પુત્રદા એકાદશી સાથે જોડાયેલી 10 માન્યતા:પતિ-પત્ની સંતાન પ્રાપ્તિ, સંતાનના સારા સ્વાસ્થ્ય અને સુખદ ભવિષ્યની કામના સાથે આ વ્રત કરે છે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોમવાર, 8 ઓગસ્ટના રોજ શ્રાવણ સુદ પક્ષની અગિયારસ છે, જેને પવિત્રા અને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ સોમવાર અને એકાદશીનો યોગ હોવાથી આ વ્રતનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. આ વ્રત ભગવાન વિષ્ણુની કૃપા દ્વારા સંતાન સુખ મેળવવાની કામના સાથે કરવામાં આવે છે. જાણો આ વ્રત સાથે જોડાયેલી માન્યતાઓ....

પુત્રદા એકાદશી સાથે જોડાયેલી માન્યતા

 • શ્રાવણ સોમવાર અને એકાદશીના યોગમાં વિષ્ણુજી સાથે જ શિવજીની પણ ખાસ પૂજા કરો. શિવ ભક્તિ માટે શ્રાવણ સોમવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે આ મહિનાના અને વારના સ્વામી શિવજી જ છે.
 • એકાદશીના સ્વામી વિષ્ણુજી માનવામાં આવેછે. આ કારણે આ બંને દેવતાઓની પૂજા એકસાથે 8 ઓગસ્ટના રોજ કરવી.
 • પુત્રદા એકાદશીનું વ્રત એક વર્ષમાં બે વાર કરવામાં આવે છે. એક પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં અને બીજી પોષ મહિનાના સુદ પક્ષમાં આવે છે.
 • જે દંપતિ સંતાન સુખ મેળવવા ઇચ્છે છે અને જેઓ પોતાની સંતાનના સુખદ અને સ્વસ્થ જીવનની કામના કરે છે, તેમણે પુત્રદા એકાદશીનું વ્રત ખાસ કરવું જોઈએ.
 • જે લોકો એકાદશી વ્રત કરવા ઇચ્છે છે, તેમણે દશમ તિથિથી જ સાત્વિક દિનચર્યા અપનાવવી જોઈએ. સાત્વિક ભોજન કરવું. દશમ તિથિની સાંજે વિષ્ણુ પૂજન કરવું.
 • એકાદશીએ સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય આપવું. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
 • સૂર્ય પૂજા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લો.
 • વિષ્ણુ પૂજામાં દેવી મહાલક્ષ્મીની પ્રતિમા પણ રાખો. બંને દેવી-દેવતાનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. તુલસી સાથે મીઠાઈનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. વિધિવત પૂજન કરો.
 • એકાદશીએ આખો દિવસ નિરાહાર રહો એટલે અનાજનું સેવન ન કરો. ફળનો રસ અને દૂધનું સેવન કરી શકો છો. સવારે-સાંજ વિષ્ણુ પૂજામાં ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.
 • એકાદશી પછી એટલે બારસ તિથિએ સવારે સ્નાન કર્યા પછી વિષ્ણુ પૂજા કરો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો. તે પછી સ્વયં અનાજ ગ્રહણ કરો. આ પ્રકારે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે.
 • શ્રાવણ સોમવારે શિવલિંગ ઉપર જળ, દૂધ, પંચામૃત ચઢાવો. તે પછી એકવાર ફરીથી જળ ચઢાવો. બીલીપત્ર, આંકડાના ફૂલ, ધતૂરો વગેરે શિવજીને અર્પણ કરો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાનને મીઠાઈ અને ફળનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.