તીર્થ:ઘી કે તેલથી નહીં; માતાજીના આ અનોખા મંદિરમાં નદીના પાણી દ્વારા દીવો પ્રગટાવવામાં આવે છે

9 મહિનો પહેલા

આપણાં દેશમાં હજારો મંદિર છે અને દરેક મંદિરની પોતાની અલગ વિશેષતા છે. થોડા મંદિર તો એટલાં રહસ્યમયી છે કે તેમના રહસ્યો અંગે આજ સુધી કોઇ જાણી શક્યું નથી. આવું જ એક મંદિર મધ્ય પ્રદેશમાં સ્થિત છે. આ મંદિર અદભૂત ચમત્કાર માટે આખા દેશમાં પ્રખ્યાત છે. આ મંદિરમાં એક દીવો એટલે જ્યોત છે જે તેલ કે ઘીથી નહીં પરંતુ પાણીથી પ્રગટે છે. વૈજ્ઞાનિકો પણ આ મંદિરના રહસ્ય વિશે કોઇ જાણકારી પ્રાપ્ત કરી શક્યાં નથી.

જોકે, મધ્યપ્રદેશમાં કાલી સિંધ નદીના કિનારે આગર-માલવાના નલખેડા ગામથી લગભગ 15 કિમી દૂર ગાડિયા ગામ પાસે એક મંદિર સ્થિત છે. આ મંદિરને ગાડિયાઘાટ માતાજીના નામથી ઓળખવામાં આવે છે. મંદિરના પૂજારી જણાવે છે કે પહેલાં અહીં હંમેશાં તેલનો દીવો પ્રગટાવવામાં આવતો હતો, પરંતુ લગભગ પાંચ વર્ષ પહેલાં માતાજીએ તેમને સપનામાં દર્શન આપ્યાં અને પાણીથી દીવો પ્રગટાવવા માટે કહ્યું, તે પછી પૂજારીએ સવારે જાગીને મંદિર પાસે જ વહેતી કાલી સિંધ નદીથી પાણી ભર્યું અને તેને દીવામાં ઉમેર્યું.

તે પછી દીવામાં રાખવામાં આવેલી વાટને પ્રગટાવવામાં આવી, દીવો પ્રગટી ગયો. આ જોઇને પૂજારી ગભરાઇ ગયો અને લગભગ 2 મહિના સુધી તેમણે આ અંગે કોઇને જણાવ્યું નહીં. તે પછી તેમણે આ અંગે થોડા ગ્રામીણ લોકોને જણાવ્યું ત્યારે તેમણે પણ પહેલાં વિશ્વાસ કર્યો નહીં, પરંતુ જ્યારે તેમણે પણ દીવામાં પાણી ઉમેરીને જ્યોત પ્રગટાવી ત્યારે દીવો પ્રગટી ગયો.

એવું કહેવામાં આવે છે કે તે પછી આ ચમત્કારની ચર્ચા આખા ગામમાં ફેલાઇ ગઇ. ત્યારથી લઇને આજ સુધી આ મંદિરમાં કાલી સિંઘ નદીના પાણીથી દીવો પ્રગટાવવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે દીવામાં પાણી ઉમેરવામાં આવે છે, ત્યારે તે ચીકણા તરલ પદાર્થમાં બદલાઇ જાય છે અને દીવો પ્રગટે છે.

સ્થાનિક લોકો પ્રમાણે, પાણીથી પ્રગટતી આ જ્યોત ચોમાસામાં પ્રગટાવવામાં આવતી નથી. કેમ કે, વરસાદના વાતાવરણમાં કાલી સિંઘ નદીનું વોટર લેવલ વધવાથી આ મંદિર પાણીમાં ડૂબી જાય છે, જેથી અહીં પૂજા કરવી શક્ય નથી. જોકે, શારદીય નવરાત્રિના પહેલાં દિવસે એટલે ઘટસ્થાપના સાથે જ્યોત ફરી પ્રગટાવવામાં આવે છે, જે આગામી ચોમાસા સુધી પ્રગટેલી રહે છે.