આ વર્ષે અધિકમાસ હોવાથી 24ની જગ્યાએ 25 એકાદશી વ્રત કરવામાં આવશે. એટલે 2023માં એક એકાદશી વધારે રહેશે. મોટાભાગે અંગ્રેજી કેલેન્ડરના એક વર્ષમાં 24 એકાદશી હોય છે. આ વખતે શ્રાવણ મહિના દરમિયાન અધિક માસ હોવાથી વર્ષ દરમિયાન 26 એકાદશી હોવી જોઈએ પરંતુ તિથિમાં વધ-ઘટ થવાના લીધે 25 એકાદશી વ્રત કરવામાં આવશે.
મહિનામાં 2 વખત એકાદશી વ્રત કરવામાં આવે છે
જ્યોતિષ ગણના પ્રમાણે અગિયારમી તિથિને એકાદશી કહેવામાં આવે છે. જે મહિનામાં બે વાર આવે છે. એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. અમાસ પછી આવતી એકાદશીને સુદ પક્ષની એકાદશી અને પૂનમ પછી આવતી એકાદશીને વદ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ પ્રકારે વર્ષમાં 24 એકાદશી તિથિને અલગ-અલગ નામ આપવામાં આવ્યાં છે. દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્ત્વ પણ છે.
એકાદશી વ્રત યજ્ઞ કરતાં પણ વધારે ફળ આપે છે
પુરાણો પ્રમાણે, એકાદશીને હરી વાસર એટલે ભગવાન વિષ્ણુનો દિવસ કહેવામાં આવે છે. વિદ્વાનો પ્રમાણે એકાદશી વ્રત યજ્ઞ અને વૈદિક કર્મ-કાંડથી પણ વધારે ફળ આપે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રતને કરવાથી મળતા પુણ્યથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. સ્કંદ પુરાણમાં પણ એકાદશી વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ પામે છે.
પુરાણો અને સ્મૃતિ ગ્રંથમાં એકાદશી વ્રત
સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે હરિવાસર એટલે એકાદશી અને બારસના ઉપવાસ વિના તપસ્યા, તીર્થયાત્રા કે કોઈપણ પ્રકારના પુણ્ય આચરણથી મોક્ષ નથી થતો. પદ્મ પુરાણ પ્રમાણે જે વ્યક્તિ ઇચ્છાથી કે કોઈ બીજા કારણોસર એકાદશી વ્રત કરે છે, તેના બધા જ પાપ દૂર થાય છે અને પરમધામ વૈકુંઠ પ્રાપ્ત કરે છે.
કાત્યાયન સ્મૃતિમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આઠ વર્ષની ઉંમરથી એંસી વર્ષ સુધીના બધા જ સ્ત્રી-પુરૂષો માટે કોઈ ભેદ વિના એકાદશીમાં ઉપવાસ કરવાનું કર્તવ્ય છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને બધા પાપ અને દોષથી બચવા માટે 24 એકાદશીના નામ અને તેનું મહત્ત્વ જણાવ્યું છે.
2023માં એકાદશી વ્રત
તારીખ અને વાર | એકાદશીનું નામ |
2 જાન્યુઆરી, સોમવાર | પુત્રદા એકાદશી, વૈકુંઠ એકાદશી |
18 જાન્યુઆરી, બુધવાર | ષટતિલા એકાદશી |
1 ફેબ્રુઆરી, બુધવાર | જયા એકાદશી |
16 ફેબ્રુઆરી, ગુરુવાર | વિજયા એકાદશી |
3 માર્ચ, શુક્રવાર | આમલકી એકાદશી |
18 માર્ચ, શનિવાર | પાપમોચિની એકાદશી |
1 એપ્રિલ, શનિવાર | કામદા એકાદશી |
16 એપ્રિલ, રવિવાર | વિરૂથિની એકાદશી |
1 મે, સોમવાર | મોહિની એકાદશી |
15 મે, સોમવાર | અપરા એકાદશી |
31 મે, બુધવાર | નિર્જળા એકાદશી |
14 જૂન, બુધવાર | યોગિની એકાદશી |
29 જૂન, ગુરુવાર | દેવપોઢી એકાદશી |
13 જુલાઈ, ગુરુવાર | કામિકા એકાદશી |
29 જુલાઈ, શનિવાર | પદ્મિની એકાદશી, અધિક માસ |
12 ઓગસ્ટ, શનિવાર | પરમ એકાદશી, અધિક માસ |
27 ઓગસ્ટ, રવિવાર | શ્રાવણ પુત્રદા એકાદશી |
10 સપ્ટેમ્બર, રવિવાર | અજા એકાદશી |
25 સપ્ટેમ્બર, સોમવાર | પરિવર્તિની એકાદશી |
10 ઓક્ટોબર, મંગળવાર | ઇન્દિરા એકાદશી |
25 ઓક્ટોબર, બુધવાર | પાપાંકુશા એકાદશી |
9 નવેમ્બર, ગુરુવાર | રમા એકાદશી |
23 નવેમ્બર, ગુરુવાર | દેવઊઠી એકાદશી |
8 ડિસેમ્બર, શુક્રવાર | ઉત્પન્ના એકાદશી |
22 ડિસેમ્બર, શુક્રવાર | મોક્ષદા એકાદશી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.