શ્રાવણ મહિનાના સુદ અને વદ પક્ષની ચોથના દિવસે ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. કેમ કે આ તિથિના સ્વામી ગણેશજી છે. તેમાં સુદ પક્ષમાં આવતી ચોથ વધારે ખાસ માનવામાં આવે છે. તેને દૂર્વા ગણપતિ ચોથ કહેવામાં આવે છે. આ વખતે આ ચોથ 12 ઓગસ્ટ, ગુરુવારે છે. આ દિવસે ગણેશજીને દૂર્વા ચઢાવીને વિશેષ પૂજા કરવામાં આવે છે. આવું કરવાથી પરિવારમાં સમૃદ્ધિ વધે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ વ્રતનો ઉલ્લેખ સ્કંદ, શિવ અને ગણેશ પુરાણમાં કરવામાં આવ્યો છે.
ગણેશજીને દૂર્વા ચઢાવવાની વિધિઃ-
જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શ્રીગણેશજીને દૂર્વા અર્પણ કરવામાં આવવી જોઈએ. દૂર્વા એક પ્રકારની ઘાસ છે. જેને કોઈપણ બગીચામાં સરળતાથી ઉગાડી શકાય છે. ભગવાન શ્રીગણેશને ચઢાવવામાં આવતી આ પવિત્ર ઘાસને એકઠી કરીને ગાંઠ બનાવીને ગોળ સાથે ચઢાવવામાં આવે છે. ભગવાન ગણેશને હંમેશાં દૂર્વાની જોડ જ ચઢાવવી જોઈએ. તેમાં 11 દૂર્વા ભગવાન ગણેશને ચઢાવવાથી કામકાજમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
દૂર્વા ગણપતિ વ્રતની પૂજા વિધિઃ-
સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી ગણેશજીની મૂર્તિ કે તસવીર સામે બેસીને વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ. તે પછી પોતાની ઇચ્છા પ્રમાણે સોનું, ચાંદી, તાંબું, પીત્તળ કે માટીથી બનેલી ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરો. પછી ઓમ ગં ગણપતયૈ નમઃ મંત્ર બોલીને જેટલી પૂજા સામગ્રી હોય તેનાથી ગણેશજીની પૂજા કરો. ગણેશજીની મૂર્તિ ઉપર સિંદૂર લગાવો. પછી 21 દૂર્વા દળ ચઢાવો. ગોળ કે બૂંદીના 21 લાડુઓનો ભોગ પણ ધરાવો. તે પછી આરતી કરો અને પછી પ્રસાદ વહેંચો.
ગણપતિને દૂર્વા ચઢાવવાનું કારણઃ-
પૌરાણિક કથા પ્રમાણે અનલાસુર નામના દૈત્યથી સ્વર્ગ અને ધરતી ઉપર ત્રાહીમામ મચી ગયો હતો. અનલાસુર ઋષિઓ અને સામાન્ય લોકોને જીવતો ગળી જતો હતો. દૈત્યોથી પરેશાન થઈને દેવી-દેવતાઓ અને ઋષિ-મુનિઓ મહાદેવ પાસે પ્રાર્થના કરવા પહોંચ્યાં. શિવજીએ કહ્યું કે અનલાસુરને માત્ર ગણેશજી જ મારી શકે છે. તે પછી બધાએ ગણેશજીને પ્રાર્થના કરી.
શ્રીગણેશજીએ અનલાસુરને ગળી ગયા ત્યારે તેમના પેટમાં બળતરા થવા લાગી. અનેક ઉપાયો પછી પણ આ બળતરા શાંત થઈ નહીં. ત્યારે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવીને શ્રીગણેશને આપી. જ્યારે ગણેશજીએ દૂર્વા ખાધી ત્યારે તેમના પેટની બળતરા શાંત થઈ ગઈ. ત્યારથી જ શ્રીગણેશને દૂર્વા ચઢાવવાની પરંપરા શરૂ થઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.