આ વર્ષે જેઠ મહિનાના સુદ પક્ષની દસમ તિથિની તારીખને લઈને પંચાંગ ભેદ છે. થોડા પંચાંગ પ્રમાણે આ પર્વ 9 જૂન અને થોડા પંચાંગમાં 10 જૂનના રોજ છે. આ તિથિએ ગંગા દશેરા ઊજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ દિવસે દેવ નદી ગંગા પૃથ્વી ઉપર અવતરિત થયા હતાં.
મહાભારતમાં ગંગા નદી અંગે કથા ઉલ્લેખવામાં આવી છે. રાજા શાંતનુને દેવી ગંગા સાથે પ્રેમ થઈ ગયો હતો. શાંતનુએ ગંગા સાથે લગ્ન કરવાની વાત કહી ત્યારે ગંગાએ લગ્ન માટે હા પાડી દીધી, પરંતુ દેવીએ રાજા સામે એક શરત રાખી હતી કે તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે જ રહેશે. તેમના અંગત જીવનમાં કોઈપણ પ્રકારની રોક-ટોક હશે નહીં. જો રાજા ક્યારેય તેમને કોઈ કામમાં ટોકશે તો ગંગા તેમને છોડીને જતાં રહેશે.
શાંતનુએ દેવી ગંગાની આ વાત માની લીધી અને તેમના લગ્ન થઈ ગયાં. લગ્ન પછી જ્યારે પણ દેવી ગંગા કોઈ સંતાનને જન્મ આપતાં ત્યારે તેને તરત જ નદીમાં વહાવી દેતા હતાં. શાંતનુ પોતાના વચનના કારણે ગંગાને રોકી શકતાં નહીં.
શાંતનુને ગંગાની વાત યાદ હતી કે જો રાજા દેવીને ટોકશે તો તે છોડીને જતાં રહેશે. રાજા શાંતનુ ગંગાને છોડવા ઇચ્છતાં ન હતાં. ગંગા નદીએ એક પછી એક સાત સંતાનને નદીમાં વહાવી દીધી, પરંતુ શાંતનુએ કશું જ કહ્યું નહીં. તે પછી જ્યારે આઠમાં સંતાનનો જન્મ થયો ત્યારે ગંગા તે સંતાનને પણ નદીમાં પ્રવાહિત કરવા માટે લઇ જવા લાગ્યાં.
આ વખતે શાંતનુ પોતાને રોકી શક્યા નહીં અને તેમણે ગંગાને રોકીને પૂછી લીધું કે તે દરેક વખતે પોતાની સંતાનને નદીમાં કેમ વહાવી રહ્યા છે?
ગંગાએ કહ્યું કે આજે તમે મારી શરત તોડી દીધી છે. તમે સંતાન માટે તમે આપેલું વચન ભૂલી ગયાં. હવે આ સંતાન તમારી પાસે રહેશે અને હું તમને છોડીને જઈ રહી છું.
આ પ્રકારે શાંતનુએ ગંગાને ગુમાવી દીધી અને પોતાના સંતાનને બચાવી લીધું. તેમણે પુત્રનું નામ દેવવ્રત રાખ્યું હતું. આ પુત્ર પછી ભીષ્મ પિતામહના નામથી પ્રસિદ્ધ થયાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.