જાનકી નોમ:વનવાસ દરમિયાન માતા સીતાએ પહેરેલાં દિવ્ય આભૂષણ અને કપડાં ક્યારેય ગંદા થયા નહીં કે ફાટ્યા પણ નહીં

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વૈશાખ મહિનાના સુદ પક્ષના નવમાં દિવસે સીતા નોમ ઉજવવામાં આવે છે. પુરાણો પ્રમાણે આ દિવસે માતા સીતા પ્રકટ થયા હતાં. એટલે આ પર્વ ઊજવવામાં આવે છે. માતા સીતા ધરતી માતાની પુત્રી હતાં. એટલે વનવાસ સમયે સતી અનસૂયાએ તેમને દિવ્ય આભૂષણ આપ્યાં હતાં. રાવણે જ્યારે માતા સીતાનું હરણ કર્યું ત્યારે આ આભૂષણ દ્વારા શ્રીરામને જાણ થયું કે સીતા માતાને લંકા લઇ જવામાં આવ્યાં છે. જાણો તે દિવ્ય આભૂષણ અંગે...

રામાયણમાં આ કથાનો ઉલ્લેખ છે કે જ્યારે રાવણ માતા સીતાનું હરણ કરીને તેમને પોતાના વિમાનથી લંકા લઇ જઇ રહ્યો હતો ત્યારે માતા સીતાએ પોતાના આભૂષણ તે વિમાનમાંથી નીચે ફેંકી દીધા હતાં. પરંતુ ઘણાં લોકોને આ વાતની જાણકારી નથી કે તેમની પાસે આભૂષણ આવ્યા ક્યાંથી. આ અંગે કથા છે કે માતા સીતાને વનવાસની શરૂઆતમાં દિવ્ય આભૂષણ અને કપડાં આપવામાં આવ્યાં હતા જે ક્યારેય ફાટી શકે નહીં કે મેલા પણ થાય નહીં.

સતી અનસૂયાએ કપડાં અને આભૂષણ આપ્યા હતાં
કથા આ પ્રકારે છે કે વનવાસની શરૂઆતમાં જ્યારે રામ-લક્ષ્મણ અને માતા સીતા, ઋષિ અત્રિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે ઋષિએ રામ-સીતા બંનેનું સ્વાગત-સત્કાર કર્યાં. જ્યારે સીતાજી સતી અનસૂયાને મળવા તેમની પાસે પહોંચ્યા ત્યારે સીતાજીએ તેમને પ્રણામ કર્યાં. પછી સીતાજીને પોતાની દીકરી જેવો પ્રેમ આપીને અનસૂયાએ તેમને દિવ્ય વસ્ત્ર આપીને તેને પહેરવાનું કહ્યું. તે પછી સીતાજીને પત્ની ધર્મનો પણ ઉપદેશ આપ્યો હતો.

આભૂષણ દ્વારા સીતાજીનો સંકેત મળ્યો
રામચરિત માનસના કિષ્કિંધા કાંડના એક પ્રસંગમાં ઉલ્લેખ મળે છે કે જ્યારે દેવી સીતાનું રાવણે હરણ કર્યું ત્યારે સીતાજીએ પોતાના આભૂષણ સાડીના પલ્લૂમાં બાંધીને ફેંક્યાં હતાં. જેથી રસ્તામાં આ ઘરેણાં કોઈપણ વ્યક્તિને મળે તેમને સીતાજી અંગે સંકેત મળી શકે. આ આભૂષણ વાનર રાજ સુગ્રીવને મળ્યા અને તેમણે આભૂષણને સાચવીને રાખ્યા હતાં. ત્યાર બાદ જ્યારે રામજી અને સુગ્રીવનું મિલન થયું ત્યારે આ આભૂષણ તેમણે શ્રીરામને આપ્યાં અને આ અંગે રામજીએ આગળની નીતિ બનાવી હતી.