આજે અખાત્રીજ છે. આ દિવસે કરવામાં આવતા દાનનું 10 ગણું ફળ મળે છે અને તે પુણ્ય અક્ષય હોય છે. એટલે ક્યારેક નષ્ટ થતું નથી. એટલે આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. વૈશાખ મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ છે. એટલે આ મહિનામાં તેમની કૃપા મેળવવા માટે તીર્થના જળથી સ્નાન, વ્રત, દાન અને પૂજા-પાઠની પરંપરા છે. વેદો અને ઉપનિષદો સાથે જ અનેક પુરાણો અને મહાભારતમાં પણ દાનનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે દાનનું ફળ કેવું મળે છે.
પુરાણોમાં દાન
સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં મહાદાનનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જેમાં ગાય, સોનું, ચાંદી, રત્ન, વિદ્યા, તલ, કન્યા, હાથી, ઘોડો, શય્યા, વસ્ત્ર, ભૂમિ, અન્ન, દૂધ, છત્રી અને જરૂરી વસ્તુઓ સાથે ઘરનું દાન કરવું જોઇએ. આ સિવાય અગ્નિ પુરાણ પ્રમાણે સોનું, ઘોડો, તલ, હાથી, રથ, ભૂમિ, ઘર, કન્યા અને કપિલા ગાયનું દાન કરવું જોઇએ.
ગરુડ પુરાણ કહે છે કે, દાન ન આપવાથી પ્રાણી દરિદ્ર થઇ જાય છે અને દરિદ્ર બન્યાં બાદ પાપ કરે છે. શ્રીમદભાગવત પુરાણ પ્રમાણે જીવન માટે જરૂરી સંપત્તિ, વસ્તુઓ અને ધન રાખવું જોઇએ. અન્યનું દાન કરી દેવું જોઇએ. મહાભારતમાં જણાવવામાં આવ્યું છે કે, જે ધન પ્રાપ્ત થાય છે તેનો ભોગ કે સંગ્રહ કરવા કરતાં દાન આપવું સારું છે.
વેદો અને ઉપનિષદોમાં દાન
વેદોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ધર્મની ઉન્નતિ માટે આપવામાં આવેલું દાન ઉત્તમ હોય છે. આ સિવાય પ્રસિદ્ધિ મેળવવા અથવા સ્વાર્થ માટે કરવામાં આવતું દાન મધ્યમ હોય છે. શુક્લ યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદ પ્રમાણે બ્રહ્માએ મનુષ્યો માટે ઉપદેશમાં દ અક્ષય કહ્યો. ત્યારે મનુષ્યો તેનો અર્થ દાન કરો તેવું સમજ્યાં. આ અંગે બ્રહ્માજીએ કહ્યું તમે સાચું સમજ્યાં. આ સિવાય તૈત્તરીય ઉપનિષદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રદ્ધા, લજ્જા અથવા ભયની ભાવનાથી પણ કરવામાં આવેલ દાનનું ફળ મળે જ છે.
દાનનું ફળ
ધર્મ ગ્રંથો પ્રમાણે થોડા દાનનું ફળ આ જન્મમાં મળી જાય છે તો થોડાં દાનનું ફળ આવતાં જન્મમાં મળે છે. જેના પ્રભાવથી જીવનમાં અચાનક મોટા ફેરફાર આવે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જળ દાનથી તૃપ્તિ મળે છે. અનાજ દાનથી અક્ષય સુખ, તલના દાનથી સંતાન સુખ, ભૂમિ દાનથી મનગમતી વસ્તુઓ મળી શકે છે. સોનાનું દાન કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. ઘરનું દાન કરવાથી ઉત્તમ ભવન અને ચાંદીનું દાન કરવાથી સારું સ્વરૂપ મળે છે. સાથે જ, એવું પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે, પોતાની સ્થિતિને જોતાં દાન કરવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.