આરાધના:સ્વસ્છતાથી દેવી પ્રસન્ન થાય છે, આઠમ અને નોમના દિવસે વ્રત-ઉપવાસ કરવાથી સંપૂર્ણ નવરાત્રિનું ફળ પ્રાપ્ત થઇ શકે છે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિ દરમિયાન પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, તામસિક ભોજન અને દરેક પ્રકારના નશાથી દૂર રહેવું જોઇએ

7 ઓક્ટોબરથી શરૂ થયેલાં નોરતા 15 તારીખ સુધી રહેશે. આ દિવસોમાં દેવીની ઉપાસના દરેક પ્રકારે કરી શકાય છે. તેમાં ખાસ વસ્તુઓની મદદથી વિશેષ પૂજા, વ્રત-ઉપવાસ, ત્યાગ અને તપ કરવામાં આવે છે. ધર્મ ગ્રંથોના જાણકાર કાશીના પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન દેવી આરાધનાને સફળ બનાવવા માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આવું કરવાથી દેવી પ્રસન્ન થાય છે. તેમણે જણાવ્યું કે, નવરાત્રિમાં દરરોજ વ્રત-ઉપવાસ ન રાખી શકો તો માત્ર આઠમ અને નોમ તિથિએ જ વ્રત કરવાથી સંપૂર્ણ નવરાત્રિનું ફળ મળી શકે છે. આ દિવસોમાં તામસિક ભોજન અને દરેક પ્રકારના નશાથી દૂર રહેવું જોઇએ.

સ્વચ્છતા અને પવિત્રતાથી દેવી પ્રસન્ન થાય છે-
નવરાત્રિમાં દેવી પૂજા દરમિયાન બહારથી અને અંદરથી તેમ બંને પ્રકારે સફાઈની જરૂરિયાત હોય છે. આ દિવસોમાં અંદરની સફાઈ માટે વ્રત-ઉપવાસ, પ્રાણાયમ અને ધ્યાન કરવાની સાથે જ મન ઉપર નિયંત્રણ રાખવાની કોશિશ કરવી જોઇએ. આવું કરવાથી મન ભટકતું નથી અને માનસિક પાપ થતાં નથી. જેનાથી અંદરની સફાઈ જળવાયેલી રહેશે. બહારની સ્વચ્છતા માટે ઘરમાં ગંદકી રાખવી જોઇએ નહીં. સાથે જ, દરરોજ ગંગાજળ અને ગૌ મૂત્ર છાંટવું જોઇએ. જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં સમૃદ્ધિ રહે છે.

આઠમ અને નોમ તિથિએ વ્રત-ઉપવાસ-
નવરાત્રિમાં દેવી દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. માર્કંડેય પુરાણ પ્રમાણે આ દિવસોમાં નિરાહાર એટલે કઇંપણ ખાધા વિના દેવીની પૂજા કરવી જોઇએ. જોકે, અનેક લોકો માટે તે મુશ્કેલ રહે છે. એટલે માત્ર આઠમ અને નોમ તિથિએ આ પ્રકારના કઠોર તપ અને પૂજા કરવામાં આવી શકે છે. આવું કરવાથી સંપૂર્ણ નોરતાની પૂજાનું વિશેષ ફળ મળી શકે છે. થોડાં લોકો બંને દિવસ પણ વ્રત-ઉપવાસ કરે છે. આઠમ અને નોમ તિથિએ કરવામાં આવતાં વ્રત-ઉપવાસથી તન અને મનની શુદ્ધિ તો થાય છે સાથે જ, દેવીની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

દેવતાઓએ પણ માતાનું પૂજન કર્યું હતું-
માર્કંડેય પુરાણ પ્રમાણે દેવતાઓએ પણ 9 દિવસ સુધી દેવીની વિશેષ પૂજા કરી હતી. દેવરાજ ઇન્દ્રએ રાક્ષસ વૃત્રાસુરનો વધ કરવા માટે માતા દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ભગવાન શિવે પણ ત્રિપાસુર દૈત્યના વધ માટે માતા ભગવતીની પૂજા કરી હતી. જગતના પાલનહાર વિષ્ણુજીએ મધ-કૈટમ નામના બે અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગાની પૂજા કરી હતી. વાલ્મીકિ રામાયણમાં પણ શક્તિપૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ભગવાન રામે રાવણ વધ પહેલાં દેવીની પૂજા કરી હતી. દેવી માતાના આશીર્વાદથી જ ભગવાન રામને અમોઘ બાણ મળ્યું હતું, જેનાથી તેઓ રાવણનો વધ કરી શક્યાં હતાં. પાંડવોએ પણ પોતાની શક્તિ વધારવા માટે ધર્મના માર્ગે વિજય પ્રાપ્ત કરવા દેવી માતાની ઉપાસના કરી હતી.

નવરાત્રિમાં ધ્યાનમાં રાખવામાં આવતી વાતો-

  • નવરાત્રિ દરમિયાન વ્રત અને પૂજા કરનાર લોકોએ દાઢી-મૂંછ, નખ અને માથાના વાળ કાપવા જોઇએ નહીં.
  • કળશ સ્થાપિત કર્યો હોય તો દસ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવીને તે જગ્યાને ખાલી છોડવી નહીં.
  • નવ દિવસ સુધી તામસિક ભોજન કરવું નહીં. લસણ, ડુંગળી અને માંસ સબિત ઠંડી-વાસી અને કોઇપણ પ્રકારની દૂષિત વસ્તુઓનું સેવન કરવું નહીં.
  • વ્રત કરનાર લોકોએ આ દિવસોમાં અનાજનું સેવન કરવું નહીં. માત્ર ફળાહાર જ કરવો.
  • પુરાણો પ્રમાણે વ્રત દરમિયાન દિવસમાં સૂવું જોઇએ નહીં. આવું કરવાથી વ્રત ભંગ થાય છે એટલે તૂટી જાય છે.
  • આ દિવસોમાં દારૂ, તંબાકૂ અને દરેક પ્રકારના નશાથી દૂર જ રહેવું જોઇએ.
  • નવરાત્રિ દરમિયાન પતિ-પત્નીએ શારીરિક સંબંધ બાંધવા જોઇએ નહીં.