કહેવાય છે કે જ્યાં બુદ્ધિ અને વિવેક હોય, ત્યા અમંગળ થતું નથી. ગણેશ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે. એટલે, જ્યાં મંગળની કામના હોય ત્યાં પહેલાં ગણપતિને આમંત્રણ આપવામાં આવે છે. ગણેશજીના આગમનથી જ વિઘ્નોનો નાશ થાય છે. આદિ શંકરાચાર્યનો સ્પષ્ટ મત હતો કે, જ્ઞાન વિના મુક્તિ સંભવ નથી. “ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્” ભજનમાં પણ કહેવામાં આવ્યું છે કે “જ્ઞાનવિહિનઃ સર્વેમતેન, મુક્તિ ન ભજતિ જનમશતેન“ એટલે કે અજ્ઞાની વ્યક્તિ સો જન્મ લે છતાંય મુક્તિ મેળવી શકતો નથી. હિંદુ પૂજા પદ્ધતિમાં ગણેશજીનું મહત્ત્વ એટલે પણ વધારે છે કેમ કે, તેમનું આહવાન જીવનમાં જ્ઞાનના પ્રકાશને ફેલાવવાનું છે.
જીવનનો આધાર જ્ઞાન છે. ગણપતિ વિના જ્ઞાન સંભવ નથી. કેમ કે, વ્યક્તિના શરીરમાં સાત ચક્ર હોય છે, મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર. આ સાત ચક્રોમાં પહેલું ચક્ર મૂળાધાર છે, જે વ્યક્તિના શરીરમાં કરોડરજ્જુના છેલ્લાં ભાગમાં ગુપ્તાંગો ઉપર હોય છે. તેને કુંડલિની કહેવામાં આવે છે. ગણપતિ વિના કુંડલિની જાગરણ સંભવ નથી. મૂળાધાર શબ્દથી જ સ્પષ્ટ થાય છે કે જે મૂળ આધાર છે.
ખાસિયત છે કે આ ચક્રનો આકાર પણ ગણપતિ જેવો હોય છે. તે જ જ્ઞાન અને શક્તિનું કેન્દ્ર હોય છે. જો શરીરમાં શક્તિ અને પરાશક્તિને જાગૃત કરવી હોય, તો તેને જગાડવી જરૂરી છે. શક્તિ આ જ કુડલિનીમાં છે, અહીંથી જ જાગૃત થઇને અન્ય પાંચ ચક્રોને પાર કરીને તે સહસ્ત્રાર સુધી પહોંચે છે. જ્યારે કુડલિની શક્તિ મૂળાધારથી પસાર થઇને સહસ્ત્રાર સુધી આવે છે, ત્યારે સમજવું કે જીવિત અવસ્થામાં પરમાત્માના દર્શન થઇ ગયાં. આ વાતનો સ્વીકાર યોગ પણ કરે છે
આ ગણેશ ઉત્સવમાં શું કરવું-
તો પછી ગણેશ ઉત્સવ શું છે? આ દસ દિવસ, પોતાની અંદર જ પરમાત્માને જોવાની કોશિશને શરૂ કરવાના દિવસ છે. ગણેશજીની આરાધનાથી સંકટ દૂર થાય છે. તેમને વિઘ્નવિનાશક પણ કહેવામાં આવે છે. વિઘ્ન અને સંકટ કેવી રીતે દૂર થાય છે. બુદ્ધિ અને બળથી. બુદ્ધિ અને બળ કોના દ્વારા છે, સ્પષ્ટ છે કે બહારના લોકમાં ગણેશ અને શરીરની અંદર મૂળાધાર ચક્રથી. કહેવાનો અર્થ એ છે કે, દરેક જગ્યાએ માત્ર ગણેશ જ છે.
ગણેશ ચતુર્થીનો પર્વ માત્ર ઘર કે મંડપોમાં ગણપતિની મૂર્તિઓ વિરાજિત કરી ઉત્સવ ઊજવવાનો તહેવાર નથી. પરંતુ પોતાના શરીરની અંદર રહેલાં મૂળાધાર રૂપી શક્તિ અને જ્ઞાનના ચક્રને જાગૃત કરવાનો પણ છે. વ્યક્તિના જીવનમાં ગણપતિનું આગમન ત્યારે જ થશે. આપણે જ્ઞાન અને શક્તિના ઉપાર્જનનો સામૂહિક પ્રયાસ કરીશું. જો ભારત વર્ષમાં જોવામાં આવે તો મહારાષ્ટ્ર ગણેશનું સ્થાન છે, લક્ષ્મીજીની ભૂમિ છે.
આર્થિક રાજધાની મુંબઈ અર્થ વ્યવસ્થાની મૂળાધાર છે. ગણેશ કોઇ રાજ્ય અથવા શહેરનો મામલો નથી. તમને પરમાત્માને મેળવવાની ઇચ્છા છે, દર્શનની અભિલાષા છે તો ગણેશ જ પ્રથમ સીડી છે. ગણેશજીને મનાવશો તો અન્ય બધા જ માની જશે.
આ ગણેશ ઉત્સવથી શરૂ કરો ત્રણ કામ
ગણપતિને મનાવવા કોઇ મુશ્કેલ કામ નથી. ભોળાનાથના પુત્ર સ્વભાવમાં તેમના જેવા જ છે. જલ્દી પ્રસન્ન થવું તેમનો ગુણ છે. રીત સાચી હોય તો ગણપતિની કૃપા મળવી તે નક્કી છે. ત્રણ કામ તમારી આદતમાં ઉમેરો.
રોજ થોડીવાર માટે ધ્યાન કરો
કોશિશ કરો કે, થોડીવાર રોજ ધ્યાનમાં રહો. મનને નિયંત્રિત કરીને ઓછામાં ઓછી 5 મિનિટ ગણપતિ સામે બેસો. ધીમે-ધીમે સમય વધારો. ધ્યાન સમયે સંપૂર્ણ મન મૂળાધાર ચક્ર ઉપર કેન્દ્રિત કરો. મૌન રહીને ધ્યાન મુશ્કેલ લાગે તો શ્રીગણેશાય નમઃ મંત્રની મદદ લો. મનમાં જ મંત્રનો જાપ કરીને ધ્યાન કરો.
સ્વાધ્યાયની આદત પાડો
ખાસ કરીને રાતે સૂતા પહેલાં કોઇ ધર્મગ્રંથના ઓછામાં ઓછા બે પાના વાંચો અને તેના ઉપર ચિંતન કરો. સ્વાધ્યાય જ્ઞાનના દ્વાર ખોલે છે. ધ્યાન શક્તિના સંચારનું માધ્યમ છે. રોજ અભ્યાસની આદત તમને ચિંતા મુક્ત પણ રાખશે અને ઊંઘ પણ સારી આપશે, સાથે જ જ્ઞાન મેળવવાની ઇચ્છાને પ્રબળ પણ કરશે.
માતા-પિતાના આશીર્વાદ લો-
રોજ સવારે સ્નાન કર્યા પછી ઘરમાંથી બહાર જતાં પહેલાં માતા-પિતાના ચરણ સ્પર્શ કરો. ગણપતિએ માતા-પિતાને જ સંપૂર્ણ બ્રહ્માંડ માન્યું છે. જે માતા-પિતાનું સન્માન કરતાં નથી, તેમનાથી ગણેશ કોઇપણ પૂજા-પાઠથી પ્રસન્ન થતાં નથી. આ આદત પરિવારમાં સારા સંસ્કારોનું મૂળ તો ઊભું કરશે, તમારા પરિવારમાં પ્રેમ અને સન્માનની ભાવનામાં વધારો પણ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.