ગણેશ ચતુર્થીના 4 દિવસ પછી એટલે પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દૂર્વાષ્ટમી વ્રત કરવામાં આવે છે. આ વખતે દૂર્વાષ્ટમી 14 સપ્ટેમ્બર, મંગળવારના રોજ છે. આ દિવસે ભગવાન ગણેશજીને ખાસ કરીને દૂર્વા ચઢાવવાની પરંપરા છે. માન્યતા છે કે દૂર્વાથી ગણેશજીની ખાસ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ તિથિ સાથે જોડાયલ કથા પુરાણોમાં મળી આવે છે. જેમાં રાક્ષસને માર્યા પછી ગણેશજીને દૂર્વા ચઢાવવામાં આવી અને ત્યારથી આ પરંપરા ચાલી રહી છે.
ગણપતિને દૂર્વા કેમ ચઢાવવામાં આવે છે?
દૂર્વા એક પ્રકારનું ઘાસ છે, જે ગણેશજીની વિશેષ અર્પણ કરવામાં આવે છે. ગણેશજી અને દૂર્વાનો સંબંધ અંગે અનલાસુર નામના અસુરની કથા પ્રચલિત છે. કથા પ્રમાણે, તમામ દેવતા અને મનુષ્ય અનલાસુરના આતંકથી કંટાળી ગયા હતા. ત્યારે દેવરાજ ઈન્દ્ર, તમામ દેવી-દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ મહાદેવ પાસે પહોંચ્યા હતાં. શિવજીએ કહ્યું, આ કામ માત્ર ગણેશજી જ કરી શકે છે. ત્યાર બાદ તમામ દેવી-દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ ગણેશજી પાસે પહોંચ્યાં હતાં.
દેવી-દેવતા અને તમામ પ્રાણીઓની રક્ષા કરવા માટે ગણેશજી અનલાસુર સાથે યુદ્ધ કરવા પહોંચ્યા. ત્યારે બંને વચ્ચે ઘમાસાણ થયું હતું. અનલાસુર પરાજિત નહોતો થઈ રહ્યો, ત્યારે ગણેશજી તેને પકડી ગળે ઉતારી દીધો. ત્યાર બાદ ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી.
ગણેશજીના પેટની બળતરા શાંત કરવા માટે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવી અને ગણેશજીને એનું સેવન કરવાનું જણાવ્યું. દૂર્વા ગ્રહણ કરતાં જ તેમના પેટની બળતરા શાંત થઈ. ત્યારથી જ ગણેશજીને દૂર્વા ચઢાવવાની પરંપરા શરૂ થઈ.
આફ્રિકાના યોરૂબા ધર્મમાં દૂર્વાનો ઉપયોગ થાય છે-
વૈદિક કાળથી દૂર્વા હિંદુ રિતિ-રિવાજનો ભાગ રહી છે. ભારતમાં દૂર્વાનું ધાર્મિક અને ઔષધીય બંને પ્રકારનું મહત્ત્વ છે. પોતાના ઔષધીય ગુણોના કારણે આ ઘાસ લગભગ 3,000 વર્ષોથી અસ્તિત્વમાં છે. ભારત સિવાય તેનો ઉપયોગ યૂનાન, રોમ અને આફ્રિકાના થોડાં ભાગમાં પણ કરવામાં આવે છે. આફ્રિકાના દેવતા ભગવાન એશુની પૂજામાં યોરૂબા ધર્મના લોકો પણ દૂર્વાનો ઉપયોગ કરે છે. એટલે તેને યોરૂબા હર્બ પણ કહેવામાં આવે છે. આ સિવાય પ્રાચીન યૂનાન અને રોમન સામ્રાજ્ય દરમિયાન મધ્યકાળમાં તેને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હતું.
ઔષધીય મહત્ત્વ-
આયુર્વેદમાં દૂર્વાને ત્રિદોષ હરનારી ઔષધી માનવામાં આવે છે. જોકે, તેની તાસીર ઠંડી છે છતાંય તેનો ઉપયોગ વાત, પિત્ત અને કફ રોગમાં કરવામાં આવે છે. દૂર્વાનો ઉપયોગ પુરૂષની નબળાઇઓ દૂર કરતી થોડી દવાઓમાં પણ કરવામાં આવે છે. સ્ત્રી રોગમાં પણ આ ઘાસ ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ગ્રંથોમાં તેને અનંતા, ગૌરી, મહૌષધિ, શતપર્વા અને ભાર્ગવી પણ કહેવામાં આવે છે. દૂર્વા વિટામિન એ નો સોર્સ છે. આ ઘાસમાં એન્ટીઇન્ફ્લેમેટરી, એન્ટીસપ્ટિક અને એન્ટીવાયરલ પ્રોપર્ટી છે. જે અનેક પ્રકારની બીમારીઓમાં કારગર સાબિત થાય છે. પેટની બીમારીઓમાં પણ તેનો ઉપયોગ રાહત આપે છે.
દૂર્વા વિના કર્મકાંડ અને માંગલિક કામ અધૂરા છે-
હિંદુ સંસ્કારો અને કર્મકાંડમાં તેનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. હિંદુ માન્યતાઓમાં દૂર્વા ઘાસ પ્રથમ પૂજનીય ભગવાન શ્રીગણેશને ખૂબ જ પ્રિય છે. એટલે કોઇપણ પ્રકારની પૂજા અને દરેક પ્રકારના માંગલિક કામમાં દૂર્વાને સૌથી પહેલાં લેવામાં આવે છે. આ પવિત્ર ઘાસ વિના ગૃહપ્રવેશ, મુંડન અને લગ્ન સહિત અન્ય માંગલિક કામ અધૂરા માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજામાં બે, ત્રણ અથવા પાંચ દૂર્વા અર્પણ કરવાનું વિધાન તંત્ર શાસ્ત્રમાં ઉલ્લેખવામાં આવ્યું છે.
ગુરુનાનક સાહેબે જણાવ્યું છે કે દૂર્વાની જેમ જ રહેવું-
દૂર્વા ઘાસ જમીન ઉપર ફેલાયેલી રહે છે. એટલે તેની નમ્રતાને જોઇને ગુરુ નાનક સાહેબે જણાવ્યું કે, વ્યક્તિએ કઇ રીતે રહેવું તે વાત દૂબથી શીખી શકાય છે. તેમણે જણાવ્યું કે, દૂબની જેમ જમીન સાથે જોડાયેલાં રહેવું જોઇએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.