will Be Established Early On Thursday Morning, Various Forms Of Worship Of Mother Will Be Performed In Nine Days Of Navratri 2021

નવરાત્રિ:ગુરુવારે વહેલી સવારે ઘટ સ્થાપના થશે, નવરાત્રિમાં દુર્ગાના આ નવ સ્વરૂપની પૂજા કરીને આદ્યશક્તિને પ્રસન્ન કરો

2 મહિનો પહેલા
  • આ વર્ષે ચોથનો ક્ષય હોવાથી આઠ નોરતા જ રહેશે, 15 ઓક્ટોબરે વિજયાદશમી ઊજવાશે
  • નોરતાના નવ દિવસમાં દરરોજ માતાના એક ખાસ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે

અગામી તા.7 આસો સુદ એકમ શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. હિન્દુ ધર્મમાં ચાર નવરાત્રિમાં આ નવરાત્રિનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ વધારે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા રાજ્યમાં નવરાત્રિ સવિશેષ મહત્ત્વ છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com)ના જણાવ્યા અનુસાર આ પર્વમાં ખાસ દૂર્ગામાંની પૂજા- અર્ચના કરવામાં આવે છે. કુળદેવી, ચામુડામાતાજી કે ગાયત્રીમાતાજીનું અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો ઉપવાસ કરી માતાની આરાધના કરતા હોય છે. નવરાત્રિના નવ દિવસમાં માતાના અલગ-અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે.

નવરાત્રિમાં પ્રથમ દિવસે ઘટ સ્થાપના એટલે કુંભ પધરાવવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે શુભ મુહુર્તમાં કળશ સ્થાપન કરીને નવગ્રહો, પંચદેવતા, ગ્રામ અને નગર દેવતાની પુજા પછી વિધિ-વિધાન દ્વારા માતાની પૂજા કરવી જોઇએ એવી માન્યતા છે કે મંગલ કળશની સ્થાપનાથી નવરાત્રિમાં દેવી પૂજન સફળ અને ફળદાયી થાય છે. નવરાત્રિ સ્થાપનામાં બાજોટ ઉપર લાલ કલરનું કપડું પાથરી તેની ઉપર માતાજીની મૂર્તિ તથા કળશ મૂકવામાં આવે છે માટીનો માતાજીનો ગરબા નીચે મગ પાથરવામાં આવે છે. આ સ્થાપન પૂર્વ દિશા બાજુ રાખવામાં આવે છે. પિત્તળના કળશમાં શુદ્ધ જળ ભરી આસોપાલવના પાન મૂકી તેની વચ્ચોવચ સવા રૂપિયો પધરાવામાં આવે છે અને તેની ઉપર શ્રીફળ મૂકવામાં આવે છે માતાજીની તસવીરની જમણી બાજુ જવારા મૂકવામાં આવે છે ત્યારબાદ માતાજીને દીવો પ્રગટાવી, અગરબત્તી કરી આરતી ઉતારી પ્રસાદ વેચી મનોમન પ્રાર્થના કરવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન સવા લાખ મંત્રનું અનુષ્ઠાન કરવામા આવે છે. જ્યારે ઘણા ભક્તો ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક, ચંદીપાઠ અથર્વશીર્ષના પાઠ પણ કરતાં જોવા મળે છે.

ધટ સ્થાપનનું શુભ મૂહુર્ત-
સવારે 6.32 થી 8 વચ્ચે છે. આ વર્ષે ચોથનો ક્ષય હોવાથી આઠ નોરતા જ રહેશે માટે તે મુજબ અનુષ્ઠાન લેવું. આમ તો નવરાત્રિમાં કોઈ પણ શક્તિ આરાધના કરી શકાય પરંતુ આ સમયમાં દુર્ગા સપ્તશતી, દેવી કવચ, અર્ગલા સ્તોત્ર, સિદ્ધ કુંજિકા સ્તોત્ર, નવાર્ણ મંત્ર, દુર્ગા મંત્ર કરવાથી જીવનમાં સુખ-શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સમયમાં લક્ષ્મી આરાધના પણ કરી શકાય.

નવરાત્રીનાં નવ દિવસ એટલે માં જગદંબાનાં નવ સ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારીણી, ચંન્દ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની આરાધનાં અર્ચનાનાં દિવસો. માતાજીના મુખ્ય ત્રણ સ્વરૂપોમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણેય આદ્યશક્તિ ભગવતી દુર્ગાના સ્વરૂપો છે. આસો સુદ એકમથી આરંભ થતી નવલી નવરાતમાં પ્રથમ નોરતે શુભ મુહુર્તમાં માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવશે. ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતાના એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જાણો નવરાત્રિમાં કયા દિવસે દેવીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઇએ.