હિંદુ ધર્મમાં સૂર્યદેવતા સાથે જોડાયેલાં અનેક તહેવાર ઊજવવાની પરંપરા છે. તેમાંથી એક મકર સંક્રાંતિ પણ છે. જ્યારે ભગવાન સૂર્ય ઉત્તરાયણ થઇને મકર રાશિમાં આવે છે ત્યારે તેને મકર સંક્રાંતિ તરીકે દેશભરમાં ઊજવવામાં આવે છે. આ પર્વ ઉપર સૂર્ય પૂજા સાથે જ પવિત્ર નદીઓમાં સ્નાન અને શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાદમંદ લોકોને દાન કરવાની પ્રાચીન પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતું દાન અનેક ગણું થઇને પાછું આવે છે.
દેવતાઓના દિવસની શરૂઆત
આ અંગે માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે. જેના કારણે આ પર્વનું ખાસ મહત્ત્વ છે. ધનુર્માસના લીધે 16 ડિસેમ્બરથી બંધ માંગલિક કાર્યો મકર સંક્રાંતિ પછી શરૂ થઇ જશે. મકર સંક્રાંતિ પછી ગૃહ પ્રવેશ, લગ્ન તથા નવા વેપારનું શુભ મુહૂર્ત છે.
તલથી બનેલી વસ્તુઓનું દાન કરી શકો છો
માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઇએ. ધર્મ ગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર તો થાય છે, સાથે જ તલ દાનથી અનેકગણું પુણ્ય ફળ મળે છે. જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.
ભીષ્મ પિતામહે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો
માન્યતા છે કે મકર સંક્રાંતિથી સૂર્યના કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. પૌરાણિક કથા પ્રમાણે મહાભારત કાળમાં પિતામહ ભીષ્મે સૂર્યના ઉત્તરાયણ થવાથી જ પોતાની ઇચ્છાથી શરીરનો પરિત્યાગ કર્યો. એવી પણ માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભાગીરથ ઋષિની પાછળ-પાછળ ચાલીને કપિલ ઋષિના આશ્રમ સુધી આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.