રવિવાર, 8 મે એટલે આજથી ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં બધા ભક્તો દર્શન કરી શકશે. રવિવારે કપાટ ખુલ્યા પછી રાવલ ઈશ્વરપ્રસાદ નંબૂદરી ખાસ પૂજા કરશે. બદ્રીનાથ ધામને બદ્રી નારાયણ મંદિર પણ કહેવામાં આવે છે. આ ધામ અલકનંદા નદીના કિનારે નીલકંઠ પર્વ ઉપર સ્થિત છે. આદિ ગુરુ શંકરાચાર્યે આ ધામની સ્થાપના કરી હતી. બદ્રીનાથ મંદિરમાં ગર્ભગૃહ, દર્શનમંડપ અને સભામંડપ આ ત્રણેય ભાગ છે. આ ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુ અને નર-નારાયણે તપ કર્યું હતું.
આ છે મંદિરથી જોડાયેલી પ્રાચીન માન્યતા
માન્યતા છે કે એક સમયે ભગવાન વિષ્ણુજીએ આ જ ક્ષેત્રમાં તપસ્યા કરી હતી. તે સમયે મહાલક્ષ્મીએ બદ્રી અર્થાત બોરનું ઝાડ બની વિષ્ણુજીને છાયા આપી હતી. લક્ષ્મીજીના આ સમર્પણથી ભગવાન વિષ્ણુજી પ્રસન્ન થયા હતા. વિષ્ણુજીએ આ જગ્યાને બદ્રીનાથ નામથી પ્રસિદ્ધ થવાનું વરદાન આપ્યું હતું.
ધ્યાનની મુદ્રામાં ભગવાનની પ્રતિમા સ્થાપિત છે
બદ્રીનાથ ધામમાં વિષ્ણુજીની લગભગ એક મીટર ઊંચી પ્રતિમા છે. વિષ્ણુજીની આ મૂર્તિ ધ્યાન મુદ્રામાં છે. આ સિવાય અહીં કુબેર દેવ, લક્ષ્મી નારાયણની પ્રતિમાઓ પણ છે. મંદિરમાં વિષ્ણુજીના પાંચ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વિષ્ણુજીના આ પાંચ સ્વરૂપોને પંચબદ્રી કહેવામાં આવે છે. બદ્રીનાથના મુખ્ય મંદિર સિવાય અન્ય ચાર સ્વરૂપો પણ મંદિરમાં જ છે.
નર-નારાયણનું તપસ્યા સ્થળ નિર્ધારિત છે
નર-નારાયણે બદ્રી નામક વનમાં તપ કર્યું હતું. ત્યાં તેમની તપસ્યા સ્થળ નિર્ધારિત હતી. મહાભારત કાળમાં નર-નારાયણે શ્રી કૃષ્ણ અને અર્જુન રૂપે અવતાર લીધો હતો. અહીં શ્રી યોગધ્યાન બદ્રી, શ્રી ભવિષ્ય બદ્રી, શ્રી વૃદ્ધ બદ્રી, શ્રી આદિ બદ્રી આ બધા જ સ્વરૂપે બદ્રીનાથ અહીં નિવાસ કરતા હતા.
કેવી રીતે મંદિર પહોંચશો?
બદ્રીનાથથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે. આ સ્ટેશન બદ્રીનાથથી આશરે 297 કિલોમીટર દૂર છે. ઋષિકેશ ભારતના તમામ પ્રમુખ શહેરો સાથે સંકળાયેલું છે. બદ્રીનાથ માટે સૌથી નજીક જોલી ગ્રાન્ટ એરપોર્ટ દેહરાદૂન આવેલું છે. આ એરપોર્ટ બદ્રીનાથથી 314 કિલોમીટર દૂર છે. ઋષિકેશ અને દેહરાદૂનથી બદ્રીનાથ સરળતાથી પહોંચી શકાય છે. કોરોના મહામારીના સમયમાં ટ્રાન્સપોર્ટેશન રાબેતા મુજબ શરૂ થયું નથી. તેથી હવાઈ માર્ગ અથવા પર્સનલ વ્હીકલથી બદ્રીનાથ પહોંચી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.