પોષ મહિનાની પૂનમને સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં પર્વ કહેવામાં આવ્યું છે. આ વખતે આ પૂર્ણિમા 6 જાન્યુઆરીના રોજ રહેશે. આ તિથિમાં સ્નાન-દાન, શ્રાદ્ધ અને વિષ્ણુ પૂજા કરવાનું વિધાનગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે તિથિ, વાર અને ગ્રહ-નક્ષત્રોથી પાંચ શુભ યોગ બની રહ્યા છે. જેથી ખરીદી અને નવી શરૂઆત માટે આ દિવસ ખાસ રહેશે.
આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તીર્થ કે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા દાન અને ઉપવાસથી અક્ષય ફળ મળે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ એટલે 16 કળાએ ખીલેલો રહે છે. એટલે આ દિવસે કરવામાં આવતાં શુભ કાર્યોનું શુભફળ મળે છે.
નક્ષત્રોનો શુભ સંયોગ
આ દિવસે ચંદ્ર આર્દ્રા નક્ષત્રમાં હશે. જેથી પદ્મ નામનો શુભયોગ આખો દિવસ રહેશે. બ્રહ્મ અને ઇન્દ્ર નામના શુભયોગ પણ આ દિવસે રહેશે. ત્યાં જ, સૂર્ય અને બુધ એક જ રાશિમાં હોવાથી બુધાદિત્ય અને તિથિ, વાર અને નક્ષત્રને મળીને સર્વાર્થસિદ્ધિ યોગ બનશે. આ દિવસે ગુરુ અને શનિ પોતાની જ રાશિમાં રહેશે. નક્ષત્રોની આ સ્થિતિ સુખદ અને સમૃદ્ધિ આપનાર રહેશે. આ દિવસે ગુરુ અને શનિ પોતાની જ રાશિઓમાં રહેશે. નક્ષત્રોની આ સ્થિતિ સુખદ અને સમૃદ્ધિ આપનાર રહેશે. આ દિવસે કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધી જશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતા સ્નાન-દાનનું અનેકગણું ફળ પણ મળે છે.
તીર્થ સ્નાન અને પિતૃ પૂજાનું પર્વ
ભારતીય સંસ્કૃતિમાં પોષ પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે ગંગાજળ કે અન્ય કોઈ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ પૂનમ તિથિએ પિતૃઓની ખાસ પૂજા અને બ્રાહ્મણ ભોજન કરાવવામાં આવે છે. જેથી પિતૃ તૃપ્ત થાય છે. સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે આ પર્વમાં ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની ખાસ પૂજા અને વ્રત કરવામાં આવે છે.
ચંદ્ર સોળ કળાઓથી ખીલેલો રહે છે
આ પર્વમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે 169 થી 180 ડિગ્રીનું અંતર હોય છે. જેથી આ ગ્રહ સામસામે હોય છે અને તેમની વચ્ચે સમસપ્તક યોગ બને છે. પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે પૂર્ણ રહે છે. એટલે આ દિવસે ઔષધીઓનું સેવન કરવાથી ઉંમર વધે છે. આ યોગમાં કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળે છે.
પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે. એટલે આ તિથિએ માનસિક ઊથલપાથલ જરૂર થાય છે. શુક્રવાર અને પૂર્ણિમા તિથિથી બનતા શુભ સંયોગમાં કરવામાં આવતા કાર્યોથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.